કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું, રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી 3 દિવસ માટે બંધ
Trending Photos
- વ્યારા APMCમાં માવઠાથી ડાંગરની બોરીઓ પલળી ગઈ છે. જેથી વેપારીઓએ ડાંગરની બોરીઓ સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી આરંભી
- અમદાવાદના બાવળા એપીએમસીએમાં ડાંગરની હરાજી બંધ કરવામાં આવી
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાતના અનેક જિલ્લાઓ વરસાદથી ભીંજાયા છે. કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે. ખેતરમાં ઉભો પાક અને યાર્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ છે. જેથી 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાઈ છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને પગલે આ નિર્ણય લેવાયો છે. ત્યારે આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં મગફળીની ખરીદી નહિ કરવામાં આવે. 10, 11 અને 12 ડિસેમ્બરે મગફળી ખરીદી નહિ થાય. માવઠાના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા કરેલા રવિ પાક કપાસ, મકાઈ, ઘઉં અને ડાંગરને મોટાપાયે નુકસાન થયું છે. તો સાથે જ જીરું, ચણા, ડુંગળી અને બટાટાને ભારે નુકસાન થયું છે. દિવેલા, તુવેર, લીલા શાકભાજી, ઘાસચારાને પણ નુકસાન થયું છે.
આ પણ વાંચો : બે દિવસમાં અમદાવાદમાં BRTS બસનો બીજો અકસ્માત, ચંદ્રનગર પાસે ટેમ્પો સાથે મોટી ટક્કર
મધ્ય ગુજરાતમાં શાકભાજીનો પાક નિષ્ફળ, કપાસ પલળ્યા
વડોદરામાં માવઠાથી શાકભાજી પકવતા ખેડૂતોને હાલાકી પડી છે. માવઠાથી શાકભાજીના પાક નિષ્ફળ જવાનો ભય છે. ફ્લાવર, મેથી, બટાટા, સરગવા, લસણ, કોબીજ સહિતના પાકમાં ભારે નુકસાનની શક્યતા છે. તો શાકભાજી પલળી જતા વેપારીઓ તેને ખરીદી નહિ શકે. જેથી ખેડૂતોને નુકસાની થઈ શકે છે. તો બીજી તરફ, છોટાઉદેપુરના નસવાડીમાં કપાસનો મોટો જથ્થો વરસાદમાં પલળી ગયો છે. અંદાજે 1000થી વધુ કપાસની ગાસડીઓ પાણીમાં પલળી ગઈ છે. 3 હજાર ક્વિન્ટલ કપાસ કમોસમી વરસાદના પાણીમાં પલળી રહ્યો છે.
તાપીમાં ડાંગરની બોરીઓ પલળી
તાપીના વ્યારામાં માવઠાથી ભારે નુકસાન થયું છે. વ્યારા APMCમાં માવઠાથી ડાંગરની બોરીઓ પલળી ગઈ છે. જેથી વેપારીઓએ ડાંગરની બોરીઓ સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી આરંભી છે. હજુ પણ 2 દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અતિવૃષ્ટિ બાદ આવેલા માવઠાથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.
નવસારીમાં ચીકુ, કેરીની ખેતીને નુકસાન
હવામાન વિભાગની આગાહીના પગલે નવસારી જિલ્લામાં સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદને પગલે જગતનો તાત ખેડૂતને કેરી, ચીકુ સહિતનો પાક બગડી જવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે સરકારના બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે જેવા પ્રોજેક્ટ્સથી ખેડૂતો પહેલેથી જ પરેશાન છે. ત્યારે હવે કુદરત પણ ખેડૂતથી નારાજ હોય ત્યારે ખેડુત કરે તો કરે શુ તેવુ ખેડુત માની રહ્યા છે.
બાવળા એપીએમસીમાં ડાંગરની હરાજી બંધ કરાઈ
તો અમદાવાદના બાવળા એપીએમસીએમાં ડાંગરની હરાજી બંધ કરવામાં આવી છે. માવઠાને પગલે કમિશન એજન્ટ અને વેપારીઓ ખરીદી માટે ન આવતાં હરાજી બંધ કરાઈ છે. આજે 500 થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે ડાંગરના વેચાણ માટે બાવળા એપીએમસી પહોચ્યા હતા, પરંતુ હરાજી બંધ થતાં ખેડૂતો વિલાયેલા મોઢે પરત ભર્યા હતા. એક તરફ માવઠાથી નુકસાન અને બીજી તરફ હરાજી બંધ રહેતાં ખેડૂતો માટે પડતા પર પાટુ માર્યા જેવી પરિસ્થિતિ બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે