ગુજરાતમાં કિશન ભરવાડ જ નહી મૌલાનાએ 1500 લોકોનું હિટ લિસ્ટ બનાવ્યું હતું
Trending Photos
અમદાવાદ : કિશન ભરવાડની હત્યાના કેસમાં અત્યાર સુધી અનેક ખુલાસા થઇ ચુક્યાં છે. તેવામાં ધંધુકા હત્યાકાંડનો માસ્ટર માઇન્ડ આરોપી દિલ્હીનો મૌલાના કમરગની ઉર્ફે અરમાનમિયાં હબીબુદ્દીન ઉસ્માનીને સેશન્સ કોર્ટ દ્વારા 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન મૌલાનાની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે.
ગુજરાતનો અઝીમ સમાની રિમાન્ડ અરજી ફગાવી તેને જેલમાં મોકલવાનો આદેશ કરાયો છે. પોલીસે રિમાન્ડ મેળવવા માટે કારણ રજૂ કર્યું હતું કે, નબી વિરુદ્ધ ટિપ્પણી કરનારા 1500 માણસોની યાદી કમરગનીએ બનાવડાવી હતી. કમરગનીએ પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, યુપીમાં આવેલા શાહજહાંપુરમાં તેમની સંસ્થામાં આ યાદી તૈયાર કરાઇ છે. મુસ્લિમો વિરૂધ્ધના ઉશ્કેરણીજનક સાહિત્ય અંગે ફંડીગના રેકર્ડ પણ કબજે કરવાના છે.
કોર્ટ સમક્ષ સોમવારે પોલીસે રજૂઆત કરી હતી કે, એ.ટી.એસ. દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, ધર્મ તેમજ નબી સામે ટિપ્પણી કરનારા 1500 વ્યક્તિઓની યાદી ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં આવેલી તહેરીકે-ફરોદે- ઇસ્લામ એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર સોસાયટીના ઓફિસમાં નેશનલ સેક્રેટરી અહેસાન ઉલ હક્કે બનાવી છે. આ લેપટોપ અને તેમાં રહેલા લોકોની વિગતો જાણવી જરૂરી છે. આ લિસ્ટમાં ગુજરાતના કોઇ વ્યક્તિઓ છે કે નહીં તેની માહિતી મેળવવી પણ જરૂરી છે. નોંધનીય છે કે, કમરગનીના ગુજરાતમાં 48 જેટલા લોકો સાથે સંપર્ક તપાસમાં મળ્યા છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવાની છે.
કમરગની સાથે પોલીસ પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તેનું ઘર કઇ જગ્યાએ છે તેના જવાબમાં કહ્યુ કે, હું જાણતો નથી. પોલીસ પ્રમાણે, જે અંગે માહિતી મેળવવા રિમાન્ડની જરૂર છે. તે પોલીસ તપાસમાં સહકાર આપતો નથી. ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરનારાને પાઠ ભણાવવા ઘણા સમયથી આંદોલન ચલાવે છે. સમગ્ર દેશમાં ફરીને વકીલોને ફી ચૂકવે છે. આ ઉપરાંત પૈસાની લેતીદેતી માટે તેની પાસે ફંડ ક્યાંથી આવે છે અને કઇ રીતે ભેગું કરે છે તે માટે પણ રિમાન્ડ મેળવવા જરુરી છે.
આ ઉપરાંત આરોપી કમરગનીને સાથે રાખી તેની સંસ્થામાં રહેલા લેપટોપ, અન્ય કમ્પ્યૂટરના સી.પી.યુ., સંસ્થાના રજિસ્ટ્રેશનની વિગતો તેમજ બિનમુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણી કરતા સાહિત્ય અંગે પણ તપાસ ચલાવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે