વાહન ચોરી કે મોબાઈલ ચોરી નહીં! હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ કરી શકાશે ONLINE

Gujarat Police: અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે ફરિયાદ કરી શકાતી હતી, પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકશો.  આ સુવિધા ટૂંક સમયમાં અમલી બનાવવામાં આવશે.

વાહન ચોરી કે મોબાઈલ ચોરી નહીં! હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ કરી શકાશે ONLINE

Gujarat Online FIR: દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ e-FIRના અમલીકરણના સૂચનને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકવાની નાગરિકોને સુવિધા આપવા જઈ રહી છે. જી હા...અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે ફરિયાદ કરી શકાતી હતી, પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકશો.  આ સુવિધા ટૂંક સમયમાં અમલી બનાવવામાં આવશે.

તમામ પ્રકારની ફરિયાદ લોકો ઓનલાઈન કરી શકશે
રાજ્ય સરકારે જનતાની આ તકલીફોને દૂર કરવા તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે તેવી સિસ્ટમ ઉભી કરી દીધી છે. ટૂંક સમયમાંથી આ સિસ્ટમ કાર્યરત થઈ જશે તેવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. ફરિયાદીના પ્રકાર જોવા જઈએ તો ચોરી, લૂંટ, ધાડ, સાયબર કાઈમ, મારામારી, ધમકી, અપશબ્દો, ખંડણી, વ્યાજખોરી, છેડતી, દુષ્કર્મ, છેતરપિંડી, આત્મહત્યા કરવા મજબૂર કરવું. ઉપાર લઈ રકમ પરત ના કરવી. જમીન પચાવવી, મકાન પચાવવું સહિતની તમામ પ્રકારની ફરિયાદ લોકો ઓનલાઈન કરી શકશે.

વાહન-મોબાઈલ ચોરીની જ નહી બધી જ કરિયાદ ઓનલાઈન કરી શકાશે
ગુજરાત પોલીસ હવે ડિજીટીલાઈઝેશન તરફ આગળ વધી છે. નાગરિકોએ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે તે માટે ઈ-એફઆઈઆરની વ્યવસ્થા તૈયાર કરાઈ છે. અગાઉ માહિતીના અભાવે જનતાને ફરિયાદ કરવા માટે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનના અને પોલીસ અધિકારીઓની કચેરીના ધક્કા ખવડાવાતા હતા, પરંતુ હવે આ વ્યવસ્થાનો અંત આવવાનો છે. નવા વર્ષે વાહન-મોબાઈલ ચોરીની જ નહી બધી જ કરિયાદ ઓનલાઈન થાય તેવી સિસ્ટમ ડેવલપ કરી છે, જે સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે.

BNSની કલમ 173ની જોગવાઈ મુજબ ઓનલાઈન ફરિયાદની સિસ્ટમ શરૂ
બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ ૧૭૩ની જોગવાઈ મુજબ કોઈપણ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નાગરિક રૂબરૂ અથવા તો ઈલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરી શકે છે. જેમાં ગુજરાત પોલીસ પોર્ટલ ગુજરાત પોલીસ એપ, ઈમેઈલ અને વોટસએપ વગેરે માધ્યમોનો સમાવેશ થાય છે. આ કલમની જોગવાઈના અમલ માટે ટૂંક સમયમાં તમામ પ્રકારની ઓનલાઈન ફરિયાદ કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

ત્રણ દિવસમાં તમારે જાતે જઈને અસલ ફરિયાદ પર સહી કરવાની રહેશે
આ સુવિધા શરૂ થયા બાદ નાગરિકો કોઈ નેતા હોય કે ચમરબંધી તેની સીધી ફરિયાદ પોલીસને કરતા કોઈ રોકી સકશે નહીં. પરંતુ હા.. ફરિયાદીએ કરેલી ઓનલાઈન ફરિયાદ સાચી હોવી જોઈએ. જો કોઈ ખોટી ફરિયાદ કે રજૂઆત કરશે તો તે કસાઈ પણ શકે છે. ફરિયાદ કર્યા બાદ લોકલ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસમાં તમારે જાતે જઈને અસલ ફરિયાદ પર સહી કરવાની રહેશે.  ઓનલાઈન થયેલી ફરિયાદ પર રાજ્યના સીએમ, એચએમ. ડીજીપી, ગૃહવિભાગના અધિકારી અને તમામ આઈપીએસની નજર રહેશે.

કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે તેવી સિસ્ટમ હોવાની ચર્ચા
જનતાની તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન લેવાની સિસ્ટમ કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે તેવી હોવાની ચર્ચા અધિકારીઓમાં શરૂ થઈ છે. ગુનેગારો કે વગદારો માટે આ સિસ્ટમથી બચવું મુશ્કેલ બની જશે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં નેતા કે અધિકારીના સતાનો ગુનો કરે તો પણ ફરિયાદ થાય તેવી યોજના હોવાની ચર્ચા છે.

હેરાનગતિનો ગ્રાફ ઉંચો હોવાનો તંત્રના ધ્યાને આવ્યું!
તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારના ગૃહ વિભાગે જનતાને પડી રહેલી તકલીફોને જોતો તમામ પોલીસ કમિશ્નરો અને રેન્જના વડાઓને પત્ર લખીને જણાવ્યું હતું કે હવે લોકોની અરજી નહીં, ફરિયાદ નોંધો. અગાઉ અરજી નોંધ્યા બાદ મહિનાઓ સુધી કોઈ કાર્યવાહી ના થતાં અનેક અરજદારોને મુશ્કેલી પડતી હતી, જેના કારણે રાજ્યભરના લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદારોએ પોલીસ અરજી લઈ ગુનો દાખલ કરતી ન હોવાની ફરિયાદ ઉઠી હતી. પ્રજાને થતી હેરાનગતિનો ગ્રાફ ઉંચો હોવાનો અંદાજ તંત્રના ધ્યાને આવતા આ નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરાઈ રહી છે. અરજદારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ રજૂઆતો માટે ફેરવવામાં આવતા અને ફરિયાદ નોંધવામાં આવતી ન હોવાનું ધ્યાને આવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news