ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ CORONA ને નાથવા માટે જરૂરી, જાન્યુઆરીમાં પણ લંબાઇ શકે: હાઇકોર્ટ

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ CORONA ને નાથવા માટે જરૂરી, જાન્યુઆરીમાં પણ લંબાઇ શકે: હાઇકોર્ટ

* હાઇકોર્ટ પણ રાત્રી કર્ફ્યૂનાં સરકારનાં નિર્ણયને યોગ્ય ગણાવ્યો
* રાત્રી કર્ફ્યૂં જાન્યુઆરી મહિના સુધી લંબાવાય તેવી શક્યતાઓ
* રાત્રી કર્ફ્યૂ 11થી 6 કરવાની વેપારીઓને માંગને હાઇકોર્ટે ફગાવી

આશ્કા જાની/અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતનાં ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાત્રીનાં 9થી સવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. 20 નવેમ્બરથી લાગુ કરવામાં આવેલો રાત્રી કર્ફ્યૂ હજી સુધી યથાવત્ત છે. સરકાર હજી પણ રાત્રી કર્ફ્યૂં હટાવવાનાં મૂડમાં નથી. તેવામાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા આ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મુદ્દે હાઇકોર્ટમાં પણ ગાંજ્યો હતો. જેના પગલે હાઇકોર્ટે આ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. 

જેનાં જવાબમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકારનાં આરોગ્ય વિભાગ અને એડવોકેટ દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં એડ્વોકેટ જનરલ દ્વારા જણાવાયું કે, રાત્રી કર્ફ્યૂનાં કારણે દિવાળી બાદ બેકાબુ થઇ ચુકેલા કોરોના કેસમાં થઇ રહેલા વધારાને ડામવામાં સફળતા મળી હતી. ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્ર સચિવે પણ આ અંગે જણાવ્યું કે, રાત્રી કર્ફ્યૂનાં કારણે સરકારને ખુબ જ મદદ મળી રહી છે. જેથી હાલમાં આ રાત્રી કર્ફ્યૂ હટાવવા અંગેનું કોઇ જ આયોજન નથી. 

31 ડિસેમ્બર નજીકમાં હોવાનાં કારણે હાલ રાત્રી કર્ફ્યૂં યથાવત્ત રાખવો જરૂરી છે. આ ઉપરાંત સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં પણ રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રાખવામાં આવે તેવી શક્યતા છે તેવો જવાબ સરકાર દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. સરકારનાં આ વલણને હાઇકોર્ટે પણ સમર્થન આપ્યું હતું. હાઇકોર્ટે જણાવ્યું કે, રાત્રી કર્ફ્યૂનાં કારણે કોરોના ડામવામાં સફળતા મળી તે પ્રાથમિક રીતે તો જોઇ શકાય છે. માટે સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય લાગી રહ્યો છે. વિવિધ વેપારી સંગઠનો દ્વારા રાત્રી કર્ફ્યૂ રાત્રીનાં 11થી સવારનાં 6 વાગ્યા સુધીનો રાખવાની માંગ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે રદ્દ કરતા જણાવ્યું કે, હાલમાં જે કોરોનાની સ્થિતી છે તેને જોતા સરકારનો નિર્ણય યોગ્ય છે. સરકાર ઇચ્છે તો રાત્રી કર્ફ્યૂં લંબાવી શકે છે. હાલમાં કોરોનાની સ્થિતી જોતા સરકાર સમયોચિત નિર્ણયો લઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news