Bye Bye 2020: એ પાંચ ચહેરા જે વર્ષ 2020માં લઈને આવ્યા રાજકારણમાં સનસની
વર્ષની શરૂઆતમાં બીજેપીની કમાન જેપી નડ્ડાને મળી. જેમણે બિહાર ચૂંટણીના પરિણામથી પોતાને સાબિત કર્યા. બિહાર ચૂંટણીએ જ તેજસ્વી યાદવને નવી ઓળખ આપી અને તેમને પિતાના પડછાયામાંથી બહાર કાઢીને લડાયક યુવા નેતાના રૂપમાં સ્થાપિત કર્યા. હૈદરાબાદની સરહદથી નીકળીને અસદુદ્દીન ઓવૈસીએ પણ દેશના મુસ્લિમોની વચ્ચે મજબૂત પગપેસારો કર્યો. તો દિલ્લીમાં સત્તાની હેટ્રિક લગાવીને આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું કે દિલ્લીના કિંગ કેજરીવાલ જ છે.
- 2020માં જે.પી. નડ્ડાએ બિહારમાં પક્ષને સફળતા અપાવી
- બિહારની ચૂંટણીએ તેજસ્વીને યુવા નેતા તરીકે સ્થાપિત કર્યા
- અરવિંદ કેજરીવાલે ફરી સાબિત કર્યું કે તે દિલ્લીના કિંગ છે
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2020 કોરોના સંકટની વચ્ચે પસાર થયું. કોરોના વાયરસના કારણે જિંદગી જીવવાની તમામ પદ્ધતિઓ બદલાઈ ગઈ. પરંતુ અટકી નહીં. જોકે જો ભારતીય રાજનીતિની વાત કરીએ તો તેમાં ખાસ કંઈ ફેરફાર જોવા મળ્યો નહીં. પરંતુ તે અલગ વાત છે કે 2020એ ભારતીય રાજનીતિના અનેક ધુરંધરોને નવા મુકામ પર પહોંચાડ્યા. ભારતની રાજનીતિના એવા પાંચ ચહેરાઓ જે વર્ષ 2020માં ખુબ ચર્ચામાં રહ્યાં.
જેપી નડ્ડા:
બીજેપીમાં અમિત શાહના ઐતિહાસિક કાર્યકાળ પછી વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડાને જાન્યુઆરી 2020માં પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 6 એપ્રિલ 2020ના રોજ બીજેપીના સ્થાપના દિવસે નડ્ડાની અધ્યક્ષ તરીકે તાજપોશી થઈ. જોકે અમિત શાહના એનડીએ 2.0 સરકારમાં ગૃહ મંત્રાલય સંભાળ્યા પછી જુલાઈ 2019માં તેમને બીજેપીના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. નડ્ડાના નેતૃત્વમાં બીજેપીએ ભલે દિલ્લી ચૂંટણીમાં હારનો સામનો કર્યો હોય. પરંતુ બિહાર અને હૈદરાબાદની નિગમ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શને તેમના રાજકીય કદને ઉંચાઈ આપી છે.
તેજસ્વી યાદવ:
વર્ષ 2020માં તેજસ્વી યાદવનું રાજકીય કદ બિહારે જ નહીં પરંતુ આખા દેશે જોયું. લોકસભા ચૂંટણી 2019માં કારમા પરાજય પછી આરજેડી નેતા તેજસ્વી યાદવના નેતૃત્વ પર અનેકવાર પ્રહાર કરવામાં આવ્યા. ઓક્ટોબર 2020ના પહેલા સુધી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારના નેતૃત્વમાં બીજેપી-જેડીયુ ગઠબંધનની એકતરફી જીતની અટકળો થઈ રહી હતી. પરંતુ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં તેજસ્વી યાદવે ધુઆંધાર ચૂંટણી પ્રચાર કર્યો અને ચૂંટણી એજન્ડા એવો સેટ કર્યો કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ.
તેજસ્વી એકલાએ મહાગઠબંધન તરફથી ચૂંટણીની કમાન સંભાળી. તેણે એક-એક દિવસમાં 15થી 16 રેલીઓને સંબોધિક કરી. જેનું પરિણામ એ રહ્યું કે આરજેડી 75 બેઠકો સાથે બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી. લગભગ 10 બેઠકો આરજેડી સામાન્ય મતથી હારી ગઈ. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 243 બેઠકમાંથી એનડીએને બહુમતથી માત્ર બે વધારે 125 બેઠક મળી. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી.
સચિન પાઈલટ:
આ વર્ષે રાજસ્થાનમાં અશોક ગેહલોતના નેતૃત્વવાળી સરકારની સામે સચિન પાઈલટે બળવાનો ઝંડો ઉઠાવીને કોંગ્રેસમાં ખળભળાટ મચાવી દીધો. પાઈલટ લગભગ 20 ધારાસભ્યોની સાથે એક મહિનો ગુરુગ્રામમાં બેસી રહ્યા. જેના કારણે ગેહલોત સરકાર પર રાજકીય સંકટના વાદળ છવાયા. મુખ્યમંત્રી અશોક ગેહલોતને પોતાના સમર્થક ધારાસભ્યોને એક મહિના સુધી હોટલમાં રાખવા પડ્યા. કોંગ્રેસ સરકારને કોર્ટમાંથી રાહત મળી રહી ન હતી અને પાઈલટ સમર્થક ધારાસભ્ય પાછા આવવા તૈયાર ન હતા. કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતા પાઈલટના સમર્થનમાં હતા. જોકે કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના હસ્તક્ષેપ પછી સચિન પાઈલટ માન્યા. તે પોતાની શરતોની સાથે કોંગ્રેસમાં પાછા ફર્યા. જોકે આ બળવામાં પાઈલટને મંત્રીપદથી લઈને પ્રદેશ અધ્યક્ષની ખુરશી ગુમાવવી પડી.
અરવિંદ કેજરીવાલ:
વર્ષ 2020માં પોતાની રાજકીય છાપ છોડનારા નેતાઓમાં અરવિંદ કેજરીવાલ પણ છે. નાગરિકતા કાયદાના વિરોધમાં દિલ્લી સહિત દેશભરમાં જાન્યુઆરી 2020 સુધી પ્રદર્શન ચાલી રહ્યા હતા. શાહીન બાગ આંદોલનનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઉભર્યું. આ મુદ્દા પર રાજકીય તોફાનની વચ્ચે દિલ્લીમાં ફેબ્રુઆરી 2020માં વિધાનસભાની ચૂંટણી થઈ. બીજેપીએ દિલ્લીને ફતેહ કરવા માટે પોતાના નેતાઓની આખી ફોજને મેદાનમાં ઉતારી દીધી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને બીજેપીના તમામ મોટા નેતાઓએ કેજરીવાલને ઘેરવા માટે શાહીન બાગને મુદ્દો બનાવ્યો. તમામ આરોપ લગાવ્યા. પરંતુ દિલ્લીની રાજકીય રણભૂમિમાં ધ્રુવીકરણ થઈ શક્યું નહીં. અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 બેઠકો જીતીને 3/4 બહુમત હાંસલ કર્યો. બીજેપીને માત્ર 8 બેઠકથી સંતોષનો સામનો કરવો પડ્યો. જ્યારે કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શક્યું નહીં. આ ચૂંટણી કેજરીવાલના રાજકારણ માટે ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું હતું. જેને જીતવામાં તે સફળ રહ્યા. આ જીતની સાથે કેજરીવાલનો ઉત્સાહ એટલો બુલંદ છે કે તે હવે યૂપી, ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
અસદુદ્દીન ઓવૈસી:
ઓલ ઈન્ડિયા મજલિસ-ઈત્તેહાદુલ મુસ્લિમમીનના પ્રમુખ અસદુદીન ઓવૈસીની રાજકીય સફરમાં સૌથી સફળ વર્ષમાં 2020 રહ્યું. બિહાર ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ મુસ્લિમ બહુલ સીમાંચલની પાંચ વિધાનસભા બેઠકો જીતીને હેરાન કરી દીધા. તેના કારણે AIMIM મુસ્લિમોની અખિલ ભારતીય સ્તરની પાર્ટી બનીને ઉભરી રહી છે. અને તેના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સમુદાયના સૌથી મોટા નેતાના રૂપમાં સામે આવ્યા છે. હૈદરાબાદની નિગમ ચૂંટણીમાં બીજેપીની જબરદસ્ત ઘેરાબંધી પછી પણ ઓવૈસી પોતાની સીટો બચાવવામાં સફળ રહ્યા.
બિહારની જીત પછી ઓવૈસીનો ઉત્સાહ એટલો બુલંદ છે કે તે પોતાની પાર્ટીનો પ્રસાર હવે નેશનલ પોલિટિક્સની દિશામાં વધારવાનું કામ કરી રહ્યા છે. તેમની નજર પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાન સહિત તમામ રાજ્યો પર છે. બિહાર પેટર્નની જેમ યૂપીમાં પણ ઓવૈસી ગઠબંધન કરીને મુસ્લિમોની વચ્ચે પોતાની જગ્યા બનાવવા ઈચ્છે છે. મુસ્લિમ સમાજમાં પણ ઓવૈસીની રાજનીતિને પસંદ કરવામાં આવી રહી છે. જેના કારણે તે તથાકથિત સેક્યુલર પાર્ટીઓ માટે એક પડકાર બની ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે