શું તમે તો નથી ખાઈ રહ્યા'ને પ્રતિબંધિત દવાઓ? NCB દિલ્હીની ટીમે અમદાવાદની આ જગ્યાએ ઝડપ્યો મોટો જથ્થો
સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા નવેમ્બર 2022 માં દિલ્હીમાં અને માર્ચ 2023માં રાજસ્થાનમાં નશીલી દવાઓને બજારમાં જતી અટકાવવા માટે દરોડા પાડીને 5 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા દરોડા પાડીને પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
મહત્વનું છે કે છેલ્લા 6 મહિનામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા કરવામાં આવેલા પ્રતિબંધિત દવાઓના કેસ મામલે વધુ તપાસમાં ચાંગોદરમાં પણ મોટી માત્રામાં ગેરકાયદેસર દવાઓ હોવાની માહિતી મળતા દરોડા પાડી 20 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી એક કરોડથી વધુ ટેલબેટનો જથ્થો કબ્જે કરાયો છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા નવેમ્બર 2022 માં દિલ્હીમાં અને માર્ચ 2023માં રાજસ્થાનમાં નશીલી દવાઓને બજારમાં જતી અટકાવવા માટે દરોડા પાડીને 5 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી અને અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે બંને કેસની તપાસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ટીમને જાણ થઈ કે મોટી માત્રામાં ગેરકાયદેસર દવાઓનો જથ્થો ચાંગોદરમાં આવવાની છે. જે બાબતે તપાસ કરતા ચાંગોદરના પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજીસ્ટીક પાર્કમાં પહોંચી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ટીમને જાણ થઈ હતી કે એક કરોડ જેટલી ટેલબેટનો જથ્થો ચાંગોદરમાં પહોંચી ચુક્યો છે અને તેને દવાઓને મંગાવનાર WE CARE HEALTHCARE કંપનીના માલિકે મંગાવી છે. જોકે આ મામલે ચાંગોદરમાં દરોડા પાડીને વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે દવાઓ મંગાવનાર આ કંપનીનો માલિક છત્તીસગઢ પોલીસ દ્વારા એક કેસમાં પકડાયો હોવાથી રાયપુર જેલમાં કેદ છે. તેમજ કંપનીનો ડિસ્ટ્રીબ્યુટર જે મહેસાણાનો છે તે પણ ફરાર છે.
આ મામલે કબ્જે કરાયેલી દવાની વાત કરીએ તો તે પેઈન કિલર અને ઊંઘ માટે વપરાતી પ્રતિબંધિત દવાઓ છે. જેનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હતો, Psychotropic ડ્રગની Alprazolam નામની 44 લાખ 55 હજાર 600 ટેબ્લેટ મળી છે જ્યારે Tramadol નામની 57 લાખ 87 હજાર 52 જેટલી કેપસુલ મળી છે.
એમ કુલ મળીને 1 કરોડ 2 લાખ 42 હજાર 652 જેટલી કેપસુલ કબ્જે કરાઈ છે. જેની બજાર કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આરોપી દ્વારા આ દવાઓ મહેસાણાથી અલગ અલગ રાજ્યોમાં મોકલાતી હતી હાલ તો આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે