ગુજરાતમાં હવે ડે.કલેક્ટરની ઓળખ આપી યુવતીએ કર્યો મોટો કાંડ; 6.63 લાખના દાગીના ખરીદ્યા!
નવસારીના ખેરગામ ગામે ઝંડા ચોક નજીક આવેલ શ્રી જલારામ જવેલર્સમાં ગત 23 માર્ચે પહોંચેલી વાંસદાના વાંસિયા ફળિયાની હેતલ પટેલે પોતાની ઓળખ વલસાડમાં ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. સાથે જ તેણે નજીકના તોરણવેરા ગામના આયુર્વેદિક વૈદ્ય ઝીણા ગાવિતની ઓળખાણ આપી, સોનાના દાગીના ખરીદવાની વાત કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો નવસારી: તમારી ઓળખ થકી સમાજમાં માન સન્માન મળતું હોય છે. પરંતુ ખોટી ઓળખ આપીને છેતરપીંડી કરનારાઓની સંખ્યા પણ સમાજમાં વધી રહી છે. ત્યારે એક મહિના અગાઉ નવસારીના ખેરગામ ગામે શ્રી જલારામ જવેલર્સમાં વલસાડની ડે. કલેકટરની ઓળખ આપીને 6.63 લાખના દાગીના ખરીદી વાંસદાની યુવતીએ ઠગાઈ કરતા ચકચાર મચી જવા પામી છે.
નવસારીના ખેરગામ ગામે ઝંડા ચોક નજીક આવેલ શ્રી જલારામ જવેલર્સમાં ગત 23 માર્ચે પહોંચેલી વાંસદાના વાંસિયા ફળિયાની હેતલ પટેલે પોતાની ઓળખ વલસાડમાં ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. સાથે જ તેણે નજીકના તોરણવેરા ગામના આયુર્વેદિક વૈદ્ય ઝીણા ગાવિતની ઓળખાણ આપી, સોનાના દાગીના ખરીદવાની વાત કરી હતી. જવેલર્સ અલ્પેશ પારેખે ઝીણા ભગતની ઓળખાણ આપતા અને ડે. કલેકટર હોવાથી હેતલને સોનાના ઘરેણા બતાવ્યા હતા. જેમાંથી હેતલે 1 મંગળસૂત્ર, બે ચેઇન, લુઝ અને બુટ્ટી ખરીદી હતી અને જેની કુલ કિંમત 6.63 લાખ રૂપિયા થઈ હતી.
મોટી રકમ હોવાથી હેતલ પટેલે ચેકથી ચૂકવણું કરવાની વાત કરી હતી. જેમાં હેતલ પટેલે તેનો પતિ સંજય પટેલ સુરતની સુમુલ ડેરીમાં મેનેજર તરીકે કામ કરતો હોવાનું જણાવી, તેની સાથે વીડિયો કોલ પર પણ વાત કરીને જવેલર્સ અલ્પેશ પારેખને વિશ્વાસ અપાવ્યો હતો. જેથી અલ્પેશે 6.63 લાખનો ચેક લીધો અને દાગીના આપ્યા હતા. હોળી પહેલાના શનિવારે દાગીના ખરીદી કર્યા એટલે અલ્પેશને રજાઓને કારણે ચેક નાંખતા 4 દિવસ થયા હતા. બેંકમાં ચેક નાંખ્યા બાદ ચેક બાઉન્સ થયો હતો. જેથી અલ્પેશે હેટલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો ફોન સ્વીચ ઓફ અને અનરીચેબલ આવતો હોવાથી, તેના મનમાં ફાળ પડ્યો હતો.
ઝીણા ભગતનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યુ કે મારે ત્યાં બાળક ન થતા હોવાથી આયુર્વેદિક દવા લેવા આવતી હોવાની જ ઓળખાણ હોવાનું જણાવ્યુ હતુ. દરમિયાન સુરતમાં જવેલર્સ સાથે ઠગાઈ થઈ હોવાના સમાચાર જાણતા અલ્પેશે તપાસ કરી અને એમાં હેતલ પટેલ પકડાઈ હોવાની માહિતી મળી હતી. જેથી અલ્પેશ, ઝીણા ભગત સાથે તેને શોધવા સુરત પણ ગયો હતો. જેથી લાખોમાં ઠગાયાનો અનુભવ થતા અલ્પેશ પારેખે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી, આગળની તપાસ આરંભી છે.
ખેરગામના શ્રી જલારામ જવેલર્સમાંથી 6.63 લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર હેતલ પટેલ સુરતમાં પણ જવેલર્સમાં લાખોની છેતરપીંડી કરવાના ગુનામાં પકડાઈ હતી અને હાલ સુરત મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહી છે. જેથી ખેરગામ પોલીસ ઠગાઈ કરનાર હેતલ પટેલને ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી તપાસને વેગ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે