લો બોલો! ભંગારના વેપારીએ સરકારી તિજોરીને ચોપડ્યો 10 લાખનો ચુનો! અનેક ભેજાબાજો નીકળે એવી સંભાવના!

નવસારીના થાલા ગામે ભંગારના વેપારમાં GST નંબર મેળવી, મહિનાના ભાડે વેપારીને આપી, ભંગારના વેપારીએ 10 લાખથી વધુની ઇનપુટ ક્રેડિટ મેળવી સરકારને ચૂનો ચોપડતા નવસારી SOG પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. 

 લો બોલો! ભંગારના વેપારીએ સરકારી તિજોરીને ચોપડ્યો 10 લાખનો ચુનો! અનેક ભેજાબાજો નીકળે એવી સંભાવના!

નવસારી: વન નેશન વન ટેક્સ હેઠળ શરૂ થયેલ GSTમાં વેપારીઓ ઈનપુટ ક્રેડિટ મેળવવા માટે બોગસ પેઢી પણ ઉભી કરી નાખતા હોય છે. જેમાં મોટાપાયે કૌભાંડો થતા સરકારી તિજોરીને કરોડોનું નુકસાન સામે આવ્યુ છે. નવસારીના થાલા ગામે ભંગારના વેપારમાં GST નંબર મેળવી, મહિનાના ભાડે વેપારીને આપી, ભંગારના વેપારીએ 10 લાખથી વધુની ઇનપુટ ક્રેડિટ મેળવી સરકારને ચૂનો ચોપડતા નવસારી SOG પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. 

ભારત સરકાર દ્વારા વન નેશન, વન ટેક્સ હેઠળ વર્ષ 2017માં જુદી જુદી કેટેગરીમાં GST લાગુ કર્યો છે. જેમાં GST બચાવવા વેપારીઓ ઇનપુટ ક્રેડિટ મેળવતા હોય છે. સુરતના અબ્દુલ ગફાર શેખ દ્વારા પોતાના દસ્તાવેજો ઉપર 'ઇન્ડિયા સ્ટીલ' નામની પેઢી શરૂ કરવા GST નંબર મેળવ્યો હતો. ભંગારનો વેપાર કરવા વસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામે આવેલ શિવકૃપા હોટલની સામેની દુકાનની ઉપરનો શેડ 7000 રૂપિયાના ભાડે લીધો હતો. ત્યારબાદ આમિર હાલાણી નામના વેપારીને GST નંબર મહિને 50,000 રૂપિયા આપવાના મૌખિક કરારથી આપ્યો હતો. 

GST નંબર મળ્યા બાદ આમિર હાલાણીએ ભંગારના સામાનની ખરીદી પરફેક્ટ ઇમ્પેક્ષમાંથી થઈ હોવાનું અને તેનું વેચાણ વડોદરાના સાવલી ખાતે આવેલ મોર્ડન રોલ એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. અને વલસાડની જે. કે. એન્ટરપ્રાઇઝને કર્યુ હતુ. જેમાં 55 લાખ રૂપિયાની ખરીદી વધુ બતાવી વેપારી આમિર હાલાણીએ GST વિભાગમાંથી 18% લેખે 10 લાખ 354 રૂપિયાની ઇનપુટ ક્રેડિટ મેળવી હતી. 

ઇન્ડિયા સ્ટીલ નામની પેઢી ફક્ત કાગળ પર જ હતી અને એના વ્યવહારો પણ કાગળ પર થયા હતા. જેથી સરકારની તિજોરીને 10 લાખથી વધુનો ચૂનો ચોપડતા હતા. હરકતમાં આવેલા GST વિભાગે સમગ્ર તપાસ બાદ પોલીસ ફરિયાદ માટે આદેશ કરતા નવસારી SOG પોલીસ દ્વારા GST નંબર લેનારા અને સુરતના અબ્દુલ ગફાર શેખ સામે ગુનો નોંધી આમિર હાલાણી તેમજ અન્ય આરોપીઓને શોધી કાઢવા તપાસને વેગ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે, GST વિભાગ દ્વારા વધારે ખરીદી કરી સરકારને લાખો કરોડોનો ચૂનો ચોપડનારા વેપારીઓને શોધવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં આવા 28 કેસો સામે આવ્યા છે, જેમાં બોગસ કંપની કે બોગસ બિલિંગને આધારે કરોડો રૂપિયાની ઉચાપત કરી હોય નવસારીના કિસ્સામાં એક નહીં પણ અનેક ભેજાબાજો નીકળે એવી સંભાવના પોલીસ સેવી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news