નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, 23 દરવાજા ખોલી દેવાતા પાણીનું લેવલ વધ્યું

Narmada Dam Overflow : 23 દરવાજા ખોલીને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેથી સહેલાણીઓ હવે આ નજારો માણવા નર્મદા તટે પહોંચ્યા છે

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, 23 દરવાજા ખોલી દેવાતા પાણીનું લેવલ વધ્યું

જયેશ દોશી/નર્મદા :ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે, જેમાં સવારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા સવારે 15 દરવાજા ખોલાયા હતા અને હવે 23 દરવાજા ખોલી દેવાયા છે. બપોરે 2 કલાકે 23 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડાયું છે. 23 ગેટ ખોલી 80,000 ક્યુસેક અને રિવરબેડ પાવરહાઉસથી 44000 ક્યુસેક મળી કુલ 1,24,000 ક્યુસેક પાણી અત્યાર સુધી છોડાયું છે. પાણી છોડાતા નર્મદા નદીનું લેવલ વધ્યુ છે. સાથે જ નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. નર્મદા ડેમના દરવાજા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યાં છે. તો લોકો ડેમના દરવાજા આગળ સેલ્ફી પણ લઈ રહ્યાં છે. તો વીડિયો પણ લઈ રહ્યાં છે.

નર્મદા ડેમમાં તબક્કાવાર કેટલું પાણી છોડાયું

  • બપોરે 2 કલાકે - 23 ગેટ ખોલીને 80,000 ક્યુસેક
  • સાંજે 4 કલાકે - 23 ગેટ ખોલીને 1,00,000 ક્યુસેક
  • સાંજે 6 કલાકે - 23 ગેટ ખોલીને 1,50,000 ક્યુસેક્સ

આ પણ વાંચો : ગુજરાતનું રખડતું ‘રાજ’ : મુખ્યમંત્રીના કાફલામાં ઘૂસી ગયા બે આખલા, ગઈકાલે નીતિન પટેલને કર્યા હતા ઘાયલ

રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 135 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 3 મીટર દૂર છે. 

હાલ નર્મદા ડેમમાં બે લાખ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના 23 દરવાજા ખોલી 80,000  ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. આ કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને ચેતવી દેવાયા છે. કાંઠા વિસ્તારના નાંદોદ, તિલકવાળા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારાનો લોકોને સાવધ કરાયા છે. જોકે આજે નર્મદા ડેમ પર આવેલા પ્રવાસીઓ આ નજારો જોઈને ખૂબ જ આનંદીત થયા છે. ઘણા પ્રવાસીઓએ તો પ્રથમવાર નર્મદા ડેમનો આ નજારો જોઈને ખૂબ જ ખુશ થયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news