સમાજહિતમાં પાસ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવા ખોડલધામના નરેશ પટેલ તૈયાર
આ અગાઉ 6 પાટીદાર સંસ્થાના આગેવાનો પણ આ બાબતે સરકાર સાથે વાટાઘાટો કરી ચૂક્યા છે. જોકે, ત્યાર બાદ તેમણે હાર્દિકનો કોઈ સંપર્ક સાધ્યો ન હતો
Trending Photos
રાજકોટઃ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને 13 દિવસ થયા બાદ હવે ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે સમાજ હિતમાં પાસ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવા તૈયારી દર્શાવી છે. પાટીદાર સમાજમાં સૌથી વધુ લોકપ્રિય અને મનનીય નેતા એવા નરેશ પટેલ સરકાર અને પાસ બંને વચ્ચે મધ્યસ્થી તરીકે યોગ્ય વ્યક્તિ પણ જણાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ રાજ્યની 6 પાટીદાર સંસ્થાઓ મેદાનમાં આવી હતી. સી.કે. પટેલ સહિતના તમામ 6 પાટીદાર સંસ્થાઓના વડાઓએ સરકાર સાથે વાટાઘાટો પણ કરી હતી. જોકે, પાસ દ્વારા આવી વાટાઘાટોને તેમના દ્વારા થઈ ન હોવાનું જણાવીને સમગ્ર મામલાને વખોડી કાઢ્યો હતો. ત્યાર બાદ સી.કે. પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, હવેથી જ્યારે પણ સમાજના યુવાનો દ્વારા તેમને લેખિતમાં કોઈ વિનંતી કરાશે ત્યારે જ તેઓ સરકાર સમક્ષ એવી કોઈ માગણી લઈને જશે, એ સિવાય તેઓ કોઈ પણ બાબતમાં મધ્યસ્થી બનશે નહીં.
પાસ સમિતિના દિનેશ બાંભણીયાએ આ અંગે જણાવ્યું કે, નરેશ પટેલ અમારા આદરણીય વ્યક્તિ છે. જો સરકાર તેમને મધ્યસ્થી બનાવતી હોય અને તેઓ સરકારની માગ લઈને અમારી પાસે આવશે તો પાસને તેમની સામે કોઈ વાંધો નથી. નરેશભાઈ અમારા માટે સન્માનનીય વ્યક્તિ છે. નરેશભાઈ જે કંઈ કહેશે તે હાર્દિક સહિત પાસના તમામ સભ્યો શિરોમાન્ય રાખશે. નરેશભાઈ કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા નથી. એકદમ નિષ્પક્ષ વ્યક્તિ છે ત્યારે તેમની વાતચીતને જો યોગ્ય હશે તો અમે પણ સ્વીકારીશું.
હવે, નરેશ પટેલ જ્યારે મધ્યસ્થી બનવા તૈયાર થયા છે ત્યારે તેઓ સરકાર અને પાસ બંનેમાં એક વિશ્વસનીય વ્યક્તિ છે. નરેશ પટેલની બાબતમાં હાર્દિક પણ રાજી થઈ જાય એવી શક્યતા છે. નરેશભાઈ સરકારનો કે હાર્દિકનો સંપર્ક ક્યારે એ જોવાનું છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નરેશ પટેલની મધ્યસ્થી અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હવે નક્કી પાસે કરવાનું છે. સરકારે તો પાટીદાર સંસ્થાઓ સાથે વાટાઘાટોની પહેલ કરી હતી. આ સાથે જ તેમણે કોંગ્રેસના આવેદનપત્ર અંગે જણાવ્યું કે, કોંગ્રેસે આવેદનપત્રમાં અનામતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. કોંગ્રેસ માત્ર આંદોલનકારીઓને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસે ખેડૂતોને પાયમાલ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે