સરકારની રણનીતિ માત્ર જાહેરાત બની, એલજી હોસ્પિટલ બહાર લાગ્યું ‘No Injection available’ નું બોર્ડ

સરકારની રણનીતિ માત્ર જાહેરાત બની, એલજી હોસ્પિટલ બહાર લાગ્યું ‘No Injection available’ નું બોર્ડ
  • એલજી હોસ્પિટલ પર ઈન્જેકશન લેવા પહોંચે ત્યારે ઇન્જેકશનનો જથ્થો ન હોવાના પાટિયા લગાવાયા
  • એલજીમાં મુખ્ય ગેટ બહાર જ બોર્ડ લગાવી દર્દીઓના સગા તેમજ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો

અતુલ તિવારી/અમદાવાદ :દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસીસના કેસ ગુજરાતમાં છે. દેશભરમાં 9,000 દર્દીઓ સામે 2300 મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માત્ર ગુજરાતમાં છે. રાજ્યમાં 2300 મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ સામે કેન્દ્રએ માત્ર 5800 ઈન્જેકશનનો જથ્થો પૂરો પાડ્યો છે. છતાં પણ રેમડેસિવિરની જેમ જ મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે વપરાતા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનની પણ ભારે અછત સર્જાઈ રહી છે. 

એલજી હોસ્પિટલ બહાર ઈન્જેક્શન ન હોવાનું બોર્ડ લાગ્યુ 
એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન મેળવવા દર્દીઓના સગા ધક્કા ખાવા મજબૂર બન્યા છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજ્યની 8 હોસ્પિટલના માધ્યમથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન દર્દીઓ સુધી પહોંચાડવાની રણનીતિ માત્ર જાહેરાત સાબિત થઈ છે. સરકાર તરફથી અમદાવાદમાં સોલા સિવિલ અને SVP હોસ્પીટલમાંથી એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન મળશે તેવી જાહેરાત કરાઈ હતી. પરંતું ત્યાર બાદ એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનના વિતરણ માટે SVP હોસ્પિટલના બદલે એલજી હોસ્પિટલને સરકારે અધિકૃત કરી હતી. એલજી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેક્શન મળશે તેવા સરકારી પરિપત્ર બાદ પણ ઈન્જેકશન માટે દર્દીના સગાઓને વલખા મારવાનો વારો આવ્યો છે. 

ઈન્જેક્શન સરકારી હોસ્પિટલ પૂરતા, ખાનગી હોસ્પિટલોને નહિ મળે 
સરકારની જાહેરાત મુજબ દર્દીઓના સગા એલજી હોસ્પિટલ પર ઈન્જેકશન લેવા પહોંચે ત્યારે ઇન્જેકશનનો જથ્થો ન હોવાના પાટિયા જોવા મળી રહ્યાં છે. મ્યુકોરમાઈકોસીસના એક દર્દીને 60 થી લઈ 100 જેટલા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનની જરૂર સારવાર માટે પડે છે. ઈન્જેકશન મેળવવા માટે દર્દીઓના સગાની SVP અન ત્યાર બાદ એલજી હોસ્પિટલ પર લાગતી લાઈનો જોતા AMCના મેડીકલ ઓફિસર ભાવિન સોલંકી મીડિયા સામે આવવા મજબૂર થયા હતા. એલજી હોસ્પિટલ પાસે માત્ર 1200 જ ઇન્જેકશનનો જથ્થો હોવાનો AMCના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ દાવો કર્યો હતો. એલજીમાં મ્યુકોરમાઈકોસીસની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે જ 1200 ઈન્જેકશન જરૂરી હોવાનું કહી ખાનગી હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓ માટે ઈન્જેકશન આપી નહીં શકવાની સ્પષ્ટતા કરી હતી. 12,000 ઇન્જેકશનની જરૂરીયાત સામે માત્ર 1200 ઈન્જેકશન રાજ્ય સરકારે અમદાવાદ શહેરને ફાળવ્યા હોવાની વાત તેમણે કહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ 300 જેટલા મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ કે જેમને એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનની જરૂર હોય તેમની સારવાર રામભરોસે છે. 

એલજીમાં મુખ્ય ગેટ બહાર જ બોર્ડ લગાવી દર્દીઓના સગા તેમજ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તેથી હવે દર્દીઓને ઈન્જેક્શન મળવાની આશા ઠગારી નીવડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news