નિસર્ગની અસર : 50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :નિસર્ગ વાવાઝોડા (Cyclone Nisarg) ની સંભાવનાને પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક તીવ્રતાથી પવનના સપાટાની સંભાવના છે. ભરુચ અને અન્ય વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટરની તીવ્રતાથી પવન ફુંકાવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવાઈ રહી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવપંકજ કુમારે આ વિશે જણાવ્યું કે, આ સંભાવનાઓને પગલે દક્ષિણ ગુજરાતમાં ૫૦,૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ આશ્રયસ્થાનો પર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
6 કલાકની 13 કિમી પ્રતિ કલાકની ગતિથી મહારાષ્ટ્રમાં બપોરે ટકરાશે વાવાઝોડું, ગુજરાતમાં NDRFની 16 ટીમ કાર્યરત
પંકજ કુમારે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને કોઈ જ તકલીફ ન પડે એ રીતે વીજ પુરવઠાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની 15 ટીમો, એસડીઆરએફની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં તમામ માછીમારોને પાછા કાંઠે બોલાવી લેવામાં આવ્યા છે. ભારે પવનની સંભાવનાને પગલે વાપી અને સુરત આસપાસના વિસ્તારોના કેમિકલ ઉદ્યોગો સાથે જિલ્લા વહીવટી તંત્રે વિચાર વિમર્શ કરીને સલામતી માટે પૂરતા પગલાં લીધા છે. વાપીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીને આજે બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં, ઝીંગા ફાર્મ અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમીકોને પણ સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
દમણમાં વાવાઝોડાની અસર : 3 કિમીની હદના ગામોને એલર્ટ કરાયા, રાત્રે કરાયું સ્થળાંતર
સુરત, વલસાડ અને અન્ય શહેરોમાં 236 જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ સલામતીના કારણોસર ઉતારી લેવામાં આવ્યા છે. 120થી વધુ હાઈ માસ્ટ લાઈટને નીચે ઉતારી લેવામાં આવી છે. અધિક મુખ્ય સચિવે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તમામ ખાતાઓ જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં છે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરની સંભાવનાવાળા વિસ્તારોમાં 250થી વધુ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી છે. 250થી વધુ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને 170 જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમો આ વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે