ગુજરાતમાં ઊભી થશે 5 હજારથી વધુ રોજગારીની તકો, અત્યાર સુધીમાં કુલ 212 કરોડના 146 MoU થયા સંપન્ન
ગુજરાતમાં રોકાણ વધારવા અને ગુજરાતીઓને રોજગારીની નવીન ટકો ઉપલબ્ધ થઈ શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી વર્ષ 2003 થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. જેમાં વાયબ્રન્ટ ગુજરાતનો મોટો ફાળો રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા રાજ્ય સ્તરીય ઉધોગોને આકર્ષ્યા બાદ હવે જિલ્લા કક્ષાએ વાયબ્રન્ટ સમિટ કરીને નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો હાથ ધર્યા છે. જે અંતર્ગત આજે યોજાયેલ વાયબ્રન્ટ નવસારી સમિટમાં ઉદ્યોગ સાહસિકોએ સરકાર સાથે 210 કરોડના MOU સાઈન કર્યા હતા.
ગુજરાતમાં રોકાણ વધારવા અને ગુજરાતીઓને રોજગારીની નવીન ટકો ઉપલબ્ધ થઈ શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી વર્ષ 2003 થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. જેમાં ગુજરાતમાં દેશ વિદેશના અનેક ઉદ્યોગકારોએ લાખો કરોડોના રોકાણ કરી, નવા ઉદ્યોગો સ્થાપ્યા છે. વાયબ્રન્ટની રાજ્ય સરકારને મળેલી સફળતા બાદ હવે નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા વાયબ્રન્ટ સમિટ જિલ્લા કક્ષાએ શરૂ કરી છે. જેમાં આજે નવસારીની મતિયા પાટીદાર વાડીમાં રાજ્યના નાણાં મંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ નવસારી સમિટ યોજવામાં આવી હતી.
નવસારીમાં 2 GIDC આવી છે. જેની સાથે જ પૌંઆ ઉદ્યોગ સાથે એગ્રો બેઝ્ડ ઉદ્યોગો વિકસ્યા છે. જ્યારે હીરા નગરી ગણાતા નવસારીમાં હીરા કંપનીઓ મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડે છે. ત્યારે આજે નવસારીમાં ફાર્મા સ્યુટીકલ ઇન્ડસ્ટ્રી માટે નવી તકો જોતા નવસારીના ઉદ્યોગ સાહસિક રાજુ શાહે સૌથી મોટુ 50 કરોડ રૂપિયાના રોકાણની સાથે સુયાઝ ફાર્મા સ્થાપવા MOU કરવામાં આવ્યો હતો. જેના થકી નવસારીના 250 લોકોને રોજગારી મળશે. જેની સાથે જ આજે નવસારી જિલ્લામાં નવા 146 MOU થયા છે. જેના થકી 212 કરોડનુ રોકાણ જિલ્લામાં આવશે.
નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના વાસી ગામે પીએમ મિત્ર પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ બની શકે અને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરવાની દિશામાં નવસારી જિલ્લો આગળ વધી રહ્યો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન આપી અને કેટલાક પ્રોજેક્ટોમાં સબસીડીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત નવસારી જિલ્લાના 50 થી વધુ ઉદ્યોગ નવા સાહસિકોને સબસીડીના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
ઔદ્યોગિક ક્રાંતિ દેશને વિકાસના પંથે દોરી જતી હોય છે. તેવા સમયે ઔદ્યોગીકરણની સાથે રોજગારીઓ પણ ઉભી થતી હોય છે. દેશમાં વધી રહેલી વસ્તી અને એની સામે રોજગારીની તકો વધે પણ સમયની માંગ બની ગઈ છે. ત્યારે નવસારી જિલ્લામાં 212 કરોડના રોકાણ સાથે 146 ઉદ્યોગ સાહસિકો નવસારી જિલ્લામાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જે 5,000 થી વધુ રોજગારીનું સર્જન કરશે અને નવસારીમાં બેરોજગારીનો રેશિયો ઘટાડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે