મોરબી હોનારતમાં 9 સંતાનો ગુમાવનાર છગનભાઈના જીવનમાં હવે લાચારી સિવાય બીજું કશું નથી બચ્યું
Morbi Tragedy : મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે ૪૪ વર્ષ પુરા થઇ ગયા છે. જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે અને ૪૪ વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે
Trending Photos
morbi machhu dam failure massacre : મોરબી મચ્છુ ડેમ જળ હોનારતમાં આખાને આખા પરિવારો ડૂબી ગયા હતા. માંડ પરિવારના કોઈ એકલ-દોકલ લોકો બચ્યા હતા. 44 વર્ષના વહાણ વીતી ગયા બાદ આજે બચેલા લોકોના મન પર શું વીતે છે તે તેમનુ મન જાણ છે, જેઓએ પોતાના પરિવારોને પોતાના નજર સામે તણાયા જોયા હતા. છગનભાઈ પ્રજાપતિની ઉંમર આજે સહેજે 80 વર્ષથી વધુની છે. પ્રજાપતિ પરિવારમાં તેઓ માત્ર એકલા બચ્યા છે. મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો જેમાં તેઓએ પોતાના પરિવારના 17 લોકોને ગુમાવ્યા હતા. તેઓ અને તેમના પત્ની બચી ગયા હતા. ગત વર્ષે તેમના પત્નીનુ નિધન થયુ હતું. ત્યારે આજે છગનભાઈ સાવ એકલા પડી ગયા છે. મોરબી હોનારતે આ વડીલને એકલા જીવવા મજબૂર કર્યાં છે.
44 વર્ષ પહેલાનો દિવસ યાદ કરતા છગનભાઈની આંખમાંથી આસું આવી ગયા. જેઓએ પોતાના નજર સાથે પોતાના પરિવારને ડૂબતો જોયો હતો. ભર્યો ભર્યો પરિવાર હતો, એ હોનારતમાં બધુ જ ગયું. હવે તેમનુ પોતાનું કહેનારુ કોઈ બચ્યુ નથી. બચી છે તો માત્ર એકલતા. આજે આ એકલતા તેમને કોરી ખાય છે. એ દિવસ યાદ કરે છે તો નજર સામે હસતો રમતો પરિવાર દેખાય છે.
શુ થયુ હતું એ દિવસે વાતને યાદ કરતા છગનભાઈ કહે છે કે, મોરબીમાં બે-ચાર દિવસથી વરસાદ પડતો હતો. તેથી ચારેતરફ પાણી ભરાયેલા જ હતા. હું હાલ કૃષ્ણા હોસ્પિટલ છે, તે જગ્યાએ ત્યારે નળિયાનું કારખાનું હતું. જ્યા હું મુકાદમ તરીકે નોકરી કરતો હતો. ત્રણ-ચાર દિવસથી શહેરમાં પાણી હતું, તેથી હું મારા પરિવાર સાથે કારખાનામાં બચીને આવી ગયો હતો. પરંતુ પાણી એટલુ હતું કે, જીવ બચાવવા અમે કારખાનાની છત પર ચઢી ગયા હતા. આખો પરિવાર છત પર ચઢ્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો હતો કે, કારખાનાની દિવાલ તૂટી પડી હતી, અને અમે બધા પાણીમાં વહી ગયા હતા.
આટલુ સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જાય. આગળની વાત કરતા તેઓ કહે છે કે, પાણીનો પ્રવાહ વધતા છત પાણીમાં બેસી ગઈ હતી. તેથી અમે બધા તણાયા હતા. હું, મારી પત્ની, મારા સાત દીકરા, બે દીકરીઓ, એક પરણેલી દીકરીનું બાળક બધા પાણીમાં તણાયા હતા. તો છત પર મારી સાથે મારી બેનનો પરિવાર પણ હતો. બેનના પરિવારના 6 લોકો હતો, તે તમામ પાણીમાં તણાયા હતા. હું અને મારી પત્ની જ બચી ગયા હતા. બાકીના તમામ 17 લોકો તણાઈને મોતને ભેટ્યા હતા.
પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે, છગનભાઈ અને તેમના પત્ની તણાઈને માળિયાહાટીનાના નવાગામ પાસે પહોંચી ગયા હતા. આ ગામ તેમના ઘરથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલું છે. એટલે વિચાર કરો કે, મચ્છુ ડેમની હોનારત કેવી ઘાતક હશે. તો છગનભાઈ કહે છે કે, મારા પરિવારના કેટલાક સદસ્યોનો મૃતદેહ તો મળ્યા પણ ન હતા. આમ, છગનભાઈએ એ હોનારતમાં પરિવારના 17 સદસ્યો ગુમાવ્યા હતા.
આજે છગનભાઈ સાવ એકલા પડી ગયા છે, પોતાનું કહેનારુ કોઈ બચ્યુ નથી. પત્ની હતા, તે ગત વર્ષે ઉંમરની માંદગીને કારણે મોતને ભેટ્યા. મોરબી હોનારત કેવી હતી તે આ વૃદ્ધથી ભલુ વધારે કોણ કહી શકે. આ વૃદ્ધની પીડામાં છુપાઈ છે હોનારત.
મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે ૪૪ વર્ષ પુરા થઇ ગયા છે. જો કે, ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે તે નક્કી છે અને ૪૪ વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું હોનારત આવશે અને જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખોના બાંધ પણ તૂટશે તે નિશ્ચિત છે.
દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે ૪૪ વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી કેમ કે, હોનારત પછીના દિવસે લાચારી, બેબસી અને અસહાયતા સિવાય બીજું કશું જ લોકો પાસે હતું નહી મોરબીના હોનારતની ગીનીસ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે દર વર્ષે ૧૧ ઓગસ્ટના દિવસે મોરબી પાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે જેમા રાજકીય, સામાજિક આગેવાનો સહિતના લોકો તેમજ અધિકારી સહિતના હાજર રહેતા હોય છે. પરંતુ પરિવારોનો એ ખાલીપો કોઈ ભરી શક્તુ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે