CCTV Video of Morbi Bridge Collapse: મોરબીની મચ્છુ નદીમાં મોતની ડૂબકી પહેલાંનો છેલ્લો વીડિયો

Morbi Cable Bridge Collapse Video: મોરબીના ઝૂલતા પુલ પરથી આ રીતે ટપોટપ નદીમાં ગરકાવ થયા હતા લોકો. જીવ બચાવવા માટે લોકો બચાવ બચાવની બુમો પાડી રહ્યાં હતાં લોકો. જોકે કોઈ બચાવ માટે ત્યાં પહોંચે તે પહેલાં અનેક લોકોએ ડમ તોડી દીધો હતો. સામે આવ્યાં બ્રિજ તૂટતા સનસનીખેજ CCTV વીડિયો.

CCTV Video of Morbi Bridge Collapse: મોરબીની મચ્છુ નદીમાં મોતની ડૂબકી પહેલાંનો છેલ્લો વીડિયો

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ સંખ્યાબંધ લોકોના માટે મોતનો પુલ સાબિત થયો. લોકો મોજ-મસ્તી અને મજા માણવા માટે આ બ્રિજ પર આવ્યાં અને તેમને મળ્યું મોત. 17 રૂપિયાની ટિકિટ લઈને જાણે રવિવારની સાંજે લોકોએ અહીંથી રીતસર મોતની ટિકિટ લીધી હોય એવા દ્રશ્યો સર્જાયા. મોરબીમાં ઓરેવા ગ્રુપની બેદરકારીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીના ઝૂલતા પુલ તૂટ્યાના લાઇવ દ્રશ્યો વાયરલ થયા છે. ઝૂલતો પુલ તૂટતાની સાથે અનેક લોકો પાણીમાં ગરકાવ થયા હતા. દુર્ઘટના સમયે કેટલાક લોકો જાળીમાં લટકતા જોવા મળ્યા હતા.

રવિવારે લોકો પોતાના ઘરેથી પરિવાર અને સ્વજનો સાથે હરવા ફરવાના ઈરાદાથી મોરબીના જૂજ જોવા લાયક સ્થળો પૈકીના એક એવા ઝૂલતા બ્રિજ પર સફરની મજા માણવા માટે આવ્યાં. ઝૂલતા પુલનું મેન્ટેનન્સ અને તેની દેખભાળની જવાબદારી તંત્ર દ્વારા પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી હતી. ઓરેવા ગ્રૂપ દ્વારા આ અંગે કાયદેસરના કરાર કરીને તેની કામગીરી કરવામાં આવી રહી હતી. ઓરેવા ગ્રૂપે ઝૂલતા પુલ પર જવા માટે કાયદેસર ટિકિટ રાખી હતી. જેમાંથી તેને મોટાપાયે કમાણે થતી હતી. આ બ્રિજ લાકડાનો હોવાથી તેનું દર વર્ષે સમારકા કરાવવું પડતું હતું. તેમજ અમુક સમય માટે આ બ્રિજને બંધ પણ રાખવો પડતો હતો. તેથી તંત્ર દ્વારા પ્રાઈવેટ કંપનીને આ કામગીરી સોંપી દેવામાં આવી હતી. જોકે, પ્રાઈવેટ કંપનીએ નફો કરવા માટે જેમતેમ બ્રિજનું મેન્ટેન્સ કરીને બ્રિજ પબ્લિક માટે ચાલુ કરી દીધો અને શરૂ કરી દીધો લોકોને મોતની ટિકિટો આપવાનો ધંધો. 

હજુ હમણાં જ આ બ્રિજ શરૂ કરાયો હતો. એવામાં તો રવિવારનો દિવસ આવ્યો અને વધુ કમાણીની લાલચે ઓરેવા ગ્રૂપે પુલની ક્ષમતા કરતા ખુબ વધારે લોકોને એક સાથે બ્રિજ પર પ્રવેશ કરવા દીધો. બાળકો માટે રખાઈ હતી 12 રૂપિયાની ટિકિટ જ્યારે મોટા માટે ઝૂલતા પુલ પર જવા માટે 17 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી. આ લોકોને ક્યાં ખબર હતી કે તેઓ પૈસા આપીને ટિકિટ લઈને મોત ખરીદી રહ્યાં છે.

રવિવારે સાંજે બરાબર 6 વાગ્યા ને 31 મિનિટે આ કેબલ બ્રિજ એક ઝાટકાથી તૂટી પડ્યો. અને બ્રિજ પરથી ટપોટપ લોકો મચ્છુ નદીમાં પડવા લાગ્યાં. નાના-મોટા સૌ કોઈ નદીમાં પડવા લાગ્યાં. કોઈ જીવ બચાવવા માટે બ્રિજના કેબલ પર લટકેલું જોવા મળ્યું. તો કોઈ નદીના ઉંડા પાણીમાંથી બહાર નીકળવા માટે મરણિયો પ્રયાસ કરતું જોવા મળ્યું. સાંજનો સમય હતો...સુરજ ધીરે ધીરે ઢળી રહ્યો હતો અને અંધકાર જાણે કે સાક્ષાત કાળ બનીને લોકોને પોતોના વશમાં કરી રહ્યો હતો. ચારેય તરફ બચાવ બચાવની બુમો સંભળાતી હતી. 

 

આંખોની સામે જ સ્વજનોનો જીવ જઈ રહ્યો હતો. જિદંગી આજે મોત સામે હારી રહી હતી. બચાવ માટે કોઈ આવે તે પહેલાં અનેક જિદંગીઓએ નદીના પાણીમાં ગુંગળાઈને દમ તોડી દીધો હતો. મળતી માહિતી મૂજબ હાલ પ્રાથમિક ધોરણે એવું કારણ સામે આપવામાં આવી રહ્યું છેકે આ ઝૂલતા પુલ પર એક સાથે અંદાજે 450 થી 500 લોકો હતાં. જોકે, આ બ્રિજની ક્ષમતા તેના કરતા ખુબ જ ઓછી હતી. અચાનક વજન વધી જતાં બ્રિજ તૂટી પડ્યો. અને અનેક લોકોનો ભોગ લઈ ગયો. જોકે, સરકારે આ મામલે તપાસ સમિતિને તપાસ સોંપી છે. અને જવાબદારો સામે માનવવધના ગુના બદલ કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ ખાત્રી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news