ગીરના સૂત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ, રાત્રિના સમયે 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

Gir Somnath Heavy Rain : ગીર સોમનાથમાં રાત્રિ દરમિયાન ખાબકેલા 10 ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયુ છે. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા છે

ગીરના સૂત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ, રાત્રિના સમયે 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ગીરસોમનાથ :આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લાં 24 કલાકમાં વરસેલા ભારે વરસાદ બાદ બે જિલ્લા પાણીમાં ગરકાવ થયા છે. દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી ગયો છે. ગીર સોમનાથમાં કોડીનાર સુત્રાપાડામાં આભ ફાટવા જેવી સ્થિતિ છે. રાત્રિ દરમિયાન ખાબકેલા 10 ઇંચ સુધીના વરસાદ બાદ ચોમેર પાણી ભરાયુ છે. એક જ દિવસમાં ગામડાઓ પાણીથી તરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. હજી પણ વરસાદ અવિરતપણે ચાલુ જ છે. 

કોડીનાર સુત્રાપાડા એક જ રાતમાં ખાબકેલા 10 ઈંચ વરાસદ બાદ આભ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી છે. માત્ર સૂત્રાપાડામાં રાત્રિ દરમ્યાન 10 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જેમાં કારણે આસપાસના તમામ ગામડાઓ રસતરબોળ થયા છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે. સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામમાં ગોઠણ સમાં પાણી ભરાયાં છે. અહીંની શેરીઓ નદી જેવી વહી રહી છે. આ કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. 

ગીર સોમનાથમાં ભારે વરસાદની સૌથી વધુ અસર દરિયા કાંઠાના ગામોને થઈ છે. અનેક ગામોમાં પાણી ભરાયાં છે. લોકોનું ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બન્યુ છે. તો આજે સવારે ઓફિસ જવા નીકળેલા રાહદારીઓ તથા સ્કૂલે જવા નીકળેલા વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોડીનારનું માલશ્રમ ગામ પાણી પાણી થઈ ગયુ છે. રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે.

ભારે વરસાદને પગલે વેરાવળ કોડીનાર નેશનલ હાઇવેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. મોરડીયા પેઢાવાળા વચ્ચે અપાયેલું ડાયવર્ઝન પણ પાણીમાં ગરકાવ થયુ છે. ભારે વરસાદ બાદ નેશનલ હાઇવે ઓથરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. જૂનો પુલ તોડી નાખ્યો નવો પુલ સમયસર પૂર્ણ ના કરાયો. જેથી સોમત નદીમાં પુર આવતા ડાયવર્ઝન નદીમાં ફેરવાયું છે. બંને તરફનો વાહન વ્યવહાર આ કારણે અટકી ગયો છે. રાહદારીઓ જોખમી રીતે પુલ પસાર કરવા મજબૂર બન્યા છે. આવામાં જોખમી રીતે પુલ પરથી પસાર થતા રાહદારીઓનો વીડિયો સામે આવ્યો છે. પુલની પેલે પાર જવા માટે મોટું જોખમ રહેલુ છે, છતા લોકો આવામાં નીકળવામાં મજબૂર બન્યા છે. નેશનલ હાઇવે ઓથરિટીની ગંભીર બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદીની આગાહી વચ્ચે રાજ્યના 219 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.5 ઈંચ, કોડીનાર અને કલ્યાણપુરમાં 6-6 ઈંચ વરસાદ, કડાણામાં 5.75 ઈંચ, માંગરોળમાં 4.75 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 26 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ છે, તો 30 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news