નાણાં મંત્રી અરુણ જેટલીએ કરેલી બેંકોના મર્જરની જાહેરાત કાયદાની વિરુદ્ધ :રાજુ ભાવસાર

અરૂણ જેટલી દ્વારા કરાયેલી જાહેરાતને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગેરકાયદેસરની ગણાવી તેમણે કહ્યું કે આ નિર્ણય આદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના પાછલા બારણે ફાયદો કરાવાનું ષડયંત્ર છે.

નાણાં મંત્રી અરુણ જેટલીએ કરેલી બેંકોના મર્જરની જાહેરાત કાયદાની વિરુદ્ધ :રાજુ ભાવસાર

ગૌરવ પટેલ, અમદાવાદ: કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી દ્વારા ત્રણ બેંકોના મર્જરની કરવામાં આવેલી જાહેરાત સામે બેંક ઓફીસર એસોસિએશન દ્વાર બાંયો ચઢાવવામાં આવી છે અને હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ તેમને ટેકો આપવામાં આવ્યો છે. બુધવારના રોજ ઓલ ઇન્ડીયા બેંક ઓફીસર કો ફેડરેશનના ગુજરાત વિંગના હોદ્દેદારોએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી તેમને આ અંગે આવેદન પત્ર આપ્યું હતું.

ઓલ ઇન્ડીયા બેંક ઓફીસર કો ફેડરેશનના ગુજરાત વિંગના પ્રમુખ રાજુભાઇ ભાવસારે જણાવ્યું હતું કે દેનાબેંક, બેંક ઓફ બરોડ અને વિજયા બેંકના મર્જરથી કર્મચારી, દેશની જનતા ખાસ કરીને યુવા વર્ગ અને ખેડૂતોને પારાવાર નુકસાન થશે. આ મર્જરથી દેશમાં 1000 બ્રાંચ બંધ થશે અને 10 હજારથી વધારે કર્મચારી બેકાર બનશે. 

તેમને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે આ સરકાર ઇન્દીરા ગાંધી દ્વારા કરવામાં આવેલા નેશનલાઇઝેશનને વિરૂદ્ધમાં લઇ જઇ રહી છે. નાની-નાની બેંકોના મર્જરથી મોટી બેંક બનાવી સરકાર પોતાનો હિસ્સો ખાનગી બેંક અથવા તો ઉદ્યોગપતિને વેચી દેવાની પેરવી કરી રહી છે. દેશના નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત કાયદાની વિરૂધ્ધમાં છે. જેને લઇને કોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે અને જરૂર પડે જન આંદોલન પણ કરવામાં આવશે.

અરૂણ જેટલી દ્વારા કરાયેલી જાહેરાતને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગેરકાયદેસરની ગણાવી તેમણે કહ્યું કે આ નિર્ણય આદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના પાછલા બારણે ફાયદો કરાવાનું ષડયંત્ર છે. નિર્ણય બેન્કીંગ ક્ષેત્રના નિયમોની વિરૂદ્ધનો છે પાર્લામેન્ટમાં ચર્ચા કર્યા બાદ કાયદાનુ સ્વરૂપ આપી નિર્ણયની જાહેરાત થવી જોઇએ. 

તેમણે ઉમેર્યુ કે આ નિર્ણય કરી ભાજપાની સરકારે લોકશાહીનું હનન કરી પોતાની સરમુખત્યાર શાહીનો પરીચય કરાવ્યો છે. ભૂતકાળમાં જ્યારે એસબીઆઇ બેંકનું મર્જર કરવામાં આવ્યું હતું ત્યારે 1800 થી વધારે શાખાઓ બંધ થઇ હતી અને 35 હજારથી વધારે કર્મચારીઓએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. સરકાર પર પ્રહાર કરતાં અમિત ચાવડાએ ઉમેર્યુ કે ઉદ્યોગપતિઓના ફાયદા માટે સરકાર આ નિર્ણય કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યુ કે ઇન્દીરા ગાંધીની સરકારમાં રાષ્ટ્રીયકૃત બેંકોનો કાયદો બન્યો અને ખેડુત ગરીબ અને મઘ્યમ વર્ગના લોકોને બેંકોનો ફાયદો મળ્યો જ્યારે આ સરકારના મર્જર નિર્ણયથી બેંક લોકોની પહોંચથી દુર થશે. મોટા ઉદ્યોગપતિઓના કારણે બેંકોના એનપીએમાં વધારો થયો છે જે મર્જરથી દુર થવાનો નથી ઉલટાનું મોટી બેંકમાંથી લોન લઇને ઉદ્યોગપતિઓના ભાગવાના કિસ્સા વધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news