નવાપુરમાંથી અઢી કરોડની લૂંટ ચલાવનારા ગણતરીના કલાકોમાં જ ઝડપાયા
મહારાષ્ટ્રના નવાપુરમાં અઢી કરોડ રૂપિયા સાથે આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા હતા, મહેસાણા પોલીસે 5 આરોપીને પકડી પાડી 1.26 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
Trending Photos
મહેસાણાઃ મહારાષ્ટ્રના નવાપુર-મહારાષ્ટ્ર હાઇવે રોડ ઉપર ગુરૂવારે બપોરે 11 કલાકે ટાટા સફારી કારમાં જઈ રહેલા ત્રણ વેપારીને રિવોલ્વર બતાવીને રૂ. 2.50 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી. મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટ કરનારા 5 આરોપીઓને ઝડપી પાડીને રૂ.1.26 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સુરત પોલીસે પણ 4 અન્ય આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના રહેવાસી હરીશ પટેલ અને મેહુલ પટેલ આંગડિયા પેઢીના રૂ.2.50 કરોડ લઈને જલગાંવથી અમદાવાદ આવી રહ્યા હતા. એ સમયે ઈનોવા કારમાં આવેલાં 6 અજાણ્યાં લૂંટારુઓએ બંદૂક અને ચાકુ બતાવીને તેમની પાસે રહેલા અઢી કરોડ રૂપિયા ઝૂંટવી લીધા હતા અને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આથી, તેમણે સુરત પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે તેના આધારે રાજ્યની પોલીસને સતર્ક કરવામાં આવી હતી. મહેસાણા પોલીસે બાતમીના આધારે આજે હાઈવે પર વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબ હાઈવે પર એક શંકાસ્પદ કાર અટકાવી હતી અને તેની તલાશી લીધી હતી. પોલીસે તપાસમાં 1.22 કરોડ રોકડા તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ 1.26 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લૂંટમાં વપરાયેલી ઈનોવા કાર અને 2 પિસ્તોલ પણ લૂંટારુઓ પાસેથી પોલીસે કબ્જે કરી હતી. આ સાથે જ પોલીસે 5 આરોપીઓને પણ દબોચી લીધા હતા.
લૂંટ કરનારા 5 આરોપીઓમાં પટેલ રાજેન્દ્રકુમાર કાનજીભાઈ (રહે મૂળ-ગડુલી, લખપત, ભુજ), અમરસિંહ ચેનાજી ઠાકોર (રહે. મહેસાણા), પટેલ અક્ષય કુમાર શૈલેષભાઇ, પટેલ પ્રકાશકુમાર શાંતિલાલ, પટેલ પ્રદીપ કુમાર હસમુખભાઈ (ત્રણેય રહે. ડીંડોલી, સુરત) છે. બાકીની રકમ આરોપીઓએ ક્યાં સંતાડી છે અને તેમની સાથે આ લૂંટમાં સામેલ અન્ય આરોપીઓ અંગે પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે