મહેસાણાઃ બર્થડે પાર્ટીમાં થયેલી માથાકૂટને 'લવજેહાદ'નું નામ મળતાં વાતાવરણ બન્યું તંગ

મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ શહેરમાં બિચકેલા મામલા અંગે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો કે, સમગ્ર ઘટનામાં લવજેહાદ જેવું કશું જ નથી, મિત્રોને અંદર-અદરનો ઝઘડો થયો હતો
 

મહેસાણાઃ બર્થડે પાર્ટીમાં થયેલી માથાકૂટને 'લવજેહાદ'નું નામ મળતાં વાતાવરણ બન્યું તંગ

મહેસાણાઃ મહેસાણામાં એક હિન્દુ યુવતી દ્વારા મોડી રાત સુધી બહાર બેસી રહેવાની ઘટનામાં મામલો બિચક્યો હતો. કેટલાક મુસ્લિમ યુવકોએ હિન્દુ યુવકો પર ગઈકાલે મોડી રાત્રે હુમલો કરતાં શહેરનું વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોએ આ ઘટનાને લવજેહાદ ગણીને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આજે રેલી પણ કાઢવામાં આવી હતી. જોકે, પોલીસે સમગ્ર ઘટનામાં ઊંડી તપાસ કરતાં જાણવા મળ્યું કે, બર્થડે પાર્ટીમાં થયેલી માથાકૂટને કોઈએ લવજેહાદનું નામ આપીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. 

આ ઘટના અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ જણાવ્યું કે, "જયમિની ગોસ્વામી નામના યુવકનો જન્મદિવસ હોવાથી એક રાત્રે એક બર્થડે પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં રહેલી એક યુવતીના જૂના મિત્રે આ પાર્ટીમાં આવીને માથાકૂટ કરી હતી. અંગત સંબંધોમાં થયેલા ખટરાગના કારણે સમગ્ર મામલો બિચક્યો હતો. પોલીસે 5 મુખ્ય આરોપી અને બે અન્ય આરોપીને પકડીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે."

મહેસાણામાં આ ઘટનાના કારણે આઝાદ ચોક, સિદ્ધપુરી બજાર, હૈદરી ચોક સહિતના વિસ્તારોમાં વાતાવરણ અચાનક ગરમ થઈ ગયું હતું. સમગ્ર શહેરમાં લવજેહાદની અફવા ફેલાઈ જતાં લોકોમાં રોષ ફેલાયો હતો. જે યુવક પર હુમલો કરાયો તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેના પરિણામે વાતાવરણ વણસ્યું હતું. 

પોલીસે જણાવ્યું કે, હાલ શહેરમાં પરિસ્થિતિ કાબુમાં છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પુરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મિત્રો વચ્ચે થયેલા આંતરિક ઝઘડાને કોઈએ લવજેહાદનું નામ આપી દીધું હતું. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news