ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! આ જિલ્લામાં 20 ઇંચ વરસાદમાં જળતાંડવની સ્થિતિ
Porbandar Rain News: પોરબંદર જિલ્લામાં 36 કલાકમાં 20 ઇંચ વરસાદ: જિલ્લાના ડેમો અને ભરતી નિયંત્રક સરોવરો છલકાયા, ભારે વરસાદમાં જિલ્લાની વહીવટી તંત્રની ટીમોએ ફિલ્ડમાં રહીને રેસ્ક્યુ કર્યા 11 વ્યક્તિઓનો બચાવ.
Trending Photos
Porbandar Rain News: પોરબંદર જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 20 ઇંચ જેટલો ભારે વરસાદ થયો છે. ગઈકાલે 18ના રોજ 350 મીમી અને આને 19ના રોજ સાંજના છ વાગ્યા સુધીમાં 215 મીમી વરસાદ થયો છે. આમ 36 કલાકમાં 565 મીમી વરસાદ પડ્યો છે. જેના પગલે જનજીવન પ્રભાવિત થતા જિલ્લા વહીવટ તંત્રની ટીમોએ ગઈ રાતથી આજે દિવસ દરમિયાન ફિલ્ડમાં રહીને રેસ્ક્યુ સહિતની કામગીરી કરી હતી.
પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પહેલેથી જ એલર્ટ હતું અને ગઈ રાતથી વિવિધ ટીમો બનાવીને જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ત્વરિત પગલા લેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના સંકલનમાં રહીને પોરબંદર જિલ્લામાં ઝીરો કેઝ્યુંઆલિટી ના અભિગમ સાથે જિલ્લા પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે.
જિલ્લાના અધિકારીઓ સાથે કલેકટર દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં વરસાદી પાણી ગામમાં લોકોના ઘરમાં આવે નહીં અને નીચાણ વાળા વિસ્તારોમાં જરૂર પડે ત્યાં સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી હતી જેના પગલે સાવચેતીના ભાગરૂપે કોલીખડા ગામમાં 204 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પરિવારો માટે પ્રાથમિક શાળામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગઈ રાત્રે રાણાવાવમાં માતા પુત્રી ઘરમાં પાણી ફરી વળતા ફસાયા હતા તેમને પણ ટીમોએ બહાર સલામત રીતે લઈ આવી કામગીરી કરી હતી. એ જ રીતે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ભારવાડા નજીક રસ્તામાં અચાનક વરસાદી પાણી આવી જતા એમ્બ્યુલન્સ ડૂબે એ પહેલા જ દર્દી અને તેમના સગાને બચાવી લેવાયા હતા. એકંદરે પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા 11 વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત સ્થિતિ પોરબંદર શહેર અને આસપાસના તાલુકા વિસ્તારમાંપડવાના છે અને આ વિસ્તારમાં વીજળી એસટી માર્ગ પરિવહન સહિતના બંધ થયેલા રસ્તા અને સેવાઓ પુનઃ શરૂ કરવા માટે કામગીરી ચાલુ છે. પોરબંદર જિલ્લાના 11 રૂટ પર 56 એસટી બસની ટ્રીપ હાલ મુસાફરોની સલામતીના ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ હસ્તકના ૫ રસ્તા હાલ બંધ છે.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ફરી વળે એ પહેલા જ તાત્કાલિક રસ્તા પર કેનાલ કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. હજુ વરસાદની સ્થિતિ અને આગાહીના પગલે એસડીઆરએફની એક ટીમને પોરબંદર કલેક્ટરના હવાલે કરવામાં આવી છે અને આ ટીમ પોરબંદર પહોંચવામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે