કચ્છના ગામડા ખાલી થવા લાગ્યા, માલધારીઓની હિજરત શરૂ, ખુદ સરપંચ ગામ છોડીને ગયા

Water Crises : પાણીની સમસ્યાને લીધે નાના સરાડા ગામના માલધારીઓ કરી રહ્યા છે હિજરત, સરપંચ ખુદ પશુઓ સાથે ગામ છોડી ગયા... 100 જેટલા ઘરો પાણીની સમસ્યાના કારણે હિજરત કરી ગયા...

કચ્છના ગામડા ખાલી થવા લાગ્યા, માલધારીઓની હિજરત શરૂ, ખુદ સરપંચ ગામ છોડીને ગયા

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : સૂકા રણપ્રદેશ કચ્છના સરહદી વિસ્તાર અને છેવાડાના એવા સૂકા મલક બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો માલધારીઓ કરી રહ્યા છે. ભર ઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવા માટે પાણી તેમજ પશુ માટે ઘાસચારો ના મળતા નાના સરાડા ગામના માલધારીઓ ઘર ખાલી કરીને હિજરત કરી ગયા છે.

આ વર્ષે કચ્છમાં ઉનાળો વહેલો શરૂ થયો છે અને બન્ની વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે. પશુપાલક એવા માલધારીઓને પાણી માટે ભારે સંધર્ષ કરવો પડી રહ્યો છે. નાના સરાડા ગામના સરપંચ ખુદ ગામમાં પાણીની સમસ્યા હોતાં પોતાના પશુઓ લઈને અન્ય સ્થળે હિજરત કરી રહ્યાં છે. 

બન્ની વિસ્તારના મોટાભાગના માલધારીઓ પશુપાલન સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને પાણીની સમસ્યાના કારણે પશુઓની પણ હાલત બહુ ખરાબ છે અને સાથે જ ઘાસચારાની પણ તકલીફ છે. પાણીની વ્યવસ્થા ના થતાં ગામના લોકોને હિજરત કરવી પડે છે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. ગામના લોકો જિલ્લાના અન્ય તાલુકાઓમાં જ્યાં ઘાસચારો અને પાણી મળી રહે તેવા વિસ્તારમાં હિજરત કરી રહ્યા છે. 

maldhari_zee2.JPG

નાના સરાડા ગામમાં 250 જેટલા ઘરો છે, જેમાં 1600 જેટલી વસ્તી અને 16000 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. માલધારીઓને પાણીની સમસ્યાની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા ઘણા સમયથી સતાવે છે. ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. 100 જેટલા ઘરો તો પાણીની સમસ્યાના કારણે ખાલી થઈ ગયા છે અને અન્ય તાલુકાઓમાં પરિવાર અને પશુધન સાથે હિજરત કરી ગયા છે.

નાના સરાડા ગામના સરપંચ અમુલાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે ગામમાં ઘાસની અને મોટામાં મોટી સમસ્યા પાણીની છે. માલધારીઓ મોટેભાગે પશુઓ પર આધારિત છે, જેના કારણે માલધારીઓના જનજીવન પર અસર પડી છે. જેથી કરીને માલધારીઓ હિજરત કરી ગયા છે. ગામમાં ઘાસ પણ ન હોવાથી માલધારીઓને અહીંથી ચાલ્યા જવું પડ્યું છે અન્ય તાલુકાઓમાં કોઈ વ્યવસ્થા કરવી પડી રહી છે. તો હિજરતના કારણે માલધારીઓના બાળકોનું પણ ભણતર પણ બગડી રહ્યું છે. ગામને પૂરતું પાણી આપવામાં આવે તેવી માંગણી માલધારીઓ કરી રહ્યા છે.

પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવામાં આવે
સરાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ફકીરમામદ જતે જણાવ્યું હતું કે ગામમાં પાણીની સમસ્યાના લીધે જ માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. બન્ની વિસ્તાર એકદમ ખુલ્લો વિસ્તાર છે આ વિસ્તારને મૂકીને કોઈ જાય નહીં પરંતુ અહીં પાણીની સમસ્યાના કારણે હિજરત કરવી પડી રહી છે.બાળકોનું ભણતર પણ આ પાણીની સમસ્યાના કારણે જ બગડી રહી છે.માલધારીઓ અંજાર તેમજ ભચાઉ તાલુકાના વિવિધ ગામોમાં હિજરત કરી રહ્યા છે.આ સમસ્યા કાયમ માટે દૂર કરવામાં આવે અને ગામ માટે જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તેમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news