લોકશાહીમાં રાજાશાહીના દર્શન...હિમાંશુસિંહજીના રાજતિલક મહોત્સવ પ્રસંગે નીકળી વિશાળ જલયાત્રા
રજવાડાના સમયથી જ રાજતિલક મહોત્સવમાં શાસ્ત્રો મુજબ જલયાત્રાનું ખૂબજ મહત્વ છે.રાજાશાહીયુગમાં રાજવીના રાજતિલક વેળાએ જુદાજુદા સમુદ્રો, નદીઓ, કૂવાઓ સહિતના જલ એકઠા કરીને આ જલ વડે રાજવીને સ્નાન કરાવીને રાજગાદી ઉપર બેસાડવામાં આવતા હોય છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રજવાડાના સમયમાં ગોંડલ એટલે પ્રજાવત્સલ રાજવીના રજવાડા તરીકે ખ્યાતિ પામેલ ગોંડલ રાજ્યના 17માં ઉતરાધિકારી રાજવીના રાજતિલક મહોત્સવનો નવલખા દરબારગઢ ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. ગોંડલના 17માં ઉતરાધિકારી મહારાજા તરીકે હિમાંશુસિંહજીની રાજતિલક વિધિ થઈ રહી છે. આજે રાજતિલક મહોત્સવને લઈને રાજવી ઠાઠ સાથે વિશાળ જલયાત્રા ગોંડલના રાજમાર્ગો ઉપર નીકળી હતી.
રજવાડાના સમયથી જ રાજતિલક મહોત્સવમાં શાસ્ત્રો મુજબ જલયાત્રાનું ખૂબજ મહત્વ છે.રાજાશાહીયુગમાં રાજવીના રાજતિલક વેળાએ જુદાજુદા સમુદ્રો, નદીઓ, કૂવાઓ સહિતના જલ એકઠા કરીને આ જલ વડે રાજવીને સ્નાન કરાવીને રાજગાદી ઉપર બેસાડવામાં આવતા હોય છે. ત્યારે ગોંડલના 17માં ઉતરાધિકારી રાજવી તરીકે હિમાંશસિંહજી સાહેબની રાજતિલક વિધિ થઈ રહી છે. જેમાં ભારતભરના સમુદ્રોના જલ,દેશની જુદી જુદી 16 નદીઓના જલ,અને વિવિધ કૂવાઓના જલ સાથે વિશાળ જલયાત્રા રાજવી પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતેથી રાજવી ઠાઠ સાથે નીકળી હતી.
આશાપુરા મંદિર ખાતેથી માતાજીના પૂજન સાથે નીકળેલ આ જલયાત્રામાં 2100 કરતા વધુ દિકરીઓ પવિત્ર જલ કુંભ સાથે જોડાઈ હતી.અક્ષર મંદિર,તેમજ અન્ય બેન્ડ પાર્ટીઓ સાથે વાજતે ગાજતે નીકળેલ રાજતિલક મહોત્સવમાં 2100 કરતા વધુ દિકરીઓ સાથેની જલયાત્રા એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. ત્યારે ગોંડલના 17માં ઉતરાધિકારીની આ જલયાત્રામાં ગોંડલના જૂના રાજ્યના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, સહિતના શહેરોના રાજકીય, સામાજિક આગેવાનો, તેમજ વિવિધ મહિલા મંડળો સહિતના લોકો જોડાયા હતા. ગોંડલના જુદાજુદા રાજમાર્ગો ઉપર નીકળેલ રાજતિલક મહોત્સવની જલયાત્રા શહેરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે ઠેરઠેર જલયાત્રાના પુષ્પવર્ષાથી વધામણા કરવામાં આવ્યા હતા. જલયાત્રાનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, સાધુ સંતો, આગેવાનો દ્વારા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગોંડલ રાજમાર્ગ ઉપર નીકળેલ આ જલયાત્રા શહેરીજનો સાથે રાજવી પરિવારના આમંત્રણને માન આપીને વિદેશથી પધારેલ મહેમાનોમાં ખૂબજ આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી.તો બીજી તરફ ગોંડલના વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને માંડવી ચોક થઈને જલયાત્રા રાજતિલક મહોત્સવ સ્થળ નવલખા દરબારગઢ ખાતે પહોચી હતી.ત્યાં તમામ જલ કાશધારી દિકરોનું રાજમાતા કુમુદકુમારી બા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે