લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલનો બફાટ
લોકસભા ચૂંટણીમાં નેતાઓ બોલવામાં ભાન ભુલી જવાની ઘટનાઓના કિસ્સા એક પછી એક સામે આવી રહ્યા છે તેમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય નાથા પટેલનો પણ ઉમેરો થયો છે, તેમણે કહ્યું છે કે, કોઈ તમને પોટલી કે રૂપિયા આપે તો લઈ લેવા પણ મત તો પંજાને જ આપવો....
Trending Photos
ધાનેરા(બનાસકાંઠા): લોકસભા ચૂંટણીમાં નેતાઓ બોલવામાં ભાન ભુલી જવાની ઘટનાઓના કિસ્સા એક પછી એક સામે આવી રહ્યા છે તેમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય નાથા પટેલનો પણ ઉમેરો થયો છે, તેમણે કહ્યું છે કે, કોઈ તમને પોટલી કે રૂપિયા આપે તો લઈ લેવા પણ મત તો પંજાને જ આપવો.
ધાનેરાના થાવર ગામે ચૂંટણી સંબંધિત એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલને સભામાં સંબોધન બોલવા માટે આમંત્રણ અપાયું હતું. તેમણે જાહેરસભામાં જણાવ્યું કે, "કોઈ તમને પોટલી કે રૂપિયા આપે તો લઇ લેવા પણ મત તો પંજાને આપજો. એ તમને જે પૈસા આપે છે એ તમારા પોતાના જ છે. પૈસા પાછા ન જવા દેજો. અગાઉ એ લોકો તેમને છેતરી ગયા છે, હવે તમારે તેમને છેતરવાના છે. "
ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેના છડેચોક લીરા ઉડતી ઘટનાઓ અવાર-નવાર બનતી જોવા મળે છે. તેવામાં જ્યારે રાજ્યના ચૂંટાયેલા સભ્યો પણ દારૂ સ્વીકારવાનું નિવેદન આપે તે અત્યંત શરમજનક ઘટના બની જાય છે.
ધાનેરાના ધારાસભ્યના આ વિવાદિત નિવેદન બદલ હવે રાજ્યના ચૂંટણી અધિકારીએ જિલ્લા ચૂંટણી અધિકારીને આ અંગે તપાસ કરીને તાત્કાલિક રિપોર્ટ કરવા માટે આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અનેક નેતાઓ આ પ્રકારના અસભ્ય અને વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે