LOCKDOWN વચ્ચે માનવતા મહેંકી : સંકટ સમયમાં આ સોસાયટીએ કરી અનોખી પહેલ

સોસાયટીના રહીશો દ્વારા ગરીબ વર્ગ તેમજ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતાં પરિવારોના ઘર સુધી પહોંચીને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દાળ, ચોખા, હળદર, તેલ, લોટ, અનાજ, શાકભાજી જેવી વસ્તુઓ પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે.

LOCKDOWN વચ્ચે માનવતા મહેંકી : સંકટ સમયમાં આ સોસાયટીએ કરી અનોખી પહેલ

દુષ્યંત કર્નલ, ગ્રાઉન્ડ રિપોર્ટ: જયારે જયારે દેશ ઉપર કે સમાજ ઉપર કુદરતી આપત્તિઓ અથવા તો માનવસર્જિત સંકટ આવે છે, ત્યારે લોકોની પરસ્પર માનવતા પણ બહાર આવી છે. મારે શું..?? અને મારૂ શું..?? વિચારતો કાળા માથાનો માનવી સંકટ સમયે પરસ્પર મદદરૂપ થવા તલપાપડ બને છે.

તાજેતરમાં વિશ્વના અનેક દેશોમાં ફાટી નિકળેલી મહામારી લીધે પીએમ મોદીએ દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. ત્યારે આખુ ગુજરાત ઘરમાં પુરાઇ ગયું છે. જેને લીધે દરરોજ છૂટક મજૂરી કરીને પેટીયૂ રળતો મજૂર વર્ગ મહા મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. બે ટંકનું ભોજન મેળવવા માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે. ત્યારે હર હંમેશની માફક ગુજરાતીઓ દરેક વિકટ પરિસ્થિતિમાં ખુલ્લા મને દાન અને સેવા આપવા તત્પર હોય છે. 

એક જુની કહેવત છે કે ઉપરવાળો ભૂખ્યો જગાડે છે, પરંતુ ક્યારેક સૂવાડતો નથી. આ કહેવતને અમદાવાદની એક સોસાયટીના રહીશો સાર્થક કરતા જોવા મળી રહ્યા છે.  અમદાવાદમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટીના સભ્યોએ માનવતાની મહેક પ્રસરાવી ઉમદા બીડું હાથ ધરવામાં આવ્યું છે. સોસાયટીના રહીશો દ્વારા ગરીબ વર્ગ તેમજ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતાં પરિવારોના ઘર સુધી પહોંચીને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દાળ, ચોખા, હળદર, તેલ, લોટ, અનાજ, શાકભાજી જેવી વસ્તુઓ પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. ચાંદખેડા વિસ્તારની આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તાર અને મજૂરી વર્ગના લોકોને દરરોજ સવારે ગાડી લઇને અનાજ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડી રહ્યા છે.

society1.jpg   

200 જેટલા પરિવારોને મદદ પુરી પાડી
સોસાયટીના એક રહીશ જીગર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની મહામારી લીધે ગુજરાત લોકડાઉન છે. ત્યારે અમારી સોસાયટીના વોટ્સઅપ ગ્રુપમાં આ ઉમદા વિચાર રજૂ કરવામાં આવ્યો હતો અને સોસાયટીના રહીશો અભૂતપૂર્વ પ્રતિભાવ મળતાં અમે છેલ્લા 2-3 દિવસમાં આસપાસમાં આવેલા ઝૂપટપટ્ટી વિસ્તારમાં અંદાજે 200 જેટલા પરિવારોને મદદ કરવામાં આવી છે. આગળ પણ અમે આ પ્રકારે સેવા કરતા રહીશું. 
society1.jpg
સંકટ સમયે અન્નનો બગાડ ન થાય તે જરૂરી
જ્યારે સોસાયટીના અન્ય એક સભ્ય આશીષ મેવાડાએ જણાવ્યું હતું કે સોસાયટીના સભ્યો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળ્યો રહ્યો છે સોસાયટીના સહયોગ વિના આ શક્ય નથી. આજે ખરા અર્થમાં જરૂરિયાતમંદોને કોળિયો મળી રહે અને અન્નનો બગાડ ન થાય તે માટે અનાજ, કરિયાણું અને કાચી સામગ્રી આપવામાં આપી રહ્યા છે. કારણ કે અત્યારે ઘણા લોકો ફૂડ પેકેટ, ભોજન વગેરે આપી જાય પરંતુ કાચી સામગ્રી તેમની પાસે હશે તો તે લોકો ગમે ત્યારે પોતાના બાળકો બનાવીને ભોજન કરાવી શકશે. 
society5.jpg
વાયરસ ન ફેલાઇ તે માટે ગ્લોસ અને સેનાઇઝરનો ઉપયોગ

રાકેશ ઠાકુરે જણાવ્યું હતું કે કોરોના વાયરસ એક ગંભીર પ્રકારનો વાયરસ છે. જેથી ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. પીએમ દ્વારા કરવામાં આવેલી અપીલ ચુસ્તપણે લોકો પાલન કરે છે. જરૂર વિના બહાર નિકળે નહી. અમે લોકોને સામાન પુરો પાડતી વખતે ખાસ કાળજી રાખીને હાથ સેનેટાઇઝર વડે ધોઇએ છીએ અને ગ્લોસનો પણ ઉપયોગ કરીએ છીએ. આ કાળજી બંને માટે જરૂરી છે. આ સંકટ સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવીશું તો આ કોરોના વાયરસની ચેન તોડી શકીશું.  

આ ઉપરાંત અમારી સોસાયટીમાં બહારથી આવતા ફેરિયા, સફાઇકર્મીઓને સેનિટાઇઝર વડે હાથની સફાઇ કરવાની સૂચના અપાઇ છે. અને મહેમાનો માટે સ્પષ્ટ પ્રતિબંધ લગવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news