56 સિંહ અને 50 દીપડા ગુજરાતમાં જ્યાં રહે છે, ત્યાં લાખો લોકો ઉમટી પડ્યા
Girnar Lili Parikrama 2024 : ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, ભક્તો ઉમટી પડતા એક દિવસ પહેલા ગેટ ખોલી દેવાયો... 56 સિંહ અને 50 દીપડાને રૂટથી દૂર રાખવા 350 ગીરના જંગલમાં ફોરેસ્ટ સ્ટાફ તૈનાત
Trending Photos
Gir Forest : સોમવારે જૂનાગઢમાં ભવ્ય ગિરનારની લીલી પરિક્રમાનો એક દિવસ પહેલાં જ પ્રારંભ થઈ ગયો છે. શ્રદ્ધાળુઓએ વિધિવતના બદલે દર વર્ષની પરંપરાની જેમ એક દિવસ પહેલાં જ પરિક્રમાનો પ્રારંભ કરાયો છે. લાખો ભક્તો પરિક્રમા કરવા નીકળી પડ્યા છે. ત્યારે રસપ્રદ વાત એ છે કે, જ્યાં આ પરિક્રમા થવાની છે, એ સ્થળ 56 સિંહ અને 50 દીપડાઓનું ઘર છે. જંગલના બે હિંસક પ્રાણીઓ વચ્ચે લાખો ભક્તો પરિક્રમા કરવા નીકળી પડ્યા છે. ગુજરાતની આ એક અદભૂત ઘટના છે.
પ્રકૃતિને નજીક માણવાનો અવસર એટલે લીલી પરિક્રમા..
ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ અગિયારસની રાત્રિના 12 વાગ્યે થતો હોય છે.. પરંતુ, દર વર્ષની માફક આ વર્ષે પણ પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ મોટી સંખ્યામાં શ્રદ્ધાલુઓ પરિક્રમાના ગેટ પાસે એકત્ર થઈ જતા વનવિભાગે સોમવારે સવારે જ ગેટ ખોલવાની ફરજ પડી હતી.. સવારે ગેટ ખોલાતા જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જય ગિરનારીના નાદ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.. તો બીજી તરફ ખાસ યાત્રિકો જંગલમાં પ્લાસ્ટિક ન લઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
પરિક્રમા રૂટ પર પાંજરા મૂકાયા
આમ તો પરિક્રમા દરમિયાન હિંસક પ્રાણીઓના હુમલાની ઘટનાઓ નથી બનતી. પરંતુ, ગત વર્ષે પરિક્રમા દરમિયાન દીપડાના હુમલાની ઘટના બન્યા બાદ વનવિભાગ આ વર્ષે એલર્ટ બન્યું છે. પરિક્રમાના રૂટ પર વનવિભાગ દ્વારા 20 જેટલી રાવટીઓ બનાવવામાં આવી છે.. દરેક રાવટી નજીક એક પાંજરુ પણ મૂકવામાં આવ્યું છે.. તો સાથે સાસણથી એક ખાસ રેસ્ક્યૂ ટીમ બોલાવી તૈનાત રાખવામાં આવી છે.. જેથી હિંસક પ્રાણીના સંભવિત હુમલાની ઘટના સમયે તાત્કાલીક કામગીરી કરી શકાય.
સફારી સિંહદર્શન બંધ રખાશે
લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને 11 થી 15 નવેમ્બર સુધી ગિરનાર નેચર સફારી સિંહદર્શન બંધ રાખવામાં આવ્યો છે. પરિક્રમાર્થીઓ અને વન્ય જીવોની સલામતીને લઈ તંત્રએ આ નિર્ણય લીધો છે. પરિક્રમાના રૂટ પર વન્યજીવોની અવરજવર રહેતી હોય તેને લઈ વન વિભાગે નિર્ણય કર્યો છે. પરિક્રમાના રૂટ નજીક નેચર સફારી પાર્કનો રૂટ છે.
એક દિવસ પહેલા જ ગેટ ખોલી દેવાયો
જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમામાં આજ વહેલી સવારથી જ યાત્રીકોના પ્રવાહને લઈને એક દિવસ પહેલા યાત્રીકો માટે ગેટ ખોલવામાં આવ્યો હતો અને ભાવિકોએ ગિરનાર ની લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. આ પરિક્રમા અગિયારસના આ લીલી પરિક્રમા શરૂ થતી હોય ત્યારે માનવ મહેરામણ ઉમટી પડતા એક દિવસ વહેલો ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો. આમ તો વિધિવત રીતે ગિરનારની લીલી પરિક્રમા દેવ ઉઠી અગિયારસના દિવસે શરૂ થાય તેવી પરંપરા રહેલી છે. પરંતુ દર વર્ષની જેમ ભવનાથમાં ભાવિકોનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા એક દિવસ વહેલો ગેટ ખોલવાની ફરજ પડતા ગેટ ખોલી નંખાયો હતો અને ભાવિકોએ પરિક્રમાની શરૂઆત જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે શરૂ કરી હતી.
ગિરનારમાં ભવનાથથી શરૂ થતી પરિક્રમાના રૂટની કુલ લંબાઈ 36 કિમીની છે.. જે કુલ ચાર પડાવમાં પૂર્ણ કરવામાં આવતી હોય છે.. ભવનાથથી શરૂ થતી પરિક્રમા ઈટવા ઘોડી, ત્રણ રસ્તા, જીણા બાવાની મઢી, સરકડીયા હનુમાન, સૂરજકુંડ અને મેળવેલા થઈ ભવનાથ તળેટી પરત ફરવાનું રહે છે.
427 કેમેરાથી બાજ નજર રખાશે
લીલી પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનાર તરફ જવા વન વે રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સહકારની એસપીએ અપીલ કરી. લીલી પરિક્રમામાં 20 લાખ લોકોના આવવાના અંદાજને ધ્યાને લઇ એસપી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. શહેરના 427 કૅમેરાઓ થી સતત નજર રાખવામાં આવશે. ગિરનાર પરિક્રમા માટે કુલ 2427 પોલીસ કર્મી ફરજ બજાવશે જેમાં 9 Dysp, 27 PI ,92 psi,914 પોલીસ કર્મચારીઓ,500 હોમગાર્ડ, 885 GRD નો સમાવેશ થાય છે. 1 SRPF ટીમ,1 SDRF ટીમ, 13 સરવેલન્સ ટીમ,8 she ટીમ પણ ફરજ બજાવશે. આ ઉપરાંત બોડીવોરન કેમેરા 210, રસા 19, અગ્નિશામક 49,વાયરલેસ સેટ 40, રાવટી 47. ,વોકોટોકી 195 જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે