હોલસેલ બજારમાં લીંબુના ભાવમાં કડાકો પણ છૂટક બજારમાં ભાવ યથાવત
ભાવનગર જિલ્લામાં લીંબુ પકવતા ખેડૂતોના ફરી વળતાં પાણી થયાં છે, લીંબુના ભાવ માં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, એક સમયે માર્કેટ યાર્ડમાં 150 થી 200 રૂપિયે કિલો વેચાતા ખેડૂતોના લીંબુ હાલ 60 થી 140 રૂપિયે વેચાઈ રહ્યા છે, જ્યારે રિટેઇલ માર્કેટમાં ગ્રાહકો ને હજુ પણ 250 થી 300 ના ભાવે લીંબુ લેવા પડે છે.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર જિલ્લામાં લીંબુ પકવતા ખેડૂતોના ફરી વળતાં પાણી થયાં છે, લીંબુના ભાવ માં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, એક સમયે માર્કેટ યાર્ડમાં 150 થી 200 રૂપિયે કિલો વેચાતા ખેડૂતોના લીંબુ હાલ 60 થી 140 રૂપિયે વેચાઈ રહ્યા છે, જ્યારે રિટેઇલ માર્કેટમાં ગ્રાહકો ને હજુ પણ 250 થી 300 ના ભાવે લીંબુ લેવા પડે છે, ત્યારે છૂટક બજાર ની સામે હોલસેલ બજારમાં ખૂબ નીચા ભાવે વેચાતા લીંબુના યોગ્ય ભાવ મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
કોરોનાકાળનો સમય ખેડૂતો માટે ખૂબ કપરો સાબિત થયો હતો, જ્યારે ખેડૂતો એ ખુલ્લા મનથી દર્દી નારાયણની સેવા માટે માત્ર 2 રૂપિયે કિલો લીંબુ વેચ્યા હતા. પરંતુ ત્યાર બાદ આવેલા તાઉ''''તે વાવાઝોડાએ ખેડૂતોની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. વાવાઝોડાના ભારે પવનના કારણે લીંબુના હજારો છોડવા મૂળ માથી ખેંચાઈ જતાં ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
તો બીજી તરફ વધેલા છોડ માં લીંબુનો ફાલ પણ ઘટી ગયો જેના કારણે લીંબુની પડતર કિંમતમાં ખૂબ વધારો થયો, જેની સામે માર્કેટ યાર્ડમાં પણ ખેડૂતોને વર્ષો બાદ લીંબુના 150 થી 200 રૂપિયા સુધીના યોગ્ય ભાવ મળતા થયા હતા. પરંતુ આ બધું માત્ર થોડા દિવસ ચાલ્યું અને ફરી જાણે કે ખેડૂતોના વળતાં પાણી થયાં હોય એમ લીંબુના ભાવ ફરી ઘટવા લાગ્યા છે. હાલ ખેડૂતોને લીંબુના 60 થી 140 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે જે તેની મહેનત સામે ખૂબ ઓછા છે, જ્યારે લીંબુ પકવતા ખેડૂતો આઠ મહિના માવજત કરે ત્યારે લીંબુ તૈયાર થાય છે. જેં વેચતા કિલો લીંબુના 60 થી 140 રૂપિયા મળે છે જ્યારે એજ લીંબુ ખરીદી વેપારીઓ 200 રૂપિયા ના ભાવે વેચે છે, અને છૂટક માર્કેટમાં ગ્રાહકો પાસેથી એના ભાવ 250 થી 300 રૂપિયા કિલો દીઠ લેવામાં આવે છે. એટલે કે ખેડૂતોની આઠ મહિનાની મજૂરી સામે એક જ દિવસમાં વેપારી અને છૂટક ફેરિયાના પૈસા ડબલ થઇ જાય છે. જ્યારે ખેડૂતોને તેની પડતર પણ મળતી નથી, ત્યારે માર્કેટ યાર્ડમાં પૂરતા પોષણક્ષમ ભાવો મળી રહે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી.
લીંબુના ઘટી રહેલા ભાવ ને પગલે ભાવનગર માર્કેટ યાર્ડ ના વેપારી અને દલાલ એશોષિયેશન ના પ્રમુખ નરેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે હાલ માર્કેટ યાર્ડમાં લીંબુની આવક વધી રહી છે. જે પહેલા 1500 ગાંસડી આવતી હતી તે હાલ 2200 જેટલી આવક થઈ રહી છે અને સામે સાઉથ માથી પણ લીંબુની આવક શરૂ થતાં લીંબુના ભાવ માં ઘટાડો થયો છે. જ્યારે છૂટક બજારમાં ખૂબ ઊંચા ભાવે લીંબુ વેચાતા હોવા નો તેમજ સામે ખેડૂતો ને યોગ્ય ભાવ ના મળતા હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે