કોરોના મહામારીના 2 વર્ષ બાદ કચ્છી સ્થાનિકો માટે આનંદો! વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો કરે છે વેપાર
કચ્છના બન્ની વિસ્તારનો પ્રખ્યાત કચ્છી મીઠો માવો કે જે કચ્છના બન્ની વિસ્તારના ગામો ભીરંડીયારા, હોડકો, ધોરડો ગામના માલધારીઓ દ્વારા બનાવવામાં આવતું હોય છે..
Trending Photos
રાજેન્દ્ર ઠાકર/કચ્છ: 1લી નવેમ્બરથી રણોત્સવનો રંગેચંગે પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે કચ્છમાં પ્રવાસીઓનું આવનજાવન વધી છે. કચ્છના બન્ની વિસ્તારનો પ્રખ્યાત કચ્છી મીઠો માવો કે જે કચ્છના બન્ની વિસ્તારના ગામો ભીરંડીયારા, હોડકો, ધોરડો ગામના માલધારીઓ દ્વારા બનાવવામાં આવતું હોય છે અને કોરોનાકાળમાં માવાનું વેંચાણ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું, પરંતુ હાલમાં રણોત્સવ શરૂ થતાં ફરીથી માલધારીઓને આર્થિક ફાયદો થઈ રહ્યો છે અને રોનક છવાઈ ગઈ છે.
કોરોના મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી સફેદ રણ અને રણોત્સવ માણવા આવતા પ્રવાસીઓની અવરજવર પ્રમાણમાં ખૂબ ઓછી રહી હતી. જેથી બન્ની વિસ્તારના ધોરડો અને તેની આસપાસના ગામોમાં બન્નીની ભેંસના દૂધમાંથી તૈયાર થતા શુદ્ધ માવાના વેચાણમાં ખોટ આવી હતી અને બન્નીના માવાઉદ્યોગને માઠી અસર થઈ હતી. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ ઘટતા જિલ્લાના તમામ પર્યટન સ્થળો ફરીથી પ્રવાસીઓથી ધમધમી રહ્યા છે ત્યારે બે વર્ષ બાદ આ વર્ષે રણોત્સવ પણ ફરી શરૂ થયો છે. જેનો સીધો ફાયદો બન્ની વિસ્તારના ગ્રામજનોને થઈ રહ્યો છે. જેના પગલે માલધારીઓને અહીંના દુધના માવાના વેચાણમાં મોટો ફાયદો થઈ રહ્યો છે.
ભીરન્ડિયારામાં બનતો કચ્છી માવો આ વિસ્તારની ભેંસના દૂધમાંથી બને છે અને સાથે સાથે તેમાં ખાંડનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આ મિશ્રણને 2 થી 2.30 કલાક માટે ઉકાળવામાં આવે છે. 25 લીટર દૂધમાંથી 5 કિલો માવો બને છે. તો સારી ફેટ વાળો દૂધ હોય છે તો તેમાંથી માવો બનાવ્યા બાદ ઘી પણ ઉતરે છે. આમ તો માવો દરેક જગ્યાએ બનતો હોય છે પરંતુ ભીરંડીયારા ખાતે બનતા માવાનો સ્વાદ કંઇક અલગ જ હોય છે કારણ કે અહીંનું વાતાવરણ આ માવાને માફક હોય છે.
ભીરંડીયારા ખાતે 40 જેટલા વેપારીઓ માવો વેંચે છે. આમ તો મુખ્યત્વે એક જ પ્રકારનો માવો બનાવે છે. પરંતુ અમુક વેપારીઓએ હાલમાં રણોત્સવને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટ માવો પણ બનાવવાનું શરૂ કર્યું છે. દરરોજનું સરેરાશ દરેક વેપારી 100-150 કિલો માવાનું વેંચાણ કરે છે. સાદો માવો 300 થી 350 રૂપિયે કિલો વેંચાતો હોય છે તથા ડ્રાયફ્રુટ માવો 400-450 રૂપિયે કિલો વેંચાતો હોય છે. તો આ કચ્છી મીઠો માવો ખાનાર પ્રવાસીને આ ટેસ્ટ યાદ રહી જાય એવી Zee મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વિકાસ હજુ ઓછો થયો છે પણ કચ્છી માવાનો ટેસ્ટ સારો છે.
દિવાળી વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા સરહદી જિલ્લામાં જોવા મળી રહી છે. તેમાં સફેદ રણની મજા માણવા આવતા લોકો પરત જતા સમયે વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાની પણ ખરીદી કરતા હોય છે. ચાર મહિના ચાલતા આ રણોત્સવ દરમિયાન અંદાજે માવો વેંચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો વેપાર કરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે