KUTCH: આ એક જ સ્ત્રી કરી શકશે ચામર પત્રી વિધિ, કોર્ટ દ્વારા અપાયો ઐતિહાસિક ચુકાદો
Trending Photos
ભુજ : માતાના મઢ ખાતે વર્ષોથી કરવામાં આવતી ચામર-પત્રી વિધિ અંગે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે. તેઓ ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે પરંતુ તેઓ કોઈને અંગે નિયુક્ત કે આદેશ ન કરી શકે તેવો કોર્ટે હુકમ કર્યો છે. ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પત્રિવિધીનો એકમાત્ર અધિકાર કચ્છના મહારાણીને 350 વર્ષથી ચાલી આવતી પત્રિવિધીના અધિકાર અંગેના વિવાદનો આવ્યો ચુકાદો 2010માં પણ પત્રી વિધિ માટે લખપત -દયાપરની કોર્ટમાં પણ સ્વ. પ્રાગમલજી ત્રીજા દ્વારા કરાઈ હતી. અપીલ ભુજની કોર્ટનો માતાના મઢની પતરી વિધિ બાબતે ઐતિહાસિક ચુકાદો મહિલા પુરુષ નો જેન્ડરભેદ ખતમ,આ ચુકાદો મહિલાઓની સમાનતા માટેનો છે.
આ સમગ્ર કેસ 26 સપ્ટેમ્બર 2009ના રોજ સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ નવરાત્રિ દરમ્યાન પતરી વિધિની પૂજા માટે માતાના મઢ ગયેલા તે સમયે ચાચરા કુંડ મધ્યે જતા પગથિયા ચડતી વખતે તકલીફ ઉભી થતાં તેઓ તેવી પરિસ્થિતિમાં બાકીની વિધિ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હોતાં તેમની સાથે રહેલ જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ કરવા માટે જણાવેલ. તે સમયે માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા દ્વારા આ વિધિ કરતા તેમને રોકેલ અને તેથી સૈકાઓથી ચાલી આવતી તે પતરી વિધિ સંપન્ન થયેલ નહીં.
દયાપરની કોર્ટ દ્વારા અસમર્થતતામાં આ પતરી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેવું ઠરાવેલ. ત્યારબાદ સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ દ્વારા આ બાબતે નખત્રાણાની કોર્ટમાં યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ દાવો નોંધાવેલ, જે દાવામાં ત્યારબાદ હનુવંતસિંહ મદનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જોરાવરસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા પણ પ્રતિવાદી તરીકે પાછળથી દાખલ થયેલા. ત્યારબાદ દયાપરની કોર્ટમાં આ દાવો તબદિલ થયેલ અને દયાપરની કોર્ટ દ્વારા 6 માર્ચ 2019ના રોજ ચુકાદો આપેલ અને આ ચુકાદા મુજબ સ્વ.મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ સ્વ. રાજવી મહારાવ મદનસિંહજીના મોટા પુત્ર તરીકે કરી શકશે તેવું ઠરાવેલ અને તેમની અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પતરી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેવું ઠરાવેલ તથા વધુમાં આવી વિધિ થાય તે બાબતે યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ મનાઈ હુકમ ફરમાવેલ.
સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવીએ દાખલ થવા અરજી કરી હતી. આ હુકમના સંદર્ભમાં દયાપર કોર્ટે એવું ઠરાવેલ કે, અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પતરી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેટલા પૂરતું હુકમ યોગ્ય ન હોતાં સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા ભુજની કોર્ટમાં અપીલ કરેલ અને આ જ હુકમને હનુવંતસિંહ મદનસિંહ જાડેજા દ્વારા પણ પડકારેલ. દયાપર કોર્ટના હુકમને બાકીના પક્ષકારોએ પડકારેલ નહીં. ત્યારબાદ હનુવંસિંહજી મદનસિંહ જાડેજા દ્વારા પોતે કરેલ અપીલ પાછી ખેંચેલ. દરમ્યાન સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છએ દાખલ થવા અરજી કરેલ, જે કોર્ટે મંજૂર કરેલ.
ત્યારબાદ પક્ષકારોને સાંભળી ભુજના દેશમા અધિક ડિસ્ટ્રીકટ જજ દ્વારા ચુકાદો આપી અપીલ અંશતઃ મંજૂર કરી અને ઠરાવેલ કે, આ પતરી વિધિ મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છએ જયાં સુધી પોતે હયાત હોય ત્યાં સુધી જાતે કરે તથા આ વિધિ અન્ય કોઈને ટ્રાન્સફર ન કરવાનું ઠરાવેલ તથા તમામ પ્રતિવાદીઓ વિરૂધ્ધ મનાઈ હુકમ ફરમાવેલ છે. કોર્ટ ઘ્વારા એ પણ નોધ્યું છે કે, હનુવંતસિંહ જાડેજા ધ્વારા આ ચામર તથા પતરી વિધિમાં છેલ્લા 30 વર્ષથી ભાગ લીધો નથી. વધુમાં જણાવેલ છે કે તેમનો આ વિધિ માટે કોઈ અધિકાર પણ નથી.
કોર્ટે જેન્ડર ભેદ રહ્યો નથી તેનો પણ ઉલ્લેખ કર્યો
આ ચુકાદામાં કોર્ટ દ્વારા પ્રતિપક્ષની એ પ્રકારની દલીલ કરેલ કે, મહિલાઓ આ પ્રકારની પતરી વિધિ કે પૂજા કરી શકે નહી તે અંગે ટીપ્પણી કરતા જણાવેલ કે, આ સાંભળીને કોર્ટને ખુબ જ શોક લાગેલ છે. વધુમાં કોર્ટે એવું પણ નોંધેલ તથા તારણ આપેલ કે, હાલમાં જયારે જેન્ડર ભેદ રહ્યો નથી તથા ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાએ કન્વેન્શન ઓન ધી એલીમીનેશન ઓફ ઓલ ફોર્મસ ઓફ ડિસ્ક્રિમીનેશન અગેઈન્સ્ટ વુમન (CEDAW) કે, જેને 1979માં યુએન જર્નલ એસેમ્બલીએ પણ એડોપ્ટ કરેલ છે તથા તમામ રાજયો પણ આ બાબતે યોગ્ય પગલા ભરાય તેની ખાતરી આપેલ છે ત્યારે મહિલાઓ પ્રત્યેનો ભેદ ન રહેવો જોઈએ એટલું જ નહીં તેમણે ભૂતકાળમાં રાની લક્ષ્મીબાઈએ પણ રાજ સંભાળેલું અને અગાઉની પ્રથા જેવી કે, સતી પ્રથા વગેરેને પણ નાબુદ કરેલ છે ત્યારે આ પ્રકારનો ભેદભાવ અયોગ્ય છે.
આ ચુકાદો મહિલાઓની સમાનતા માટેનો છે
વધુમાં કોર્ટે એ પણ નોંધ્યું છે કે, આ પૂજા આશાપુરા માતા સમક્ષની છે અને હાલના કેસમાં મહિલા જ માતા સામે આ પ્રકારની પૂજા કરવાની છે ત્યારે જો એક મહિલાને પૂજા કરતા રોકવું એ ખુબ જ ખોટો દાખલો બનશે. વધુમાં કોર્ટે નોંધ્યું છે કે, હાલના સંજોગોમાં માત્ર સરકાર નહીં પરંતુ તમામ નાગરિકો પણ સાથે મળીને આવા પ્રકારની પ્રથાને કે, વિચારને કે જેમાં મહિલાઓને સમાનતા ન મળતી હોય તે માટે આગળ આવવું જોઈએ તથા પ્રયત્ન કરવા જોઈએ. વધુમાં કોર્ટે સ્પષ્ટપણે અભિપ્રાય આપેલ છે કે, તમામે આ પૂજા માટે સપોર્ટ આપવો જોઈએ. આમ આ ચુકાદો મહિલાઓની સમાનતા માટેનો છે તથા વિધિઓના સંદર્ભમાં ઐતિહાસિક ચુકાદો બની રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે