સગા ભાઈએ સગપણને સાંકળે બાંધ્યું, ભૂકંપ બાદ પાગલ થયેલ યુવાનને 9 વર્ષ સુધી બાંધી રાખ્યો
Trending Photos
- નવ વર્ષનો સમયગાળો યુવક માટે બહુ પીડાદાયક રહ્યો હતો. જ્યારે ટ્રસ્ટના યુવાનોની ટીમ સ્થળ પર પહોંચી
- તેની પાસે પાણીની બોટલ કે જે છેલ્લે ક્યારે સાફ થઇ હશે તેની પણ ખબર નથી તેવી ગંદી હાલતમાં હતી
- યુવકની પાસે પાણી ભરેલું હતું અને રોટલી પણ ધૂળમાં રગદોળાતી હતી. આ રોટલી ઉપાડીને સચિન આરોગતો હતો
- શિયાળાની ઠંડીમાં સામાન્ય માણસ પણ થરથરી જાય, ત્યાં આ માનસિક બીમારને ખુલ્લામાં રખાતાં તે ઠારના કારણે બૂમો પાડતો
- તેનું સાંભળવાવાળું કોઇ નહોતું. એક સ્થિતિમાં રહીને તેના પગના, સ્નાયુઓ પણ જકડાઇ ગયા હતા
રાજેન્દ્ર ઠક્કર /કચ્છ :કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપે અનેક પરિવારોને તબાહ કરી નાખ્યા હતા. તો વળી કેટલાક એવા લોકો પણ હતા કે જેઓ પોતાનું સર્વસ્વ ગુમાઈ ચૂક્યા હતા. કેટલાકના માનસિક સંતુલન ખોરવાઇ ગયા હતા. આવો જ એક યુવાન કે જેણે માનસિક સંતુલન ગુમાવી દેતા તેના પરિવારજનોએ તેને સુખપર લઇ જઇને સાંકળથી બાંધી નાખ્યો હતો. જેનો નવ વર્ષ બાદ હવે છુટકારો થયો છે. ભૂજના લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને જાણ થતાં તેઓએ આ યુવાનના પરિવારજનોની મુલાકાત કરી હતી અને યુવકને સાંકળથી છોડાવ્યો હતો.
માનસિક સ્થિતિ ગુમાવેલ સચિનસિંહને બંને ભાઈઓ સાચવી ન શક્યા
સચિનસિંહ વાઢેર કે જેનો પરિવાર ભૂકંપ પહેલાં ભુજના સોનીવાડ વિસ્તારમાં રહેતો હતો. સચિનસિંહ પોતે પણ એક સમયે ભુજનો અવ્વલ દરજ્જાનો ક્રિકેટર કહેવાતો હતો. સચિનસિંહ વાઢેરનો એક ભાઇ પોલીસમાં, જ્યારે બીજો ભાઇ મજૂરી કરીને પેટિયું રળે છે. ભૂકંપ આવ્યો તેના દોઢેક વર્ષમાં જ સચિનસિંહની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી અને તે શહેરનાં રખડીને લોકોના વાહનોને પથ્થરો મારતો હતો. તેમજ તેણે અને લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. મજૂરી કરતા ભાઇએ થોડા વર્ષો સુધી તેની સેવા કરી હતી. પણ આખરે તે પણ આર્થિક રીતે તૂટી જતાં સચિનને લઈને પોતાના ગામ સુખપર ચાલ્યા ગયા હતા. માનસિક અસ્થિર બનેલા સચિનસિંહને સાંકળ વડે બાંધી નાંખ્યો હતો. તેને બે ટાઇમ જમવાનું અને પાણી આપવામાં આવતું હતું. તે સિવાય તેની કોઇ જ દરકાર કરવામાં આવતી નહોતી.
આ પણ વાંચો : સુરતના બંગલાઓમાં બને છે પોર્ન ફિલ્મો, મુંબઈના બહુચર્ચિત પોર્ન રેકેટમાં તનવીરની ધરપકડ
9 વર્ષ બાદ સચિનસિંહને સાંકળના બંધનમાંથી મુક્ત કરાવાયો
જોકે, ભાઇની પણ આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હતી તેથી બીજી વ્યવસ્થા તો શું કરી શકે ? તેમ છતાં પણ તેણે ભાઈ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. સચિનસિંહને કપડાં પહેરવાનું તો ભાન હતું જ નહીં તેથી તે નિર્વસ્ત્ર જેવી હાલતમાં ક્યારેક સૂનમૂન તો ક્યારેક હસતો બેસી રહેતો. આ દરમ્યાન લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીને આ બાબતની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક સુખપર દોડી ગયા હતા. તેમણે સચિનસિંહના ભાઈ સાથે મુલાકાત કરી અને માનવ અધિકારના કાયદા વિશેની વિસ્તૃત સમજ આપીને સચિનસિંહને સાંકળના બંધનમાંથી મુક્ત કરાવ્યો હતો.
કચ્છની કડકડતી ઠંડીમાં યુવકને ખુલ્લામાં બંધાયો હતો
આસપાસના રહેવાસીઓએ હેમેન્દ્ર જણસારીને જણાવ્યું કે, સચિનસિંહ બહુ દુ:ખી રહેતો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં સામાન્ય માણસ ઘરમાં હોવા છતાં પણ થરથરી જતો હોય છે, ત્યારે આ માનસિક બીમારને ખુલ્લામાં રખાતાં તે ઠારના કારણે બૂમો પાડતો હતો. પરંતુ તેનું સાંભળવાવાળું કોઇ નહોતું. એક સ્થિતિમાં રહીને તેના પગના, સ્નાયુઓ પણ જકડાઇ ગયા હતા. હવે તે સુખી થઇ જશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.
પરિવારજનોએ સાંકળથી બાંધીને ચાવી પણ ખોઈ નાંખી હતી
સચિનસિંહને કોઇ વાતનો આઘાત લાગ્યો હોય અને માનસિક સંતુલન ગુમાવ્યું હતું. તેમના માટે આ નવ વર્ષનો સમયગાળો બહુ પીડાદાયક રહ્યો હતો. જ્યારે ટ્રસ્ટના યુવાનોની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે તેની પાસે પાણીની બોટલ કે જે છેલ્લે ક્યારે સાફ થઇ હશે તેની પણ ખબર નથી તેવી ગંદી હાલતમાં હતી. જેમાં પાણી ભરેલું હતું અને રોટલી પણ ધૂળમાં રગદોળાતી હતી. આ રોટલી ઉપાડીને સચિન આરોગતો હતો. સચિનસિંહ વાઢેરને નવ વર્ષ સુધી જે સાંકળથી બાંધવામાં આવ્યો હતો તેને ગ્રાઇન્ડરની મદદથી તોડવામાં આવી હતી. કેમ કે તેના પરિવારજનોએ સાંકળમાં લગાવાયેલા તાળાની ચાવી ખોઈ નાખી હતી. આ ઉપરાંત એના શરીરમાંથી ભારે દુર્ગધ આવતી હતી. જેના પરથી લાગી રહ્યું હતું કે તેણે ઘણા સમયથી સ્નાન પણ કર્યું નહોતું. આમ એક યુવાનને સેવાભાવીના સંગઠનના મદદથી 9 વર્ષે સાંકળની જંજાળમાંથી મુક્ત કરાયો હતો. કચ્છના ગોઝારા ભૂકંપની યાદોને અલવિદા કરી હતી. સચિનસિંહને મુક્ત કરાયા બાદ તેને માનસિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ રૈન બસેરા આશ્રમમાં રાખવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે