વિવાદો બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. રાજેન્દ્ર ખીમાણીએ આપ્યું રાજીનામું
યુજીસીએ ગેરલાયક ઠેરવ્યા બાદ અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીએ આજે પોતાનું રાજીનામુ આપી દીધુ છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદઃ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા ઘણા સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આજે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડો. રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામુ આપી દીધુ છે. વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણુકને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આગામી 17 ફેબ્રુઆરી સુધીમાં રાજેન્દ્ર ખીમાણીને કુલનાયક પદેથી હટાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
યુજીસી દ્વારા નિમણુંક ગેરકાયક ઠેરવવામાં આવી હતી
હાઈકોર્ટના આદેશ બાદ 17 ફેબ્રુઆરી પહેલા રાજેન્દ્ર ખીમાણીએ આજે કુલપતિ આચાર્ય દેવવ્રતને રાજીનામુ આપી દીધું છે. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે ખીમાણીના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી ખીમાણીના વહીવટો અને ગુજરાત વિદ્યાપીઠ સતત ચર્ચામાં રહી હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ખીમાણીની નિમણુંક ગેરલાયક ઠેરવ્યા બાદ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે યુજીસીએ જે ભલામણ કરી તે યોગ્ય છે અને વિદ્યાપીઠને તે પ્રમાણે કાર્યવાહી કરાવવા જણાવ્યું હતું.
પ્રોફેસર ભરત જોશીને સોંપાયો ચાર્જ
રાજેન્દ્ર ખીમાણીના રાજીનામા બાદ કાયમી કુલનાયકની નિમણુંક ન થાય ત્યાં સુધી વિદ્યાપીઠના પ્રોફેસર ભરત જોશીને કુલનાયકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત ખીમાણીને હટાવવાની કાર્યવાહી કરે તે પહેલા તેમણે રાજીનામુ આપી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે