અલ્પેશ અને ધવલ ઝાલાના રાજીનામા બાદ વિધાનસભામાં કયા પક્ષની કેટલી બેઠકો જાણો...

કોંગ્રેસની સીટ પર ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે વિધાનસભામાં પાર્ટીઓની સ્થિતિ બદલાઈ ગઈ છે. 
 

અલ્પેશ અને ધવલ ઝાલાના રાજીનામા બાદ વિધાનસભામાં કયા પક્ષની કેટલી બેઠકો જાણો...

હીતલ પારેખ/બ્રીજેશ દોષી(ગાંધીનગર): કોંગ્રેસની સીટ પર ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે વિધાનસભામાં પાર્ટીઓની સ્થિતિ બદલાઈ ગઈ છે. 

અલ્પેશ ઠાકોરે આ અગાઉ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં પણ અલ્પેશે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી, જેના કારણે કોંગ્રેસ પાર્ટી દ્વારા અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે વિધાનસભા અધ્યક્ષને અરજી આપવામાં આવી હતી. જોકે, વિધાનસભા અધ્યક્ષ દ્વારા અલ્પેશ ઠાકોર સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. 

શુક્રવારે યોજાયેલી રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટેની પેટાચૂંટણીમાં પાર્ટીના વ્હિપની વિરુદ્ધ જઈને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ભાજપના ઉમેદવારોને પોતાનો મત આપ્યો હતો. જોકે, ક્રોસ વોટિંગ કર્યા પછી આ બંનેએ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાની સાથે જ રાજ્ય વિધાનસભામાં વધુ બે બેઠકો ખાલી પડી છે.

અલ્પેશ-ધવલના રાજીનામા પછી વિધાનસભાની સ્થિતિ
ભાજપ -100
કોંગ્રેસ -69
BTP - 2
NCP - 1
અપક્ષ - 1

કુલ 9 બેઠક ખાલી 
આમ, રાજ્ય વિધાનસભામાં હવે કુલ 9 બેઠક ખાલી પડી છે. જેમાંથી બે બેઠકમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કોંગ્રેસના જશા બારડ અને પ્રભુ માણેકની બેઠક અંગે કોર્ટમાં કેસ ચાલુ છે. એટલે હવે આગામી 6 મહિનામાં ગુજરાત વિધાનસભામાં ખાલી રહેલી 7 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. 

ક્રોસ વોટિંગ પછી પણ લડી શકાય ચૂંટણી
એક પાર્ટીમાં રહીને બીજી પાર્ટીના ઉમેદવારને મત આપવાને ક્રોસ વોટિંગ કહેવાય છે. તેમાં પણ પાર્ટીએ જ્યારે વ્હીપ જારી કર્યું હોય ત્યારે વ્હીપની વિરુદ્ધમાં મતદાન કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અહેમદ પટેલની રાજ્ય સભાની ચૂંટણી દરમ્યાન 8 લોકોએ ક્રોસ વોટીંગ કર્યું હતું. એ સમયે ક્રોસ વોટિંગ કરનારા લોકોમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, શંકરસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ભોળાભાઈ ગોહિલ, અમિત ચૌધરી, મહેન્દ્રસિંહ વાઘેલા અને કરમસી પટેલનો સમાવેશ થાય છે. 

જોકે, કોંગ્રેસે ક્રોસ વોટિંગ કરનારા આ ધારાસભ્યો સામે જે-તે સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી. પ્રાપ્ત માહિતી મુજબ ક્રોસ વોટીંગ કર્યું હોવા છતાં પણ ચૂંટણી લડી શકાય છે.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news