મહેસૂલી સેવાઓના ડિજિટલાઇઝેશનથી દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો: કૌશિક પટેલ

રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક નિર્ણયો અને મહેસૂલી સેવાઓનું ડિજિટલાઇઝેશન કરવાને પરિણામે લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે

મહેસૂલી સેવાઓના ડિજિટલાઇઝેશનથી દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો: કૌશિક પટેલ

બ્રિજેશ દોશી/ અમદાવાદ: મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક નિર્ણયો અને મહેસૂલી સેવાઓનું ડિજિટલાઇઝેશન કરવાને પરિણામે લોકડાઉન બાદ રાજ્યમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને છેલ્લા સાત માસ દરમિયાન 5,16,509 દસ્તાવેજોની નોંધણી થઇ છે. સ્ટેમ્પ ડયુટી પેટે રુપિયા 2710 કરોડ અને નોંધણી પેટે રુપિયા 389 કરોડ એમ કુલ મળીને રુપિયા 3099 કરોડની આવક થઈ છે.

મહેસૂલ મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોવિડ-19 (કોરોના) મહામારીના કારણે લાગુ થયેલ લોકડાઉન બાદ રાજ્યમાં તા. 24મી એપ્રિલ 2020ના રોજ પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારની કુલ- 98 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 11 મે 2020થી નગરપાલિકા વિસ્તારની 114 મળીને કુલ-212 સબ રજીસ્ટ્રાર કચેરીમાં અને તા. 1 જૂન 2020થી રાજયની તમામ 287 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

મંત્રીએ ઉમેર્યું કે, એપ્રિલ 2020ના છેલ્લા અઠવાડિયામાં દસ્તાવેજ નોંધણીની પ્રકિયા શરૂ કરાયા બાદ સ્થાનિક પ્રતિબંધો, કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં લાગુ પ્રતિબંધો, મર્યાદિત વાહન વ્યવહાર છુટ અને કોરોનાના ડરના કારણે શરૂઆતના એપ્રિલ, મે અને જુન 2020માં નોંધણી થયેલ દસ્તાવેજોની સંખ્યામાં, સ્ટેમ્પડ્યુટી તથા નોંધણી ફીની આવક ઓછી રહેવા પામી હતી. જુલાઈ અને ઓગસ્ટ 2020માં અગાઉના નાણાંકીય વર્ષ 2019-20ના માસની સરખામણીમાં દસ્તાવેજની સંખ્યા, સ્ટેમ્પડ્યુટી તથા નોંધણી ફીની આવકમાં નજીવો ઘટાડો રહેવા પામ્યો હતો. જયારે સપ્ટેમ્બર તથા ઓકટોબર 2020માં અગાઉના સપ્ટેમ્બર અને ઓકટોબર 2019ની તુલનાએ દસ્તાવેજની સંખ્યામાં 23 %નો અને આવકમાં 7.4 %નો વધારો થયો છે. જેથી હાલ મંદીનું વાતાવરણ રાજ્યમાં જોવા મળતું નથી.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગ દ્વારા નાગરિકોને ઘેર બેઠા સેવાઓ ઉપલબ્ધ કરાવવાના અભિગમને સાકાર કરવા અત્રેના તાબાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધાતા દસ્તાવેજોની ઈન્ડેક્ષ-૨ તથા ઈન્કમ્બરન્સ સર્ટીફીકેટ (બોજા પ્રમાણપત્ર) નાગરિકો ઘેર બેઠા મેળવી શકે તેવી સુવિધા iORA પોર્ટલ ઉપર તા. 09/09/2020થી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાના લીધે ઇન્ડેક્ષ-2 અને બોજા પ્રમાણપત્રની 32,248 નકલો છેલ્લા બે માસમાં ઘરે બેઠા નાગરિકોને પહોંચાડાઇ છે જેનાથી રુપિયા 1.42 કરોડની આવક રાજ્ય સરકારને થઇ છે.

મંત્રી જણાવ્યું હતું કે, રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ ઘસારા માટે તાકીદે વ્યવસ્થા કરવા માટે રાજય સરકારે દસ્તાવેજ નોંધણીના બે સ્લોટ વચ્ચેના સમયમાં ઘટાડો કરીને 10 મિનિટનો સમય કરતાં હવે ૨૫ દસ્તાવેજની જગ્યાએ 35 દસ્તાવેજની નોંધણી પ્રતિદિન થઈ શકે છે. તા. 5મી ઓગસ્ટ 2020થી તમામ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે દસ્તાવેજ નોંધણી માટે સાંજે 05:00થી 07:00 કલાક સુધીનો વધારાનો સમય પણ ફાળવવામાં આવ્યો છે. જયારે વધારે ઘસારો રહેતી રાજયની 27 જેટલી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટેનો સમય વધારી સવારે 10:30થી રાત્રિના 09:00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે તેમજ રાજય સરકારે આત્મનિર્ભર યોજનાના મોર્ગેજના દસ્તાવેજ માટે સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીની માફી આપેલ છે.

મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, કોરોનાના આ કપરા કાળમાં સંક્રમણ વધે નહીં અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા કરવા ઓનલાઈન ઈ-પેમેન્ટ સિસ્ટમ શરૂ કરાઈ છે જે ખૂબ જ સફળ રહી છે. તા. 24 એપ્રિલ 2020થી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા અંતર્ગત નોંધણી ફી ફરજીયાત ઓનલાઈન ઈ-પેમેન્ટથી કરવા તથા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. જયારે સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી ઈ-પેમેન્ટ, ઈ-સ્ટેમ્પીંગ તથા ફેન્કીંગ દ્વારા કરવામાં આવે છે.

કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત રાજ્ય સરકારે લીધેલા હકારાત્મક તથા જનહિત લક્ષી નિર્ણયોથી અરજદારોને સમય તથા નાણાંનો બચાવ થશે તેમજ મહેસૂલી સેવાઓના ડિઝીટલાઇઝેશન કરવાને પરિણામે મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારાની સાથે સાથે આ સુવિધાનો લાભ લોકોને સરળતાથી મળશે તેવું મંત્રીએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news