કસુંબીનો રંગ ગાતા-ગાતા કે. રાજેશે ગુજરાત અને ગુજરાતીઓના તમામ પ્રકારના રસ નિચોવી લીધા, કરોડોનું કૌભાંડ
ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશની ઓફીસ અને નિવાસસ્થાને આજે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. જેમાં તેમના પર થયેલા અનેક કૌભાંડ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે તપાસ કરવામાં આવી હતી.
Trending Photos
ગાંધીનગર : ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશની ઓફીસ અને નિવાસસ્થાને આજે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. જેમાં તેમના પર થયેલા અનેક કૌભાંડ અને ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે તપાસ કરવામાં આવી હતી. કે. રાજેશ પર હથિયારના પરવાન આપવા માટે લાખો રૂપિયાની ઉઘરાણી ઉપરાંત સરકારની કરોડો રૂપિયાની જમીન બારોબાર પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો અને ભુમાફીયાઓને પધરાવી દેવાના આક્ષેપ સાથે અરજી થઇ હતી. ત્યાર બાદ સીબીઆઇ દ્વારા ગુજરાત સરકાર પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. આ અંગે ગુજરાત સરકારે પણ પોતાની રીતે તપાસ કરી અને તેમાં તથ્ય હોવાનું લાગતા સીબીઆઇને લીલીઝંડી આપી હતી. અઢી મહિના પહેલા જ સીબીઆઇને તપાસ સોંપાઇ ગઇ હતી. સીબીઆઇ તમામ પ્રકારનાં તેમના વ્યવહારોના અભ્યાસ બાદ આજે રાજેશનાં તમામ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાંથી તેના ખાસ કહેવાતા અને રાજેશનો તમામ વહીવટ સંભાળતા રફીક મેમણની પણ સીબીઆઇએ ધરપકડ કરી લીધી હતી. કે.રાજેશનાં સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરત અને આંધ્રપ્રદેશના તેમના ઘરે રાજામુંદ્રીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકવાર સીબીઆઇ તપાસ શરૂ કરે ત્યાર બાદ રાજ્ય સરકારના હાથમાં કંઇ જ રહેતું નથી. હવે કે.રાજેશનું ભવિષ્ય સીબીઆઇના હાથમાં છે. રાજ્ય સરકાર ઇચ્છે તો પણ આમાં કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરી શકશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ એસીબીમાં પણ કે. રાજેશ વિરુદ્ધ અનેક અરજીઓ થઇ હતી. જો કે પૂર્વ સરકારનાં એક દિગ્ગજ મંત્રીનો કે.રાજેાશ પર કથિત હાથ હોવાથી કોઇ કાર્યવાહી થઇ નહોતી. જે હથિયારના પરવાના માટેના ગૃહવિભાગમાં અભિપ્રાય માટે કે.રાજેશ 5 લાખ ઉઘરાવતા હતા તે જ ગૃહવિભાગમાં તેમની ઉચ્ચ અધિકારી તરીકે બદલી થતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જો કે સરકાર બદલાતાની સાથે જ કે.રાજેશનાં દિવસો પણ બદલાયા હતા.
લાંચ લેવાના કેસમાં ચોંકાવનારી બાબત તો એ છે કે, કલેક્ટર કક્ષાના અધિકારી હોવા છતા પણ હથિયાર માટે અરજી આપનારા વ્યક્તિઓ પાસે લાંચ ઉપરાંત પોતાને કપડા લઇ આપવાની અને તેલના ડબા મોકલવા માટેની તથા માલિશ માટે તલનું તેલ મોકલવા જેવી અલગ અલગ માંગણીઓ તો કરતા જ રહેતા હતા. સુરેન્દ્રનગરમાં જ તેણે માત્ર હથિયારના લાયસન્સ પેટે જ 80 લાખ રૂપિયાથી પણ વધારેની લાંચ લીધી હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે. કુલ 20 ફરિયાદીઓ છે જે તમામે દાવો કર્યો છે કે, 4 લાખ રોકડા અને એક લાખ રૂપિયાનો ચેક લેતા હતા. જો કે આ અંગે અમે કે.રાજેશનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓનો નંબર બંધ આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે