જુનાગઢના દિવાન બનાવવાની પાકિસ્તાનની હરકતને લોકોએ મુંગેરીલાલ કે સપને ગણાવી
Trending Photos
- પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત
- સુલતાન એહમદને જૂનાગઢના દિવાન બનાવ્યા
- જૂનાગઢના નવાબના વંશજ છે સુલતાન એહમદ
- ચાર દિવસ અગાઉનો વીડિયો થયો વાઈરલ, ટ્વિટર પર પોસ્ટ પણ કરવામાં આવી
- જૂનાગઢ વિશે પૂર્વ નવાબના વંશજોએ પાક. તરફી વલણ અપનાવ્યું
- પાકિસ્તાન તરફથી થતાં વલણને લઈને જૂનાગઢની જનતામાં નારાજગી
ઝી મીડિયા/બ્યૂરો :પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. સુલતાન એહમદને જૂનાગઢના દિવાન બનાવી દેવાયા છે. સુલતાન અહેમદ જૂનાગઢના નવાબના વંશજ છે. ચાર દિવસ અગાઉનો વીડિયો પણ વાઈરલ થયો છે અને ટ્વિટર પર પોસ્ટ પણ કરવામાં આવી છે. જૂનાગઢ વિશે પૂર્વ નવાબના વંશજોએ પાકિસ્તાન તરફી વલણ અપનાવતાં જૂનાગઢની જનતામાં નારાજગી જોવા મળી છે.
પાકિસ્તાને ફરી એકવાર જૂનાગઢને લઈને હાસ્યાસ્પદ વલણ અપનાવ્યું છે. કરાંચીમાં રહેતાં જૂનાગઢના પૂર્વ નવાબ મહોબતખાનજી ત્રીજાના વંશજ મોહંમદ જહાંગીરખાને પોતાના પુત્ર સાબહજાદા સુલતાન અહેમદને પોતે જ જૂનાગઢના વઝીરે આઝમ એટલે કે પ્રધાનમંત્રી બનાવી દીધા છે. ઓફીશ્યલ રેકોગ્નિશન સેરેમની ઓફ દિવાન જૂનાગઢ સ્ટેટના બેનર સાથે પાકિસ્તાનમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોહંમદ જહાંગીરખાને પોતાના પુત્રને આ પદવી આપતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સુલતાન અહેમદ પોતાના ભાષણમાં જૂનાગઢ પાકિસ્તાનનું હોવાનું જણાવે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન પહોંચ્યું
સુલતાન અહેમદ જૂનાગઢનો કેસ કાયદાકીય અને રાજકીય હોવાનું જણાવી જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો હોવા અંગે દુનિયાનું ધ્યાન ખેંચવા માંગતા હોય તેમ પણ જણાય છે અને મૂળ જૂનાગઢના વતની હોય તેવા 25 લાખ લોકો રહેતા હોવાનો દાવો પણ કરાયો છે.
વીડિયોમાં સુલતાન અહેમદ જણાવે છે કે, ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા સર શાહનવાઝખાન ભુટ્ટો બાદ હવે તેઓ પોતે જૂનાગઢના દિવાન તરીકે બાગડોર સંભાળી છે અને પોતે જૂનાગઢના પ્રશ્ને દુનિયાનું ધ્યાન દોરશે. જુનાગઢ કોઈ અલગાવવાદી ચળવળ નથી, પરંતુ તેના પર લશ્કરી બળથી ભારતે કબ્જો મેળવી લીધો હોવાનું તેઓ જણાવે છે.
પાકિસ્તાન અને નવાબના વંશજો તરફથી થયેલ આ પ્રકારના વલણને લઈને જૂનાગઢવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોના મતે જૂનાગઢ પહેલાં પણ ભારતનું અભિન્ન અંગ હતું અને રહેશે. પાકિસ્તાનની આ હરકતને લોકો મુંગેરીલાલ કે સપને ગણાવે છે. જાણકારોના મતે આઝાદી અને ત્યારપછીના સમયમાં કાયદાકીય રીતે અને ઐતિહાસિક પુરાવા રૂપે પણ જૂનાગઢ ભારતનો હિસ્સો છે. પાકિસ્તાનનો જૂનાગઢ માટેના દાવાને જનતા હાસ્યાસ્પદ ગણાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે