જુનાગઢવાસીઓએ પાકિસ્તાનને સંભળાવી દીધું, જુનાગઢ પોતાનું હોવાના સપના જોવાનું છોડી દે
Junagadh Independence Day :
Trending Photos
Junagadh News : 9 નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદી દિવસ અને જૂનાગઢની આઝાદીનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. જૂનાગઢને આઝાદ કરવા આરઝી હુકુમતની સ્થાપના કરાઈ હતી. દેશની આઝાદીના અઢી મહિના પછી જૂનાગઢ આઝાદ થયું અને જૂનાગઢ આઝાદ થયાને ત્રણ મહિના પછી આઝાદ ભારતનું પ્રથમ મતદાન પણ થયું હતું. ત્યારે દર વર્ષે શહેરીજનો દ્વારા જુનાગઢ દિવસની ઉજવણી કરાય છે. ત્યારે છાશવારે જુનાગઢને પોતાનો ભાગ ગણાવતા પાકિસ્તાનને આજે જુનાગઢવાસીઓએ સંભળાવી દીધું.
જુનાગઢના બહાઉદ્દીન કોલેજ ખાતે ધારાસભ્ય સંજય કોરડીયા, કમિશ્નર ઓમ પ્રકાશે જુનાગઢની તક્તીનું પૂજન કર્યું. આ પ્રસંગે સાધુ સંતો પણ ખાસ પૂજન માટે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડીયાએ કહ્યું કે, પાકિસ્તાન જૂનાગઢ પોતાનું હોવાના સપના જોવાનું છોડી દે. 77 આઝાદીના પર્વની યાદ આપતા વિજય સ્તંભનું ટુંક સમયમાં નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત જુનાગઢમાં આઝાદીના પર્વ નિમિતે બહાઉદ્દીન કોલેજ હોલમાં આઝાદીની યાદ અપાવતી રંગોળીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સાંજે 7 વાગે શહેરમાં આતશબાજી પણ કરવામાં આવશે.
જુનાગઢની સ્વતંત્રતા કેમ ભારત કરતા અલગ
ભારત દેશ આઝાદ થયો ત્યારે 562 દેશી રજવાડા હતા. 15 ઓગષ્ટ ભારતનો આઝાદી દિવસ છે પરંતુ પાંચ મહિના અગાઉ ભારતને આઝાદ કરવાનું નક્કી થઈ ગયું હતું. ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્રતાનો કાયદો ઘડાયો, તે ધારા અનુસાર હિન્દુસ્તાનના તમામ રજવાડાઓને ભારતમાં અથવા પાકિસ્તાનમાં જોડાવા નક્કી કરવા ફરમાન કરાયું હતું. જેમાં ભારતના ત્રણ રાજ્યોએ અનોખો ઈતિહાસ રચી દીધો. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ. જૂનાગઢમાં તે સમયે નવાબ મહોબતખાનજી ત્રીજાનું શાસન હતું, જૂનાગઢના નવાબ મહોબતખાનજી એક પ્રજા વત્સલ રાજવી હતા પરંતુ કોઈ કારણોસર તેઓએ દિવાન શાહનવાઝ ભુટ્ટો, ભોપાલ બેગમ અને ઈસ્માઈલ અબ્રેહાની ના દબાણ થી જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી નાખ્યું.
દેશ આઝાદ થયો, પણ જુનાગઢ ન થયું
આ તરફ ભૌગોલિક રીતે પણ સંભવ ન હોય તેવા જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને લઈને ભારત સરકાર પણ ચિંતામાં હતી. દેશ આઝાદ થઈ ગયો પરંતુ જૂનાગઢ આઝાદ ન હતું, 24 સપ્ટેમ્બર 1947 ના રોજ મુંબઈ ખાતે માધવબાગમાં જૂનાગઢની આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના થઈ, કનૈયાલાલ મુન્શીએ તેનું જાહેરનામું તૈયાર કર્યું, ત્રણ મોરચે લડવાનું નક્કી કરાયું, પ્રચારાત્મક મોરચો, લશ્કરી મોરચો અને આર્થિક મોરચો.
આરઝી હકુમતના લશ્કરી મોરચાની વાત કરીએ તો તેમાં 222 ગોરખા સૈનિકો, નવાબની પોલીસે છુટા કરેલા 30 પોલીસમેનો, સુભાષબાબુની આઝાદ હિંદ ફૌજના 6 જવાનો વગેરે મળીને ત્રણ થી સાડા ત્રણ હજારની એક લોકસેના તૈયાર થઈ હતી જેનું લક્ષ્ય જૂનાગઢની આઝાદીનું હતું. આરઝી હકુમતને ગાંધીજીના આશિર્વાદ મળ્યા અને શામળદાસ ગાંધીએ આગેવાની લીધી, સૌરાષ્ટ્ર મેઈલમાં તેઓ રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને તે સમયનો જૂનાગઢનો ઉતારો કે જે રાજકોટનું આજનું સર્કીટ હાઉસ છે તેનો કબ્જો કર્યો, ત્યારબાદ 24 ઓક્ટોબર 1947 ના રોજ અમરાપુર ગામ જીત્યું અને ત્યારે નવાબ પાકિસ્તાન જતા રહ્યા ત્યારબાદ આરઝી હકુમતે 106 ગામ કબ્જે કર્યા.
9 નવેમ્બરે ભારતનું લાશ્કર જુનાગઢમાં પ્રવેશ્યું હતું અને ભારતનો ઝંડો લહેરાવ્યો
જૂનાગઢના નવાબે પાકિસ્તાનથી તેમના દિવાનને તાર કર્યો કે તમે ભારતનું શરણ સ્વીકારી લો, નવાબે મોકલેલો એ તાર આજે પણ દિલ્હીની અભિલેખાગાર કચેરીમાં મોજુદ છે. 8 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢના નાયબ દિવાન કેપ્ટન હાર્વે જોન્સ શરણાગતિ પત્ર સાથે રાજકોટ પ્રાદેશિક કચેરીએ પહોંચ્યા અને શરણાગતિ સ્વીકારી, 9 નવેમ્બર 1947 ની સાંજના મજેવડી દરવાજામાંથી ભારતનું લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને ઉપરકોટના કિલ્લા પર ઝંડો ફરકાવ્યો અને જૂનાગઢ આઝાદ થયું.
સરદારે કરી હતી જાહેરસભા
જૂનાગઢની જનતાનો આભાર વ્યક્ત કરવા સરદાર પટેલ જૂનાગઢ આવ્યા અને 13 નવેમ્બર 1947 ના રોજ બહાઉદ્દીન કોલેજમાં જાહેરસભા કરી હતી. દેશ આઝાદ થયો, જૂનાગઢ પણ આઝાદ થયું સાથે જૂનાગઢની જનતાને ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં તેના માટે મતદાન કરવામાં આવ્યું . 20 ફેબ્રુઆરી 1948 ના રોજ મતદાન કરાયું જેમાં 190779 મત ભારતને મળ્યા અને માત્ર 91 મત પાકિસ્તાનને મળ્યા હતા, આ મતદાનની યુનોને પણ જાણ કરાઈ હતી. આઝાદ ભારતનું કદાચ આ પ્રથમ મતદાન હતું.
જૂનાગઢ થી સરદાર પટેલ સોમનાથ ગયા હતી. જ્યાં સોમનાથ મંદિરની જર્જરીત હાલત જોઈને તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું અને સમુદ્ર કિનારે જઈ હાથમાં સમુદ્રજલની અંજલી લઈ સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ કર્યો. જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહજીએ સોમનાથ મંદિરના નિર્માણ માટે એક લાખ અને શામળદાસ ગાંધીએ આરઝી હકુમત વતી 51 હજાર રૂપીયાના ફાળાની જાહેરાત કરી હતી. આમ હાલના સોમનાથ મંદિરના નિર્માણમાં જૂનાગઢની આરઝી હકુમતનો અમુલ્ય ફાળો છે. .
જૂનાગઢમાં આરઝી હકુમત સાથે જોડાયેલા સ્મારકો આજે પણ મોજુદ છે, મજેવડી દરવાજો, ઉપરકોટનો કિલ્લો, બહાઉદ્દીન કોલેજ વગેરે ઐતિહાસિક ઈમારતો આરઝી હકુમતની યાદ તાજી કરાવે છે, દર વર્ષે 9 નવેમ્બરના રોજ આરઝી હકુમત જૂનાગઢ આઝાદી દિવસની ઉજવણી થાય છે. વર્ષ 1997 માં તત્કાલીન મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડમાં આરઝી હકુમતનું સ્મારક બનાવવા શિલાન્યાસ કર્યો હતો, પરંતુ બે દાયકા જેવો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી જૂનાગઢમાં આરઝી હકુમતનું એક પણ સ્મારક નિર્માણ પામ્યું નથી.
જૂનાગઢના શાસકોએ આ અંગે અનેક રજૂઆતો કરી છે અને હાલ પણ તેમના પ્રયાસો ચાલુ છે. બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સ્મારક બનાવવું સંભવ નથી, ત્યારે શહેરના આઝાદ ચોક નજીક આવેલ એ.જી. સ્કુલ કે જે પાંચ દાયકાથી બંધ છે અને ખંઢેર થઈ ગઈ છે તે જગ્યાએ આરઝી હકુમતનું સ્મારક બનાવવામાં આવે તેવી લોકોની રજૂઆત છે, તેમના મતે સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે અને તેમને અપેક્ષા છે કે આરઝી હકુમતનું સ્મારક બનશે, પરંતુ હાલ તો આરઝી હકુમતને લઈને તંત્રની ઉદાસિનતા જૂનાગઢવાસીઓ માટે કમનસીબી જેવી સ્થિતી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે