તમારી દીકરીને વિદેશમાં પરણાવતા પહેલા ચેતજો! પોર્ટુગલમાં ફસાઈ વડોદરાની જિનલ વર્મા, સામે આવી કાળી હકીકત
વડોદરાની જિનલ વર્માને પોર્ટુગલમાં તેનો પતિ ત્રાસ આપતો હતો અને જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા હતા. જે અંગે રાજ્ય સરકારમાં રજુઆત બાદ ફસાયેલી જિનલને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વતન લાવવા મદદ કરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: NRI જીવનસાથીની ઈચ્છા રાખનારી યુવતી હોય કે પુત્રીને વિદેશી યુવક સાથે લગ્ન કરવાના સપના જોનારા માતાપિતા, દરેકને સભાન અને સતર્ક રહેવાની જરૂર છે. NRIની જીવનસાથી બનીને વિદેશ પહોંચેલી યુવતીઓની મુશ્કેલીની ભયાનક કહાણી તો અનેક વખત સામે આવી ચૂકી છે, તેમ છતાં લોકોની આંખ ઉઘડતી નથી. આજકાલ વિદેશ પરણાવવાની ઘેલછામાં અનેક ગુજરાતી યુવતીઓ વિદેશમાં પતિ દ્વારા તરછોડવામાં આવેલી, ખરાબ વર્તન અને શારીરિક ત્રાસ જેવી બાબતોનો શિકાર બનતી હોય છે, ત્યારે હાલ એક આવો જ કેસ સામે આવ્યો છે, જેમાં ગુજરાત સરકારના પ્રયાસથી પોર્ટુગલમાં ફસાયેલા વડોદરાની જિનલ વર્મા હેમખેમ રીતે પોતાના વતન પરત ફરી છે.
ગુજરાત સરકારની મદદથી જિનલ વર્મા ગુજરાત સહીસલામત પહોચતા તેમને વીડિયો સંદેશ મારફતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમના અંગત સચિવ સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના જિનલ વર્મા પોતાના પતિ સાથે પોર્ટુગલ ગયા હતા, જ્યાં થોડા દિવસ બધું બરાબર ચાલ્યા બાદ પતિ દ્વારા માનસિક અને શારીરિક હેરાનગતી શરૂ થઈ હતી. એટલું જ નહીં પતિએ જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ જપ્ત કરી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. વડોદરાની જિનલ વર્મા પોર્ટુગલમાં જાણે પોતાના પતિની નજરકેદમાં હોય તેવું જીવન વ્યતિત કરતી હતી.
પોર્ટુંગલમાં પતિના ત્રાસથી પીડિત દીકરીની વ્હારે આવી ગુજરાત સરકાર#Gujarat #Portugal #BreakingNews pic.twitter.com/fgdX71wqId
— Zee 24 Kalak (@Zee24Kalak) August 25, 2023
થોડા સમયમાં બધું મૂંગામોઢે સહન કર્યા બાદ જિનલે સમગ્ર ઘટનાની કહાની પિતાને જણાવી હતી. બાદમાં દુખી દીકરીની હાલત જાણીને સમગ્ર પરિવાર ચિંતિત બન્યો હતો. પિતાને કોઈ રસ્તો સૂઝતો નહોતો, ત્યારે તેમણે સમગ્ર ઘટના અંગે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. જિનલને પરત વતન લાવવા માટે આજીજી કરી હતી. ત્યારબાદ ગુજરાત સરકારે આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાને લઈ તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી.
એક પિતાની રજૂઆતને ધ્યાને લઈ આ અંગેની અરજી પોર્ટુગલ ખાતે આવેલી ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને કરવામાં આવી હતી. ત્યારબાદ પોર્ટુગલ ખાતેની ભારતની એલચી કચેરીએ આ મામલે હકારાત્મક દાખવી તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. જેની રજૂઆતના યશપરિણામ સ્વરૂપે દીકરી ઘરે પરત ફરી છે. પોતાની વ્હાલસોયી દીકરી પાછી વતનમાં આવતા પરિવારમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને એરપોર્ટ પર લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતાં. ત્યારબાદ સમગ્ર પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે