IPL પ્લેયર ચેતન સાંકરિયાના પિતાનું કોરોનાથી નિધન, એક વર્ષમાં બે મોતથી પરિવાર આઘાતમાં

IPL પ્લેયર ચેતન સાંકરિયાના પિતાનું કોરોનાથી નિધન, એક વર્ષમાં બે મોતથી પરિવાર આઘાતમાં
  • એક વર્ષમાં ક્રિકેટર ચેતન સાંકરિયાના પરિવાર પર આવેલું આ બીજુ મોટું સંકટ છે, 15 જાન્યુઆરીના રોજ ચેતન સાંકરિયાના નાના ભાઈ રાહુલનું અવસાન થયું હતું

નવનીત દલવાડી/ભાવનગર :IPL ના રાજસ્થાન રોયલ્સના ખેલાડી અને ભાવનગરના વતની ચેતન સાકરીયાના પિતાનું નિધન થયુઁ છે. કોરોનાની સારવાર દરમ્યાન ચેતન સાંકરિયા (chetan sakariya) ના પિતા કાનજીભાઈ સાંકરિયાએ અંતિમ શ્વાસ લીધા હતા. ચેતન સાકરીયાના પિતાનો થોડા દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરની ખાનગી હોસ્પિટલમાં તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું મોત નિપજ્યુ છે. 

મેચ રદ થતા ચેતન પિતાને મળવા ગયો હતો   
આઈપીએલની ગેમમાં ચેતન સાંકરિયાએ પોતાના દામદાર પ્લેઈંગથી સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. હજી તો આઈપીએલથી તેના કરિયરની શરૂઆત જ થઈ છે, ત્યાં તેના પિતા કોરોનાગ્રસ્ત થયા હતા. કોરોનાના કેસ વધતા તાજેતરમાં જ આઈપીએલ મેચ રદ કરવામાં આવી હતી. જેથી ચેતન સાંકરિયા પોતાના બીમાર પિતાને મળવા જઈ શક્યો હતો. ચેતન સાંકરિયા રાજસ્થાન રોયલ્સ (rajasthan royals) માંથી રમતો હતો. 

આ પણ વાંચો : વડોદરાના કલેક્ટર હોવાની સાથે એક માતા પણ છે શાલિની અગ્રવાલ, 15 કલાકની ડ્યુટી પછીનો બધો સમય બાળકોને આપે છે 

ચેતને એક વર્ષમાં ભાઈ અને પિતાને ગુમાવ્યા 
જોકે, એક વર્ષમાં ક્રિકેટર ચેતન સાંકરિયાના પરિવાર પર આવેલું આ બીજુ મોટું સંકટ છે. 15 જાન્યુઆરીના રોજ ચેતન સાંકરિયાના નાના ભાઈ રાહુલનું અવસાન થયું હતું. તે સમયે ચેતન સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ રમી રહ્યો હતો, જેની જાણ ચેતનને કરવામાં આવી ના હતી. પરંતુ તે જ્યારે ભાવનગર ઘરે પરત ફર્યો ત્યારે આ અંગેની જાણ થઇ હતી. ભાઈના અવસાનથી દુઃખનો માહોલ પરિવારમાં હતો. જેના બાદ ચેતનની આઈપીએલમાં પસંદગી થઈ હતી. પરંતુ આઈપીએલ શરૂ થયા બાદ જ તેના પિતા કોરોનાના સપડાયા હતા. તેથી તેણે આઈપીએલનો પગાર પણ પોતાના પરિવારને મોકલી  આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2021 ના ઓક્શનમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા (chetan sakariya) ને રાજસ્થાન રોયલ્સની ટીમે 1.20 કરોડમાં ખરીદ્યો હતો. ભાવનગરનો યુવા ક્રિકેટર ચેતન સાકરિયાની મહેનત આખરે રંગ લાવી અને આઈપીએલ 2021 ના ઓક્શન (IPL 2021 Auction) માં રાજસ્થાન રોયલ્સ ટીમ દ્વારા બેઇઝ પ્રાઈઝ કરતા ૬ ગણી વધુ કિંમતે ખરીદી કરતા એટલે કે રૂ.૧.૨૦ કરોડની બોલી લાગતા ગરીબ પરિવારના આ પુત્રને જેકપોટ લાગ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news