ગુજરાતમાં હવે ઘરે ઘરે જઇને અપાશે કોરોનાની રસી, 750 ટીમ કરશે ચકાસણી

પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સીન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ ધરીને ઘરે ઘરે વેકસીન આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં આગામી ૧૫ દિવસમાં દરરોજ ૭૫૦ થી ૮૦૦ ટીમો બનાવી ૭૫ ગામોમાં જઇને વેક્સીનેશન કામગીરી હાથ ધરવામાં આવશે. 
ગુજરાતમાં હવે ઘરે ઘરે જઇને અપાશે કોરોનાની રસી, 750 ટીમ કરશે ચકાસણી

ગાંધીનગર : પ્રવક્તા મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સીન અમોધ શસ્ત્ર પુરવાર થઇ રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘર ઘર દસ્તક અભિયાન હાથ ધરીને ઘરે ઘરે વેકસીન આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં આગામી ૧૫ દિવસમાં દરરોજ ૭૫૦ થી ૮૦૦ ટીમો બનાવી ૭૫ ગામોમાં જઇને વેક્સીનેશન કામગીરી હાથ ધરવામાં આવશે. 
 
પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાગરિકોની સુખાકારી માટે અનેકવિધ નિર્ણયો કરાયા છે એ માટે મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ આપી દીધી છે. મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આગામી નવ દિવસમાં ઘરે ઘરે જઇને વેક્સીનેશનની કામગીરી હાથ ધરાશે. જેમાં દરેક જિલ્લામાં ૭૫ ટીમો બનાવાશે અને રોજના ૭૫ ગોમોને આવરી લેવાશે. તેમણે કહ્યુ કે, રાજ્યમાં ૬૫ લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી હતો તેમને શોધીને ૫૫ લાખ લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે અને બાકીના ૧૦ લાખ લોકોને સત્વરે બાકીનો ડોઝ આપી દેવાશે. 

રાજ્યમાં નાગરિકોને આરોગ્ય સવલત પુરી પાડવા માટે નિરામય યોજના કાર્યાન્વીત કરી છે. જે હેઠળ એક જ દિવસમાં ૬૬ હજારથી વધુ નાગરિકોનું સ્ક્રીનીંગ કરાયુ છે. ૨૦ હજારથી વધુ લોકોને લેબોરેટરીની સુવિધા આપી છે. ૫ હજારને હેલ્થ કાર્ડ અપાયા તથા ૧૪ હજાર લોકોને PMJAY-મા કાર્ડ એનાયત કરાયા છે. આગામી સમયમાં વધુને વધુ નાગરિકોનું સ્ક્રિનિંગ થાય એ માટે સમયબદ્ધ આયોજન કરાયુ છે. 

મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આવતીકાલથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા શરૂ થનાર છે. જે હેઠળ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેમદાવાદથી આ યાત્રાનો શુભારંભ કરાવાશે. આ ત્રણેય દિવસ યોજાનારી યાત્રામાં અંદાજે રૂા.૨૦૦૦ કરોડથી વધુ રકમના ૪૨ હજારથી વધુ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જે ગ્રામ્ય સ્તરે ઐતિહાસિક પૂરવાર થશે. 

પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યનું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા કે જયાં ખીણ વિસ્તાર છે ત્યાં રાજ્ય અને રાજય બહારથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે. તેમને અકસ્માતથી બચાવવા માટે રૂા.૧૦.૧૫ કરોડના ખર્ચે અત્યાધુનિક પદ્ધતિથી માર્ગ સુવિધાના કામો હાથ ધરાશે. એટલું જ નહિ ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ઘણા ગામો સંપર્કવિહોણા બને છે. તેવા સમયે બાળકોના શિક્ષણ પર પણ અસર થતી હોય છે. આવા ગામોમાં શિક્ષણ સુવિધા અટકે નહિ એ માટે અંદાજે રૂા.૧૦૦૦ કરોડથી વધુ રકમના કોઝ-વે નદીનાળા પરના બાયપાસના વિવિધ કામોની મંજૂરી આપી દેવાઇ છે.

જેમાં રૂા. ૪૬૧ કરોડના ખર્ચે કોઝ-વે તથા ૧૨ જિલ્લામાં ૪૫૨ કરોડના ખર્ચે બાયપાસના કામો હાથ ધરાશે. એ જ રીતે દર્દીઓને તકલીફ ન પડે એ માટે રૂા.૨૩૬ કરોડના નદીનાળા પરના બાંધકામ માટેના કામો પણ મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બનાવાઇ છે એ સંદર્ભે પણ ગુજરાત સરકારે રોડ મેપ તૈયાર કરી દીધો છે અને આગામી દશ વર્ષમાં તબક્કાવાર સંપૂર્ણ રીતે નીતિ અમલી બને એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news