હવે ખુલ્લેઆમ કચરો ફેંક્યો તો ખેર નહીં! આ કલમ હેઠળ તમારી મિલકત થશે સીલ, લોકોમાં ફફડાટ

એક સમયે ફૂલો અને અત્તરોની નગરી તરીકે ઓળખાતા પાલનપુર શહેરની હાલત નરકાગાર જેવી થઈ છે. પાલનપુરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગમાં ધકેલાયેલા પાલનપુરને હવે સ્વચ્છ અને સુંદર બનાવવા પાલનપુર નગરપાલિકાએ પહેલ કરી છે.

હવે ખુલ્લેઆમ કચરો ફેંક્યો તો ખેર નહીં! આ કલમ હેઠળ તમારી મિલકત થશે સીલ, લોકોમાં ફફડાટ

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં હવે કચરો તમે ખુલ્લેઆમ ફેંક્યો તો તમારી ખેર નહીં. જી હા પાલનપુરની નગરપાલિકા સ્વચ્છતાને લઇ નવા નિયમો સાથે સજજ થઈ છે. શહેરમાં ખુલ્લેઆમ કચરો ફેકનારા મિલકત માલિકો સામે પાલિકા સીઆરપીસી કલમ 133 સહીત મિલ્કતસીલ કરવા સુધીની કાર્યવાહી કરશે, જેને લઈને વેપારીઓ અને લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 

ગંદકી કરનારા શહેરીજનોમાં ફફડાટ પ્રસર્યો
એક સમયે ફૂલો અને અત્તરોની નગરી તરીકે ઓળખાતા પાલનપુર શહેરની હાલત નરકાગાર જેવી થઈ છે. પાલનપુરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગમાં ધકેલાયેલા પાલનપુરને હવે સ્વચ્છ અને સુંદર બનાવવા પાલનપુર નગરપાલિકાએ પહેલ કરી છે. પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા નવા નિયમો તૈયાર કરાયા છે. જે નિયમો અનુસાર હવે પાલનપુરમાં ખુલ્લેઆમ કચરો ફેકનારા લોકોની ખેર નથી. જો હવે શહેરમાં કોઈ ખુલ્લેઆમ કચરો ફેંકશે તો પાલિકા તે મિલ્કત માલીકોને સૌ પ્રથમ રૂપિયા 500 નો દંડ ફટકરશે. જો કે તે બાદ પણ મિલ્કત માલીક પાલિકાના નિયમોને નહીં અનુસરે તો પાલિકા મિલ્કત માલિકના નળ, ગટર ક્નેશન કાપવા સહીત મિલ્કત શીલ કરવા તેમજ સીઆરપીસી કલમ 133 હેઠળ ગુનો નોંધવાની પણ તૈયારીઓ દાખવતા ગંદકી કરનારા શહેરીજનોમાં ફફડાટ પ્રસર્યો છે.

ક્યાંક કેટલાક વેપારીઓ રોષ જોવા મળ્યો
જોકે પાલિકાએ નિયમો તૈયાર કરી દીધા છે અને શહેરીજનોને આ નિયમોની જાણ થાય તે હેતુસર પાલિકા દ્વારા રાત્રીના સમયે ઠેર ઠેર નિયમોના ઉલ્લેખ વાળા પોસ્ટરો પણ ચોંટાડવામાં આવ્યા છે. ગઈ મોડી રાત્રે પાલિકાની સેનિટેશન ટીમ દ્વારા 52 જેટલી જગ્યાઓ પર પોસ્ટર ચોંટાડી દેવાયા છે. જો કે આગામી સમયમાં 300 જેટલાં પોસ્ટર ચોટાડવાની પાલિકાની તૈયારીઓ છે. ત્યારે પાલિકાના નિયમોં જાણી કેટલાક શહેરીજનો અને વેપારીઓ ખુશ તો છે પરંતુ ક્યાંક કેટલાક વેપારીઓ રોષ પણ જોવા મળી રહ્યો છે.

પાલિકા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ટ્રેક્ટર
વેપારીઓનું કહેવું છે કે પાલિકાના નિયમો સારા છે અને અમને માન્ય છે પરંતુ આ માત્ર વેપારીઓ કે મિલકત ધારકોના અનુસરવાથી શહેર સ્વચ્છ નહિ બને પરંતુ પાલિકાએ પણ પોતાની સ્વચ્છતાની કામગીરી સુધારવી પડશે. વેપારીઓ દ્વારા આક્ષેપ કરાયા છે કે પાલિકા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ટ્રેક્ટર ફેરવે છે પરંતુ આ ટ્રેક્ટર નિયમિત આવતા નથી. તો વેપારીઓ સમયસર વેરો ભરે છે અને નિયમો પણ પાળે છે તો પાલિકા વેરો વસુલે છે તે પ્રમાણે પાલિકાએ કચરો ઉઠાવવાની કામગીરી પણ કરવી પડે. 

આ નિયમો બદલવા પડશે તે એક સવાલ
મહત્વની વાત છે કે પાલિકાએ જે નિયમો તૈયાર કર્યા છે તે નિયમોનું પાલન થાય તો શહેર સ્વચ્છ અને સુંદર બની શકે તેમ છે પરંતુ પાલિકા દ્વારા જે કડક નિયમો તૈયાર કરાયા છે તે નિયમોનું પાલન થશે કે પછી કોઈ મિલકત ધારક સામે કાર્યવાહી થતા પાલિકાને રાજકીય દબાણમાં આવી આ નિયમો બદલવા પડશે તે એક સવાલ છે જો કે અત્યારે તો પાલિકાના ચીફ ઓફિસર આ નિયમ બાદ કોઈપણ રાજકીય પ્રેશર નહીં આવે તેવી વાતો કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પાલિકાના આ નિયમોનું કેટલું પાલન થાય છે અને પાલનપુર શહેર ક્યારે સ્વચ્છ બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news