રૂપાળી મહિલાને જોઈને લલચાઈ ન જતાં બાકી બની જશો હની ટ્રેપનો શિકાર

આજકાલ હનીટ્રેપની ઘટનાઓ ખુબ વધી ગઈ છે. લોકોને ફસાવીને રૂપિયા પડાવવા માટે આવી ગેંગ ચાલી રહી છે. જેમાં મહિલા અને પુરૂષ બંને સામેલ હોય છે. અમદાવાદ પોલીસે આવી ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. 
 

રૂપાળી મહિલાને જોઈને લલચાઈ ન જતાં બાકી બની જશો હની ટ્રેપનો શિકાર

ઉદય રંજન, અમદાવાદઃ શોર્ટકટ રીતે પૈસા કમાવાનો રસ્તો બરબાદી તરફ લઈ જતો હોય છે અથવા જેલના સળિયા સુધી લઈ જતો હોય છે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે. એક મહિલા સહિત કુલ 6 લોકો વિરુદ્ધ હનીટ્રેપની ધમકી આપી રૂપિયા પડાવવાનો ગુનો નોંધાયો છે. જેમાં પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ચાર અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

હની ટ્રેપની જાળમાં ફસાયો એક વેપારી 
સોનીની ચાલ પાસે લેડીઝ ડ્રેસ મટીરીયલનો ધંધો કરતા વેપારીને ત્યાં એક મહિલા ડ્રેસ જોવા આવી અને પોતે સુરતથી આવે છે. ડ્રેસનો ધંધો કરવા માટે ડ્રેસ લેવા છે તેમ કહીને શ્રુતિ નામની મહિલાએ વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો અને બાદમાં આવીશ તેમ કહીને આરોપી મહિલા વેપારીની દુકાનમાંથી જતી રહી હતી.  બાદમાં સમગ્ર હની ટ્રેપનો ફિલ્મી પ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો. થોડા દિવસ બાદ આરોપી મહિલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટીરીયલના પોસ્ટર ફોટા લઈને ઘરે બોલાવ્યો હતો. બાદમાં  પોતાના સાગરીતો સાથે મળી વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી અને ન આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી બે આરોપી નરેશ ગોહિલ અને અરવિંદ ગોહિલની  ધરપકડ કરી છે. 

કૃષ્ણનગર પોલીસ મથકે વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં પણ આવું જ કંઈક બન્યું હતુ. શ્રુતિ નામની મહિલાએ વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો હતો. થોડીવાર પછી ફ્લેટમાં અજાણ્યા લોકો ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી વેપારીને ધમકાવ્યો અને માર માર્યો હતો. વેપારીને માર મારીને રૂપિયા 10 લાખની માંગણી ક્રાઇમ બ્રાંચના નામે કરવામાં આવે છે અને બાદમાં આખોય મામલો રૂપિયા ચાર લાખમાં સેટલમેન્ટ કરવાની વાત વેપારી અને આરોપીઓ વચ્ચે થઈ હતી. જોકે ફરિયાદી રૂપિયા લેવાના બહાને આરોપીને ચકમો આપીને ફરાર થઈ ગયો અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. 

કૃષ્ણનગર પોલીસે હનીટ્રેપના ગુનામા એક તોડબાજ પત્રકાર સહિત બેની ધરપકડ કરી છે. જોકે અન્ય બે મહિલા સહિત 4 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. જોકે પોલીસ પૂછપરછમાં અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ તપાસમા શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news