હે રામ! મહાત્મા ગાંધીના પૌત્રવધુને ગાંધી સ્મારક કાર્યક્રમનું આમંત્રણ ન અપાયું

હાલ સરકાર દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જંયતી મનાવી રહી છે, પરંતુ આગામી 30 જાન્યુઆરીના રોજ નવસારીના દાંડી ખાતે મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની યાદ રૂપે બનાવવામાં આવેલા મ્યુઝીયમનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે, જોકે આ સમગ્ર કાર્યક્રમનું કોઈ પણ આમંત્રણ મહાત્મા ગાંધીના પરિવારજનોને આપવામાં આવ્યું નથી.

હે રામ! મહાત્મા ગાંધીના પૌત્રવધુને ગાંધી સ્મારક કાર્યક્રમનું આમંત્રણ ન અપાયું

તેજશ મોદી/ સુરતઃ મહાત્મા ગાંધીની 150મી જંયતી દેશભરમાં સરકાર મનાવી રહી છે. વારે તહેવારે ગાંધી બાપુને યાદ કરવામાં આવે છે. આગામી 30 જાન્યુઆરીના રોજ નવસારીના દાંડી ખાતે મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની યાદ રૂપે બનાવવામાં આવેલા મ્યુઝીયમનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે, આ સમગ્ર કાર્યક્રમનું આમંત્રણ મહાત્મા ગાંધીના એક પણ પરિજનને અપાયું નથી. 

ગાંધીજીના પૌત્ર સ્વ. કનુભાઈ ગાંધીનાં ધર્મપત્ની શિવાલક્ષ્મી સુરતમાં જ નિવાસ કરી રહ્યા છે, પરતું તેમને મહાત્મા ગાંધીના મ્યુઝીયમના લોકાર્પણ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. જોકે આ મામલે તેમણે કોઈ નારાજગી વ્યક્ત કરી નથી, પરતું આ કાર્યક્રમમાં જવાની ઈચ્છા જરૂર વ્યક્ત કરી છે.

દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીની એક તસવીર ખૂબ પ્રચલિત બની હતી. એ તસવીર મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધીની હતી, જેમાં કનુભાઈ મહાત્મા ગાંધીની લાઠી પકડીને ચાલી રહ્યા છે. આગામી 30 જાન્યુઆરીએ આજ દાંડી યાત્રા સાથે જોડાયેલા મ્યુઝીયમનું નવસારીના દાંડી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકાપર્ણ કરવા જઈ રહ્યા છે. અંદાજે 150 કરોડના ખર્ચે બની રહેલા આ મ્યુઝિયમના લોકાપર્ણની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ  કાર્યક્રમમાં કોણ કોણ હાજરી આપશે તે તમામ મહાનુભાવાની યાદી બનાવી તેમને આમંત્રણ પણ મોકલી આપવામાં આવ્યું છે. દુઃખની વાત એ છે કે મહાત્મા ગાંધીના પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિને જ આમંત્રણ હજુ સુધી આપવામાં આવ્યું નથી. મહાત્મા ગાંધીના પૌત્ર સ્વ. કનુભાઈ ગાંધીના ધર્મપત્ની ડો. શિવાલક્ષ્મી. કનુભાઈના અવસાન પછી સુરતના ભીમરાડ ગામમાં છેલ્લા 9 મહિનાથી  રહે છે. શાસનમાં રહેલા નેતાઓ અને અધિકારીઓ આ બાબત જાણે પણ છે, તેમ છતાં તેમને આમત્રણ આપવામાં આવ્યું નથી. 

બોલાવશે તો જઈશ.
ઝી 24 કલાક સાથે ની વાતચીતમાં ડો. શિવાલક્ષ્મીએ જણાવ્યું કે, "તેમને આ મ્યુઝીયમ વિષે કોઈ માહિતી નથી. તેઓ છેલ્લા 9 મહિનાથી સુરતમાં રહે છે. મીડિયાના માધ્યમથી દાંડી માર્ચના મ્યુઝિયમ અંગે જાણવા મળ્યું છે. મને આમંત્રણ મળ્યું નથી અને તે અંગે હું કઈ પણ કહેવા માગતી નથી. જો મને બોલાવવામાં તો હું જરૂરથી જઈશ. કારણ કે દાંડી યાત્રા સાથે મારા પતિ સ્વ. કનુંભાઈ ગાંધીની યાદો જોડાયેલી છે, મને આશા છે કે મને બોલાવવામાં આવશે, પરતું  આમંત્રણ નહીં આપવામાં આવે તો હું અન્ય કોઈ દિવસે ત્યાં જઈશ."

આમંત્રણ આપવું જોઈએ
ડો. શિવાલક્ષ્મી જેમના ઘરે નિવાસ કરે છે, તેવા ભીમરાડ ગામના અગ્રણી બળવંત પટેલનું કહેવું છે કે, બાની ઉંમર 93 વર્ષની છે, તેઓ મહત્મા ગાંધીના પરિવારના સીધી લીટીના વારસદાર છે. તેમને આમંત્રણ આપવામાં ન આવે તે ખુબ દુખની વાત છે. ડો. શિવાલક્ષ્મી સુરતના ભીમરાડમાં રહે છે, તે બાધાને ખબર છે, તો પછી કેમ આમંત્રણ આપવામાં આવ્યું નથી તે સમજાતું નથી. ભલે આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરતું અમે બાને ત્યાં લઇ જઈશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news