કચ્છી ભાષા 90 હજાર વર્ષ કરતા પણ જૂની છે... એ માત્ર બોલવાની નહિ, પણ લાગણીઓની ભાષા છે
Heritage Voices : કચ્છમાં કચ્છીને બંધારણીય માન્યતા મળે તે માટે અનેક દાયકાઓથી માંગ થઈ રહી છે. રાજ્યસભામાં કચ્છી મુદ્દે ચર્ચા થતાં ફરી એક વખત કચ્છમાં બંધારણીય માન્યતા માટેના સુર ચોફેરથી ઉઠ્યા
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છ મિઠ્ઠો કચ્છી મિઠ્ઠો, મિઠ્ઠો કચ્છજો નાં... પિંઢ વડો ને નાં નિંઢો, અઢઈ અખર જો નાં.. અઢી અક્ષરનું નામ એ કચ્છનું નામ છે. કચ્છ (kutch) ના લોકો મીઠા બોલા કહેવાય છે અને તેનું શ્રેય આ પ્રદેશની મીઠી બોલીને જાય છે. સિંધી અને મેમણી ભાષાઓ સાથે સરખાવવામાં આવતી આ કચ્છી બોલી (kutchi language) ભારતની અનેક પ્રાચીન ભાષાઓમાંથી એક છે. જો કે હજુ સુધી કચ્છીને ભારતના સંવિધાનમાં ભાષા તરીકે દરજ્જો મળ્યો નથી. વખતોવખત આ મુદ્દે કચ્છી સર્જકો અને ભાષા પ્રેમીઓએ બંધારણીય માન્યતા માટે માંગ કરી છે, પણ આજ સુધી દેશના સૌથી મોટા જિલ્લાની આ પોતીકી ભાષાને માન્યતા મળી શકી નથી.
ગુરુવારે સંસદમાં કચ્છના અબડાસા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કચ્છી બોલીને બંધારણની આઠમી સૂચિમાં ઉમેરવામાં આવે તેવી માંગ કરી હતી. પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ તેમને કચ્છી બોલવાનું કહેતા સાંસદે તેમને "કિં અયો" પૂછ્યું હતું અને ત્યારબાદ તેનો ભાષાંતર કરી સમજાવ્યું હતું કે તેનો મતલબ "તમે કેમ છો" થાય છે.
કચ્છમાં કચ્છીને બંધારણીય માન્યતા મળે તે માટે અનેક દાયકાઓથી માંગ થઈ રહી છે. રાજ્યસભામાં કચ્છી મુદ્દે ચર્ચા થતાં ફરી એક વખત કચ્છમાં બંધારણીય માન્યતા માટેના સુર ચોફેરથી ઉઠ્યા હતા.
કચ્છી ભારતની પ્રાચીનતમ ભાષાઓમાંથી એક છે એમ પણ કહેવાય છે. કચ્છના એક પ્રખ્યાત સાહિત્યકાર શિવાજીભાઈ બારોટ મત મુજબ, આ ભાષા 90 હજાર વર્ષ કરતા પણ જૂની છે. આજથી 1000-1200 વર્ષ પહેલાં લખાયેલા કચ્છી દુહાઓ પણ પુરાવા તરીકે મળી આવે છે.
"લાખો ચેતો બેલિયા મુકે કાચ્છે ડીજા ડાઘ
માન ઓધર કિં ઓથીયાં સોણી સિંધુડો રાગ"
લાખો ફુલાણીના મિત્ર માવળ સાવાણીના નામે લખાયેલ આ દુહો પણ તે સમયે કચ્છી ભાષાના ઉપયોગનો પુરાવો રજૂ કરે છે. (લાખો ફુલાણી મોત પછી તેને કચ્છ લાઇ જાજો કે હું એ ભાષાના રાખ થઈ કદાચ જીવતો થઈ જાઉં) આ કચ્છી ભાષા પ્રત્યેનો પ્રેમ વર્ણવે છે.
આ પણ વાંચો : દર્દનાક મોત : દોરા બનાવતા મશીનમાં કામદારનો પગ ફસાયો, લોહીલુહાણ હાલતમા દર્દથી કણસીને મોત થયું
તે ઉપરાંત કચ્છના ઇતિહાસમાં અનેક પ્રમાણ મળે છે કે લાખો ફુલાણીના સમય પહેલાંથી જ કચ્છી ભાષા પ્રચલિત હતી. તો કચ્છના છેલ્લા રાજવી પ્રાગમલજી ત્રીજાએ કચ્છી ભાષા અને કચ્છ અલગ રાજ્યના હિમાયતી હતા. કચ્છી એ માત્ર બોલવાની નહિ, પરંતુ લાગણીઓની ભાષા છે. જેને આંખોથી નહીં પરંતુ કાનથી વંચાય છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે 2005માં ખાસ કચ્છી સાહિત્ય અકાદમીની રચના થઈ હતી. અકાદમીની રચના પૂર્વેથી જ કચ્છી ભાષાના સર્જકો આ ભાષામાં લખતા હતા અને આજે કચ્છી સાહિત્યમાં ઢગલાબંધ કવિતાઓ અને વાર્તાઓ મળી આવે છે. કચ્છી ભાષાની પુસ્તકો આજે અંગ્રેજીમાં ભાષાંતર થાય છે. લેખક ગૌતમ જોશીએ 1990ના દાયકામાં રામાયણને પણ કચ્છીમાં ભાષાંતર કરી હતી. કવિ નારાયણ જોશી "કારાયલ"ને ગત વર્ષે જ કચ્છી ભાષામાં સર્જન અને આ ભાષાના સંવર્ધન માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. કચ્છના દૈનિકપત્રોમાં પણ વર્ષોથી "ધિલ જી ગાલ્યું" જેવી અનેક કોલમ પણ કચ્છીમાં લખાય છે.
આ પણ વાંચો : આ કેરટેકર તો હેવાન નીકળી... ગુસ્સામાં બાળકને પલંગ પર પછાડ્યો, પછી કાન આમળી હવામાં ફંગોળ્યો
કચ્છી ભાષામાં સર્જન અને સંવર્ધન માટે કવિ માધવ જોશી "અશ્ક", માવજી સાવલા, દુલેરાઈ કારાણી જેવા અનેક કવિઓ ઉપરાંત મૂળ મરાઠી પણ કચ્છી ભાષા માટે અથાક પ્રયત્નો કરનાર સવાયા કચ્છી તરીકે ઓળખાતા પ્રભાશંકર ફડકેનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. કચ્છના પીઢ પત્રકાર કીર્તિભાઈ ખત્રીએ કચ્છી બોલીને કચ્છી ભાષા તરીકેની માન્યતાની હિમાયત કરી છે.
કચ્છી ભાષા બોલનારા આજે માત્ર કચ્છમાં નહિ, પણ ભારતના દરેક ખૂણે મળી આવે છે. ઉપરાંત કચ્છી પ્રજા આજે વિદેશમાં પણ ઠેર ઠેર વસી છે. વિશ્વમાં ઓછામાં ઓછાં 20 લાખ થી વધુ લોકો કચ્છી ભાષા બોલે છે.
ત્યારે આજે આ ભાષા પાસે બધું જ છે, ભાષા બોલનારા લોકો છે, સાહિત્યમાં મબલખ કવિતાઓ અને રચનાઓ છે, પોતાની સાહિત્ય અકાદમી છે. કેન્દ્ર સરકારનો સર્વોચ્ચ પુરસ્કાર છે, પણ છતાંય કાયદાની નજરમાં આ હજુ પણ ભાષા નથી, માત્ર એક બોલી જ છે. હકીકતમાં જો કંઈ ખૂટે છે તો તે છે રાજકીય ઈચ્છાશક્તિ અને સહિયારા પ્રયાસ. ભાષા અને બોલીના જાળમાં કચ્છીની થતી ઉપેક્ષા વચ્ચે પણ આજે સાહિત્યકારોએ આ ભાષાના ઉદ્યાનમાં સુગંધિત પુષ્પો ખીલવ્યા છે. પણ હવે આ સર્જકોને આશા છે કે જલ્દી જ એક સવારે આ ભાષાને માન્યતા મળે તો ભાષાના નવસર્જન તરફ આગળ કામ થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે