યુક્રેનમાં આર યા પારની સ્થિતિ, ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન જાહેર કરાઈ

Ukraine Russia Conflict : યુદ્ધની પરિસ્થિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે વિશેષ હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી
 

યુક્રેનમાં આર યા પારની સ્થિતિ, ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન જાહેર કરાઈ

ઝી મીડિયા/બ્યૂરો :યુક્રેનમાં હવે આર કે પારની સ્થિતિ છે. આવામાં ભારતથી યુક્રેન ભણવા ગયેલા અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. જેને કારણે તેમના વાલીઓ ચિંતાતુર બન્યા છે. ગુજરાતમાંથી મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન ગયેલા અનેક વિદ્યાર્થીઓ હાલ ત્યાં ફસાયા છે. જેમને પરત લાવવા ગુજરાત સરકાર પણ કટિબદ્ધ બની છે. ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાત સરકારે  હેલ્પ નંબર જાહેર કર્યો છે. જે નંબર જાહેર કરાયો છે તેમા પર આવતા ડેટા કેન્દ્ર સરકારને મોકલી રહ્યા છીએ. લોકોને ચિંતા કરવાની જરૂર નથી. તેની એક પ્રોસેસ હોય છે તે થતા વાર લાગતી હોય છે. 

ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર
પ્રવર્તમાન પરિસ્થિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે વિશેષ હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી હોવાનું કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે. બિન નિવાસી ગુજરાત પ્રભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +911123012113,+911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ situationroom@mea.gov.in પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે. ગુજરાત રાજ્ય બિન - નિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.

અમદાવાદમાં કન્ટ્રોલ રૂમ બનાવાયો
યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમનો નંબર 27552144 અને 27560511 છે. અમદાવાદ જિલ્લાના લોકો આ કંટ્રોલ રૂમમાં યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી આપી શકશે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારાઆ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે. 

ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે નવી એડવાઇઝરી જાહેર કરાઈ છે. યુદ્ધની સ્થિતિમાં આશ્રય માટેના વિકલ્પ અંગે ભારતીય દુતાવાસની એડવાઇઝરી ફસાયેલા વિદ્યાર્થીઓ માટે બહુ કામની સાબિત થશે. 

ભાવનગર શહેર જિલ્લાના 18 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભાવનગર, તળાજા, શિહોર, મહુવા સહિત તાલુકાના વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે ભાવનગર ડિઝાસ્ટર કંટ્રોલ વિભાગે વિદ્યાર્થીઓની યાદી જાહેર કરી છે. ભરૂચ પોલીસ દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે પ્રયાસ તેજ કરાયા છે. ભરૂચ પોલીસે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સર્વે હાથ ધરાયો છે. IPS અધિકારી વિકાસ સુંડાએ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વિદેશ મંત્રાલયના IFS અધિકારી અશોક કુમાર સાથે વાતચીત કરી છે. તેમજ વિધાર્થીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી આશ્વાસન અપાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news