ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે! સાચવજો, આગામી 3 દિવસ રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. એવામાં ઓખાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ અને બી રત્નસાગર નામની માછીમારી બોટના 2 ખલાસીઓને બચાવ્યા

ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાટશે! સાચવજો, આગામી 3 દિવસ રેડ એલર્ટ

ઝી બ્યુરો, અમદાવાદ: રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 10 અને 11 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજથી શુક્રવાર સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. એવામાં ઓખાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ અને બી રત્નસાગર નામની માછીમારી બોટના 2 ખલાસીઓને બચાવ્યા. કોસ્ટગાર્ડની સી-413 શીપ મદદ માટે પહોંચી હતી. રેસ્ક્યુ કરાયેલા માછીમારોને ઓખા લાવવામાં આવ્યા છે.

જોકે, ગુજરાતના 122 તાલુકાના સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં લોકોને બફારાથી રાહત મળી છે. ત્યારે વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાપુતારા, વઘઈ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ અને નાગલી તેમજ ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે.

જૂનાગઢના અનેક પંથકમાં વરસાદ વરસ્યો છે. ગીર પંથક, કેશોદ, માળીયા હાટીના સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે, વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા હતા. સાસણ, ભાલછેલ, હરીપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજકોટ, પોરબંદર અને દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના જેતપુર, ખીરસરા, દેરડી તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે દ્વારકા જિલ્લાના દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત દ્વારકાના કલ્યાણપુર તાલુકાનો સતાપર સિંધણી ડેમ ઓવરફ્લો થયો. સારા વરસાદના પગલે જળાશયમાં નવા નીરની આવક થઈ. સતાપર ખાતે આવેલ સિંધણી ડેમ છલકાતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાતાં વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો ડીસામાં ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના સોની પાસે સુજલામ સુફલામ કેનાલના પુલ પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે પુલ પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. ભારે વરસાદને પગલે પાણીયારી ધોધ જીવંત બન્યો છે. વડગામના પાણીયારી ધોધ જીવંત બનતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના 63 જળાશયોમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74.60 ટકા પાણીનો જથ્થો છે. તો જ્યારે 117 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે. સરદાર સરોવરમાં 78.91 ટકા પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news