રાજકોટની ભૈરવીએ કર્યુ બહાદુરીનું કામ, ડ્રાઈવરને હાર્ટએટેક આવતા સ્ટીયરીંગ પર ફેરવી બચાવ્યો બધાનો જીવ

Rajkot Accident : રાજકોટ ગોંડલ રોડ પર સ્કૂલ બસને થયો અકસ્માત... ચાલુ બસમા ડ્રાઈવરને હાર્ટએટેક આવ્યો હતો... એક વિદ્યાર્થીનીએ સ્ટીયરીંગ ફેરવીને બસને વીજપોલ સાથે અથડાવી, જેથી મોટી દુર્ઘટના થતા બચી ગઈ

રાજકોટની ભૈરવીએ કર્યુ બહાદુરીનું કામ, ડ્રાઈવરને હાર્ટએટેક આવતા સ્ટીયરીંગ પર ફેરવી બચાવ્યો બધાનો જીવ

Rajkot Accident : રાજકોટમાં હાર્ટ એટેક આવવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં બસ ડ્રાઈવરને આવેલા હાર્ટ એટેકના કિસ્સામાં એક વિદ્યાર્થીનીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રાજકોટમાં એક સ્કૂલ બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવ્યો હતો. જોકે, સદનસીબે બસમાં બેસેલી એક વિદ્યાર્થીનીએ ભય પારખીને બસની સ્ટીયરીંગ ફેરવી દીધું હતું અને વીજપોલ સાથે અથડાવ્યુ હતું. જેથી બસ બાજુમાં વીજપોલ સાથે ટકરાઈ હતી, અને અકસ્માત થતો રહી ગયો હતો. આમ, બસમાં બેસેલા તમામ લોકોના જીવ બચી ગયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની બરાડ સ્કૂલની બસ શનિવારે ગોંડલ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે 56 વર્ષીય હારુનભાઈ બસને ચલાવતા હતા. તેઓ બાળકોને બેસાડીને લઈ જતા હતા ત્યારે તેમને ચાલુ બસમાં હાર્ટએટેક આવ્યો હતો. હૃદયનો હુમલો આવતા તેઓએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી સૌથી પહેલા તેઓએ બે વાહનોનો અડફેટે લીધા હતા. બસ બેકાબૂ બનતા વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. આવામાં ધોરણ-12ની બસમાં બેસેલી વિદ્યાર્થીની ભૈરવી વ્યાસે હિંમત બતાવી હતી. તે તરત પોતાની સીટ પરથી ઉભી થઈ હતી, અને જગ્યા જોઈને બસનું સ્ટીયરિંગ ભીંત તરફ ફેરવી દીધું હતું.

આજે ભૈરવીએ આ સમયસૂચકતા દાખવી ન હોય તો બસનો અકસ્માત થયો હોત અને અનેક વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મૂકાઈ શક્યા હોત. બસ રોકાયા બાદ તાત્કાલિક હારૂનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ, ભૈરવીની બહાદુરીના વખાણ થયા હતા.

રાજકોટમાં વધ્યા હાર્ટએટેકના કિસ્સા 
રાજકોટ શહેરમાં તાજેતરમાં એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી રિયા સાગર નામની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. તેના બાદ શહેરમાં બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી હતી. રવિ નામનો યુવાન ક્રિકેટ રમી રહ્યો હતો, ત્યારે તેનું હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કે, વિવેકકુમાર નામના વિદ્યાર્થીનીનું ફૂટબોલની રમત રમતી વખતે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજેશ તૈલીનું કહેવું છે કે, અગાઉના સમય કરતા પ્રવર્તમાન સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. જે પાછળના કારણોમાં મુખ્યત્વે સ્ટ્રેસ લેવલ જવાબદાર છે. નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવું તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. અમે જ્યારે તબીબ બનવા માટે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે શીખવવામાં આવતું હતું કે, સામાન્ય રીતે માણસને 50 વર્ષની ઉંમર બાદ હાર્ટએટેક આવતો હોય છે. પરંતુ હાલ હાર્ટ એટેક નાના બાળકોથી માંડીને યુવાનો અને મોટેરાઓમાં પણ આવવો સામાન્ય બાબત બની ગયું છે. નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવા પાછળનું કારણ જીવનશૈલીમાં આવેલો બદલાવ પણ કારણભૂત છે. હાર્ટ એટેકના મુખ્ય પરિબળો પર ધ્યાન આપવામાં આવે તો તેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ, વારસાગત બીમારી તેમજ ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ જવાબદાર છે. હાલ કોમ્પિટિશનનું પ્રમાણ એટલું વધી ગયું છે કે જેના કારણે યુવાનો સતત તણાવમાં રહે છે. ત્યારે નાના બાળકો તેમજ યુવાનોને નાની ઉંમરમાં આવતા હાર્ટ એટેક થી બચાવવા હોય તો તેમના આહારવિહાર અને વિચાર પર ધ્યાન આપવું ફરજિયાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news