યુવરાજસિંહની ચીમકી, સરકારે માત્ર નાની માછલી પકડી, અસિત વોરાની હકાલપટ્ટી નહિ કરો તો આંદોલન કરશું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :હેડ ક્લાર્ક (head clerk paper leak) ની પરીક્ષાનું પેપર લીક થયાના ખુલાસા માટે 88 હજાર ઉમેદવારોના ભવિષ્ય પર સવાલ ઉભો થયો છે. પેપર રદ્દ (exam cancel) કરવા મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આવામાં આખરે પેપર લીક (paper leak) થયાના છ દિવસ બાદ સરકારે પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓને દાખલારૂપ સજા અપાવવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે યુવરાજસિંહે સરકારને અલ્ટિમેટમ આપ્યુ છે કે, 72 કલાકમા અસિત વોરા (Asit Vora) ની હકાલપટ્ટી ન થઈ તો ફરી રસ્તા ઉપર આંદોલન કરીશું.
અસિત વોરાને તપાસમાંથી હટાવો - યુવરાજસિંહ
પેપરકાંડ (head clerk exam) ના આરોપીઓને લઇ યુવરાજસિંહે ચીમકી આપતા કહ્યું કે, આ ઝડપાયેલા આરોપીઓ માત્ર નાની માછલીઓ છે. મોટા આકાઓ સુધી પોલીસ હજુ સુધી પહોંચી જ નથી. આરોપીઓ સામે પોલીસે હળવી કલમો લગાવી છે. પરંતુ આ કેસમાં ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાને તપાસમાંથી હટાવી દેવામાં આવે. ગૌણ સેવાના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં છે. પેપર લીકના આરોપીઓ પર હળવી કલમ લગાવી છે. પેપર લીકમાં ગૌણ સેવા મંડળના અસિત વોરા પર શંકા છે. અસિત વોરાને આ તપાસમાંથી દુર કરવા જોઇએ. મારી પાસે અન્ય પુરાવાઓ છે જે હર્ષ સંઘવીને આપીશું. અસિત વોરાની પૂછપરછ પણ થવી જોઇએ. અસિત વોરા પાસે જ સ્ટ્રોંગરૂમની માહિતી હોય છે. પરંતુ હજુ પણ મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચી નથી શકી. ઝડપાયેલા તમામ આરોપીઓ માત્ર વચેટીયાઓ છે. અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે.
સરકારે પેપર લીક થયાનું સ્વીકાર્યું
રાજ્યમાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની પુષ્ટિ થઈ છે. ખુદ રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ આ વાતનો સ્વીકાર કર્યો છે. 88 હજાર ઉમેદવારોએ જે પરીક્ષા આપી હતી તે પેપર લીક થયાનો દાવો એ જ દિવસે કરવામાં આવ્યો હતો. જો કે સરકારે ત્રણ દિવસ તપાસ ચલાવી અને આખરે આરોપીને લોકો સમક્ષ લાવ્યા છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયા ના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ ગઈ છે. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. હર્ષ સંઘવીએ પત્રકારોને કહ્યું કે, પ્રશ્નપત્ર સોલ્વ કરાવ્યા હોવાનુ સામે આવ્યુ હતું. શંકાસ્પદ આરોપીઓને નાસી કે છટકી જવાની તક નથી અપાઈ. 24 થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ આખાયે ઘટનાક્રમમાં મોટી વાત એ છે કે, 88 હજાર ઉમેદવારોના ભવિષ્ય પર સવાલ ઉભો થયો છે..પરીક્ષા રદ્દ થશે કે કે યથાવત રહેશે. ઉમેદવારોનું શું થશે એ સૌથી મોટો સવાલ છે.
શું સરકાર પરીક્ષા રદ કરશે?
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યું હોવાનો સરકારે સ્વીકાર તો કરી લીધો. પરંતુ અત્યારે 88 હજાર ઉમેદવારોનો એક જ પ્રશ્ન છે કે હવે પરીક્ષાનું શું થશે? પરીક્ષા રદ્દ થશે કે નહીં તે મામલે ગૌણ સેવા મંડળ ક્યારે પાડશે મગનું નામ મરી? અસિત વોરા 88 હજાર પરિવારોને ક્યારે જવાબ આપશે? શું પરીક્ષા રદ્દ થશે કે પછી માત્ર લીપાપોતી થશે? જો પરીક્ષા રદ્દ થઈ તો ફરી ક્યારે લેવાશે? ઉમેદવારોનો ઉચાટ, બિનસચિવાલય જેવું નહીં થાય ને? બિન સચિવાયલની પરીક્ષાનું પેપર લીક થયું હતું. જેથી પરીક્ષા રદ્દ થઈ હતી. જો કે, અસિત વોરા બિનસચિવાલયની પરીક્ષા નથી લઈ શક્યા. ફરી પરીક્ષા લે એ પહેલા તો નવા બે પેપર ફૂટી ગયા છે. સવાલ એ પણ છે કે, ત્રણ-ત્રણ પેપર ફૂટ્યા બાદ પણ અસિત વોરા ખુરશી પર અકબંધ કેવી રીતે? સાથે સવાલ એ પણ છે કે, શું સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની પદ્ધિતમાં કરવો પડશે ફેરફાર?શું નેતાઓની જગ્યાએ IAS/IPS ને સોંપાશે પરીક્ષાનો કારોબાર? અને ભવિષ્યમાં પેપર લીક નહીં થાય એની ગેરંટી ખરા?
88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરનારા આરોપીઓ સામે કલમ 406, 409, 420 અને 12બી મુજબ સજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. 88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમનારા આરોપીઓને આ 4 કલમના આધારે સજા થશે તેવી જાહેરાત થઈ છે. આ કલમો મુજબ સજાની જોગવાઈની વાત કરીએ તો, કલમ 406 એટલે ગુનાહિત વિશ્વાસઘાતની સજા, 409 એટલે એજન્ટ તરીકે ગુનાહિત વિશ્વાઘાતની સજા, કલમ 420 એટલે ઠગાઈ કરવા બદદાનતથી મિલકત આપી દેવા લલચાવવાની સજા અને 120બી એટલે ગુનાહિત કાવતરાની સજાની જોગવાઈઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે