હાર્દિક પટેલને તમાચો, ચાલુ સભામાં તરૂણ મિસ્ત્રીએ માર્યો લાફો
હાર્દિક પટેલને તમાચો: સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ છે. સ્ટેજ પર સંબોધન કરી રહેલા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ ઝીંકી લાફો ઝીંકી દીધો છે. ત્યારબાદ સભામાં છૂટ્ટાહાથની મારામારી થઈ હતી.
Trending Photos
સુરેન્દ્રનગર :જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે, ત્યારથી તેને અનેક જગ્યાએ પાટીદારોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ છે. સ્ટેજ પર સંબોધન કરી રહેલા હાર્દિક પટેલને એક અજાણ્યા વ્યક્તિએ ઝીંકી લાફો ઝીંકી દીધો છે. ત્યારબાદ સભામાં છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, આ બધુ ભાજપના ઈશારે થયું છે. ભાજપના ઈશારે કોંગ્રેસ પર હુમલો કરાયો છે. ત્યારે હાર્દિક પટેલને લાફો મારનાર યુવકનું નામ પણ સામે આવ્યુ છે. કડીના જેસલપુરના રહેવાસી યુવક તરુણ મિસ્ત્રીએ હાર્દિક પટેલને તમાચો માર્યો છે.
હાલ હાર્દિક પટેલ કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બન્યો છે. એક જ દિવસમાં ચારથી પાંચ સભાઓ સંબોધીને હાલ કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો છે, અને કોંગ્રેસે આ માટે તેને ચાર્ટર્ડ પ્લેન ફાળવ્યું છે. ત્યારે હાર્દિક પટેલને કોંગ્રેસમાં જોડાયા બાદ ડગલેને પગલે લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે લુણાવાડામાં ખેડૂતોએ વિરોધ કરીને હાર્દિકના હેલિકોપ્ટરને ઉતરવાની પરમિશન આપી ન હતી. ત્યારે આજે સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિકની સભા યોજાઈ હતી. જેમાં અચાનક એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને તેણે હાર્દિકને લાફો ઝીંકી દીધો હતો.
‘14 લોકોને ભરખી ગયો, 14 પાટીદારોને મારી નાંખ્યા છે’ તેવુ બોલતા બોલતા યુવક સીધો જ સ્ટેજ પર ચઢી ગયો હતો, અન તેણે હાર્દિકને લાફો ઝીંક્યો હતો. જેના બાદ તે યુવકે હાર્દિક પટેલ સાથે મારામારી પણ કરી હતી. આ ઘટના સભામા હાજર લોકોએ યુવકને પકડીને તેની ધોલાઈ કરી હતી. જોકે, આ યુવકે શા માટે હાર્દિક પર હુમલો કર્યો તે અંગેનુ કારણ હજી બહાર આવ્યું નથી. હાર્દિક પટેલે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાનું વિચાર્યું છે, તો બીજી તરફ કોગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટના ભાજપનો સ્ટંટ હોવાનું કહ્યું હતું.
હાર્દિકની હત્યાનું કાવતરું : પાસ કન્વીનર મનોજ પનારા
પાસ કન્વીનર મનોજ પનારાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો કે, હાર્દિક પટેલની હત્યા કરાવવાનું કાવતરુ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં આ શખ્સ ભાજપનો જ નીકળશે. અમે જલ્દીમાં જલ્દી માંગ કરીએ છીએ કે, હાર્દિકને સુરક્ષા આપવામાં આવે. તેના પર જીવનું જોખમ છે. પણ, સરકાર તેને સુરક્ષા કે કમાન્ડો નથી આપતી. જો હાર્દિક ભાજપમાં જોડાયો હોત તો ભાજપે તેનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હોત, પણ તે કોંગ્રેસમાં જોડાયો છે તેથી તેના પર આવુ કરવામાં આવી રહ્યું છે. આ એક હુમલા પ્રચકારની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે.
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, કોંગ્રેસ એક પાર્ટી છે હવે હાર્દિક પટેલે રાજકીય પાર્ટીનો હાથ પકડ્યો છે અને હવે એ સામાજિક આંદોલનનો ભાગ નથી રહ્યો. હવે એ રાજકીય પાર્ટીનો ભાગ છે એટલે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરવો એ સ્વાભાવિક છે. પ્રચાર વખતે એમાં અડચણ કરવી એ ખોટું છે. જે કંઇ પણ એ ખોટું છે.
નેતાઓ બન્યા રોષનો ભોગ
અગાઉ પણ ઘણા નેતાઓ લોકોના ગુસ્સાનો ભોગ બન્યા છે. એપ્રિલ 2014માં દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને રોડ શો દરમિયાન એક ઓટો રિક્ષા ચાલકે થપ્પડ મારી હતી. આ પ્રકારની બીજી ઘટના શરદ પવાર સાથે પણ બની હતી. એનસીપી અધ્યક્ષ શરદ પવાર જ્યારે એક સભાથી નીકળી રહ્યા હતા ત્યારે પાછળ આવી રહેલા એક શીખ યુવકે પવારને થપ્પડ મારી હતી. આ ઉપરાંત ભૂપિન્દર સિંહ હુડ્ડા પણ આવા કિસ્સાનો ભોગ બન્યા છે. પાનીપનમાં એક સભા દરમિયાન એક યુવકે એમને લાફો માર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે