હું રાજકારણ કરું છું પણ મારા મુદ્દા સાચા, મોરબીના બગથળામાં હાર્દિકનો હુંકાર, સરકાર પર કર્યા પ્રહાર
હાર્દિક પટેલના આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ પણ હાજર રહ્યાં હતા.
Trending Photos
મોરબીઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગાંધી જયંતિ નિમિતે મોરબી જિલ્લાના બગથળા ગામમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા. આ દરમિયાન હાર્દિક પટેલે લોકોને સંબોધિત કર્યા હતા. હાર્દિકે કહ્યું કે, ચાર માંગણીઓને લઈને આજે પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે. છેલ્લું એક વર્ષ મોરબી માટે કપરું રહ્યું છે. પીવાના પાણી તથા સિંચાઈના પાણીની મુશ્કેલી પડી રહી છે. આ સાથે હાર્દિકે કહ્યું કે, જો એક સપ્તાહમાં કેનાલમાંથી પાણી છોડવામાં નહીં આવે તો અને કેનાલમાં પગપાળા યાત્રા કરશું અને આંદોલન ચલાવીશું.
હાર્દિકે કહ્યું કે, મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાયો નથી. જો હું ગુજરાતના 200 તાલુકામાં એક દિવસ ઉપવાસ કરુ તો ખેડૂતોના દીકરાને બાયો ચઢાવતો કરી દઉં. તેણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, બાટલાના ભાવ 350થી 800 થયા છે. પરંતુ કપાસના ભાવ 800થી 1500 થયા નથી. આપણો વાંક છે કે ખરાબ મુખ્યપ્રધાનને ચૂંટીને મોકલ્યા છે.
તેણે કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં 5 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સરકારે 10 કલાક વિજળી આપવાની જાહેરાત કરી પરંતુ પાંચ કલાલ જ વિજળી મળે છે. ચાર વર્ષ પહેલા ખાતરનો ભાવ 750 હતો , તે આજે 1400 પર પહોંચી ગયો છે.
હાર્દિક પટેલના આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ પણ હાજર રહ્યાં હતા. હાર્દિકના આ ઉપવાસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે હાર્દિકે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંપલ્ક પણ કર્યો હતો.
ટ્વિટ કરીને બાપુને આપી શ્રદ્ધાજલિ
આ અંગે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, "પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ, બીજી ઓક્ટોબરથી મોરબીમાં સામાજિક ન્યાય અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ શરૂ થશે. ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે."
ગાંધી જયંતિ પર હાર્દિકનું ટ્વિટ
ગાંધી જયંતિએ હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યું છે કે, "સમાજમાં ફેલાયેલી ધૃણા, હિંસા અને સાંપ્રદાયિકતાથી દેશને બચાવવાનું એકમાત્ર હથિયાર સત્ય અને અહિંસા છે. હું પૂજ્ય બાપુના ચીંધ્યા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીશ. સત્ય અને અહિંસાની લડાઈથી લોકોના મૌલિક અધિકારોની વાત કરીશ."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે