20 મિનિટના અંતરે ઉપરાઉપરી બે અકસ્માત...લોહીલુહાણ લાશોનો ઢગલો, જાણો ખરેખર શું બન્યુ હતું

Ahmedabad Car Accident: અમદાવાદમાં એસજી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં પોલીસકર્મી સહિત 9 લોકોના મોત નીપજ્યાં છે. એક બાદ એક બે અકસ્માતો થયા અને જોત જોતામાં રસ્તા પર લોહીલુહાણ લાશોનો ઢગલો થઈ ગયો....ટોળાએ કાર ચાલકને પણ ફટકાર્યો. જાણો શું થયું હતું...

20 મિનિટના અંતરે ઉપરાઉપરી બે અકસ્માત...લોહીલુહાણ લાશોનો ઢગલો, જાણો ખરેખર શું બન્યુ હતું

Ahmedabad Car Accident/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગત રાત્રે અમદાવાદમાં એસજી હાઇવે પર સરખેજથી ગાંધીનગર તરફના માર્ગ પર ઇસ્કોન બ્રિજ ઉતરતા જેગુઆર કારે એક પોલીસકર્મી સહિત 9 લોકોને કચડી માર્યા. પોલીસકર્મી સહિત આ લોકો એટલા માટે બ્રિજ પર ઉભા હતા કારણ કે કાળા ભંમર કાચ ધરાવતી એક નવી નક્કોર થાર ગાડીને એક ટ્રક સાથે અકસ્માત થયો હતો અને તેનું પંચનામું કરવા માટે પોલીસ પહોંચી હતી અને આ અકસ્માત જોવા લોકોનું ટોળું પર બ્રિજ પર ઉભું હતું. આ દરમિયાન સરખેજ તરફથી પૂરપાટ ઝડપે જેગુઆર કાર આવી અને તેને આ તમામ લોકોને અડફેટે લીધા. ઘટના બાદ ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં.

 

 

પુરપાટ ઝડપે સરખેજ તરફથી કારે રસ્તા પર ઉભેલાં લોકોને ફંગોળ્યા. કહેવામાં આવી રહ્યું છેકે, આ કાર અંદાજે 160 કિ.મી.ની સ્પીડ પર ચાલતી હતી. ત્યાં બ્રિજ ઉતરતા જ કારે રસ્તા પર સંખ્યાબંધ લોકોને ઉડાવ્યાં. કાર એટલી સ્પીડમાં હતી કે, કારને જે લોકો ટકરાયા તે અંદાજે 25 થી 30 ફૂટ દૂર હવામાં ફંગોળાયા હતાં. આ ઘટના બાદ કમકમાટીભર્યા દ્રશ્યો સામે આવ્યાં. જેમાં એક યુવકની લાશ તો કારના બોનેટ પર હતી. જ્યારે બીજા લોકોના શરીર લોહીલુહાણ હાલતમાં રસ્તાની આમ તેમ પડ્યાં હતાં. 

 

 

એસજી હાઈવે પરના ઈસ્કેન બ્રિજ પર બનેલી આ ઘટનામાં સ્થળ પર છ લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે વધુ 3 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતાં. અકસ્માત કારનાર કાર ચાલકને પણ કારમાંથી કાઢીને ત્યાં હાજર લોકોએ ખુબ મેથીપાક આપ્યો હતો. તે સમયે કાર ચાલક તથ્ય પટેલની સાથે તેના અન્ય મિત્રો પણ કારમાં હતા. તથ્યના પિતાને તેના મિત્રોએ અકસ્માતની જાણ કરતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતાં. અને ટોળાને ધમકાવીને ત્યાંથી પોતાના પુત્રને બચાવીને લઈ ગયા હોવાનું પણ ત્યાં હાજર લોકો જણાવી રહ્યાં છે. લોકોને ધમકાવવા માટે તેના પિતાએ બંદૂક બતાવી હોવાનું પણ ત્યાં હાજર લોકોનું કહેવું છે. જોકે, આરોપીના પિતા એ વાતને નકારી રહ્યાં છે.

 

 

બે અકસ્માત વચ્ચે કેટલું અંતર હતું?
પહેલાં અકસ્માત અને બીજા અકસ્માત વચ્ચે માત્ર 20 મિનિટનું જ અંતર હતું. પહેલાં બ્લેક કાચવાળી ઠાર કારનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. ત્યાર બાદ પોલીસ સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી રહી હતી. એવામાં ત્યાં હાજર ટોળું આ બધુ જોવા ત્યાં ઉભું હતું. ત્યારે જ અચાનક પાછળથી બીજી ગાડી આવી અને તેણે રસ્તા પર ઉભેલાં ટોળાને અડફેટે લીધું.

 

અકસ્માત બાદ શું કાર્યવાહી કરાઈ?
અકસ્માતની જગ્યા પર માર્ક મુકવામાં આવ્યાં. આરોપી કાર ચાલક યુવક પોલીસ નિગરાની હેઠળ સીમ્સમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. ત્યાર બાદ ઘટનાને પગલે ઈસ્કોન બ્રિજ પર અકસ્માતના કેસમાં ટ્રાફિક પીઆઈ પોતે બન્યા ફરિયાદી. આઈપીસીની વિવિધ કલમો હેઠળ અકસ્માતની ફરિયાદ દાખલ કરાઈ. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યાં. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માતને લઈને મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news