ગુજરાતમાં મોસમનો 91 ટકા વરસાદ નોંધાયો, હજી પણ ભારે વરસાદની આગાહી
Trending Photos
અમદાવાદ :રાજ્યભરમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે 28 ઓગસ્ટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં છોટાઉદેપુર અને પંચમહાલમાં સહિતના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 91 ટકા વરસાદ વરસી પડ્યો છે. આમ, ચોમાસાનો કુલ 100 ટકાના આંકડાને જલ્દી જ સ્પર્શી શકાશે. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડવાનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 816 એમએમ છે. જેની સામે 50 ટકાથી વધુ એટલે કે 410 એમએમ વરસાદ માત્ર ઓગસ્ટ મહિનાના 27 દિવસમાં જ નોંધાયો છે. હવામાન વિભાગની હજી પણ આગાહી છે, જેથી રાજ્યમાં હજી સારો વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે.
બુધવારે વરસાદની આગાહી
હવામાન વિભાગની રાજ્યભરમાં 24 કલાક ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમજ છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે ગુજરાતમાં ગુરુવારનો દિવસ પણ પાણીદાર છે. હવામાન ખાતાની માહિતી મુજબ, 29 ઓગસ્ટે ફરી લો પ્રેશર સક્રિય થશે. માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ રાજ્યમાં સારો વરસાદ વરસશે તેવું એક્સપર્ટસનું કહેવું છે.
હિંમતનગર પોણા ચાર ઇંચ ખાબક્યો
સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન વરસાદ નોંધાયો છે. જિલ્લાના સાત તાલુકામાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો છે. જેમાં તલોદ 3 ઈંચ, પ્રાંતિજ અને વિજયનગર પોણા બે ઇંચ વરસાદ, હિંમતનગર પોણા ચાર ઈંચ, પોશીના અને ઇડર પોણો ઇંચ અને વડાલી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે